Tue Aug 18 2026

Logo

કૉમનવેલ્થમાં ભારત પર સુવર્ણ વર્ષાઃ મહિલાઓની મુક્કાબાજીમાં ભારતનું વર્ચસ્વ

Glasgow   2026-08-01 22:36:51
Author: Ajay Motiwala
Article Image

ભારત હવે મેડલ-ટેબલમાં ચોથા નંબર પરઃ પ્રીતિ, જૈસમિન પછી સાક્ષી, પ્રિયા, અરુંધતિએ પણ અપાવ્યા સુવર્ણચંદ્રક

ગ્લાસગોઃ 11 દિવસની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા બૉક્સરો (Boxers)એ શનિવારના 10મા દિવસે રંગ રાખ્યો હતો. શનિવારની મોડી રાત્રે વારાફરતી ત્રણ મહિલા મુક્કાબાજે ભારતને ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવ્યા હતા. એ સાથે, શનિવારે ભારત 11 ગોલ્ડ સહિત કુલ 34 ચંદ્રક સાથે ચોથા નંબર પર હતું. હજી બે દિવસ પહેલાં ભારતનું સ્થાન ટૉપ-ટેનમાં આઠમું હતું, પણ હવે ભારતે 2022ની ગઈ કૉમનવેલ્થની જેમ ચોથું સ્થાન હાંસલ કર્યું હતું.

મુક્કાબાજ સાક્ષી ચૌધરી 51 કિલો વર્ગની ફાઇનલમાં ઇંગ્લૅન્ડની રુબી વાઇટને 5-0થી હરાવીને અને 60 કિલો વર્ગમાં પ્રિયા ઘંઘસ કૅનેડાની મૅરી-બૅથોલ અલ-અહમદિયાને 4-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી હતી. ત્યાર બાદ અરુંધતી ચૌધરી 70 કિલો વર્ગમાં ઇંગ્લૅન્ડની શેન્ટેલ રિડને 5-0થી પરાસ્ત કરી હતી.

2026 Commonwealth Games 

એકંદરે ભારતને મહિલા બૉક્સિંગમાં કુલ પાંચ ગોલ્ડ મેડલ મળ્યા હતા અને એની વિજેતાંઓમાં પ્રીતિ પવાર, જૈસમિન લમ્બોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘંઘસ અને અરુંધતી ચૌધરીનો સમાવેશ હતો. ભારતનાં લેજન્ડ-રનર અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનનાં પ્રમુખ પી. ટી. ઉષાએ સાક્ષી સહિતની બૉક્સર્સને અભિનંદન આપ્યા હતા.

જૂડોમાં ભારતની ઉન્નતિ 63 કિલો વર્ગમાં સાઉથ આફ્રિકાની સ્કયે કૉનેસ્ટરને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ સાથે, ભારત મેડલ-વિજેતા દેશોમાં છઠ્ઠા પરથી (ગયા વખતની માફક) ચોથા નંબર પર આવી ગયું હતું. શનિવારે મોડી રાત્રે ભારતના નામે કુલ જે 34 મેડલ હતા એમાં 11 ગોલ્ડ, 15 સિલ્વર, આઠ બ્રૉન્ઝ સામેલ હતા.