Wed Jul 29 2026

Logo

દેશની સૌથી ઊંચી ફાયર લેડર મુંબઈની બહુમાળીય ઈમારતની આગ બુઝાવશે

2026-03-13 10:31:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતી ઊંચી બિલ્ડીંગની સંખ્યાને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી સિસ્ટમ વધુ સક્ષમ કરવા માટે આવશ્યક ઉપાયયોજના કરવામાં  આવવાની છે, જે અંતર્ગત દેશની સૌથી ઊંચી હાઈડ્રોલિક લેડર (સીડી) મુંબઈ માટે લેવામાં આવવાની હોવાની માહિતી રાજ્યના  પ્રધાન ઉદય સામંતે વિધાનપરિષદમાં માહિતી આપી હતી.

વિધાનપરિષદમાં ઉદય સામંતે જણાવ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં દેશની સૌથી ઊંચી (ફાયર લેડર)સીડીઓમાંથી એક સીડી ઉપલબ્ધ થશે, જે રાજ્યની ફાયર સેફટી સિસ્ટમને મજબૂત બનાવવાના સાધન તરીકે કામ કરશે. મુંબઈમાં હાલ ૯૪ મીટર ઊંચી ફાયર લેડર ઉપલબ્ધ છે, જે ઊંચી બિલ્િંડગમાં આગ લાગે ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઉદય સામંતે વિધાનપરિષદમાં જણાવ્યું હતું કે ઊંચી ઈમારતમાં અત્યાધુનિક ફાયર સેફટી સિસ્ટમ અનિવાર્ય કરવામાં આવી હોઈ તેમાં ફાયર સ્ટેરકેસ, ફાયર લિફ્ટસ સ્પ્રિંકલર સિસ્ટમ, અલાર્મ વ્યવસ્થા અને ફાયર એસ્કેપ જેવી સુવિધાનો સમાવેશ હોય છે. આ તમામ ઉપાયયોજના પૂર્ણ થયા બાદ પાલિકા અને ફાયર બિગ્રેડ તરફથી અંતિમ મંજૂરી આપવામાં આવે છે.

ઉદય સામંતે વિધાનપરિષદમાં જણાવ્યું હતું કે મુંબઈ ફાયરબ્રિગેજ પાસે હાલ ૯૪ ફૂટ ઊંચી સીડી ઉપલબ્ધ છે પણ મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય શહેર માટે વધુ ઊંચાઈ અને અત્યાધુનિક સીડીની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને પાલિકાને યોગ્ય સૂચના આપવામાં આવશે. દેશની સૌથી ઊંચી ૧૦૪ મીટરની સીડી ચેન્નઈમાં ઉપલબ્ધ હોઈ તેનાથી વધુ ઊંચી અત્યાધુનિક ટેક્નોલોજી સાથેની સીડી મુંબઈ માટે ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવશે એવું પણ ઉદય સામંતે કહ્યું હતું.

વિધાનપરિષદમાં મુંબઈની ગગનચૂંબી ઈમારત કે જેમાં ૧૦૦ અને ૧૨૫ માળની ઊંચાઈ ધરાવતી બિલ્િંડગ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે પણ શહેરમાં આટલી ઊંચી ઈમારતમાં આગ લાગે ત્યારે ત્યાં સુધી પહોંચીને આગ બુઝાવવા માટેની ક્ષમતા ફાયરબ્રિગેડ પાસે ન હોવાનો મુદ્દો વિધાનસભ્યોએ રાખ્યો હતો.