Wed Aug 19 2026

Logo

ક્લાઉડ સ્પેસની વધતી જરૂરિયાત વખતે સ્માર્ટ મૅનેજમેન્ટ

2026-08-16 08:58:00
Author: Viral Rathod
Article Image

 

 

 

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

 

મોબાઇલની ખરીદી પહેલાં સૌથી સામાન્ય કહેવાય એવો કોઈ પ્રશ્ન હોય તો એ રેમ કેટલી અને ફોન સ્પેસ કેટલી એ હોય છે. આઇફોન જેવા મોટા અને મોંઘા ફોનમાં વધારાની સ્પેસ માટે પૈસા ચૂકવવા પડે છે. સૌથી વધારે જગ્યા મલ્ટિમીડિયા રોકે છે. ફોટો વીડિયો સ્પેસને રીતસર ખાય જાય છે. આનાથી ફોન ઝડપથી ભરાય જાય છે અને સ્લો થઈ જાય છે. આવી સામાન્ય મુશ્કેલી દરેક સ્માર્ટફોન ધરાવતી વ્યક્તિએ ભોગવી જ હશે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં ક્લાઉડ સ્પેસની જે જરૂરિયાત ઊભી થઈ છે તેને આ મુશ્કેલીનું નિવારણ શોધ્યું છે. ફોનમાંથી જ એક્સેસ કરી શકાય અને કાયમી ધોરણે ડિજિટલ ડેટાને સાચવી રખાય એ માટે ક્લાઉડ સ્પેસની જરૂરિયાત વધી છે. ડેટા વિસ્ફોટની જે પરિસ્થિતિ આજે દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. 

 

મેડિકલથી લઈને મીડિયા સુધી અને ફાઇનાન્સથી લઈને ફૅશન સુધીના કોઈ પણ સેક્ટરમાં એટલો બધો ડેટા છે જેની ટોટલ ગણતરી કરવામાં આવે તો લાંબો સમય જાય. AI, રિમોટ વર્ક કલ્ચર અને કંપનીઓ દ્વારા સર્વરને એકથી વધારે એક્સેસ આપતા ડેટા સ્પેસ સ્ટોરેજની જરૂરિયાત વધી છે.

 

કોરોના વાઇરસના કાળમાં રિમોટ વર્ક કલ્ચર ઊભું થયું. મોબાઇલ પર આખી શાળા ધમધમતી, ક્લાસિસ ચાલતા, પીડીએફથી લઈને ઇમેજ સુધીના અનેક ડૉક્યુમેન્ટ્સથી યુઝર્સ પણ ટેવાઈ ગયા અને વિદ્યાર્થીઓ ખાસ. વીડિયો સ્ટ્રિમિંગના યુગમાં દૈનિક ધોરણે અબજોની માત્રામાં ડેટા ટ્રાન્સફર થાય છે. કેબી, એમબી, જીબી અને પછી ટીબી. આ માપન કરતાં  પણ મોટી માત્રામાં ડેટા ટ્રાન્સફર થાય છે ત્યારે એને વહન કરતા કેબલ્સ પણ મજબૂત હોવા અનિવાર્ય છે. 

વેબસાઇટ, વેબ ઍપ્લિકેશન, મોબાઈલ ઍપ્લિકેશન, વેબપેજીસ આ તમામના સ્ક્રીન પર દેખાતા ડેટા સિવાય પણ ઘણા પ્રોગ્રામ, તેને સંબંધિત કોડ, સંદર્ભો, સ્ત્રોત, કંડિશન, સપોર્ટ ફાઇલ્સથી લઈને સરસ દેખાતા ફૉન્ટ સુધી એક આખું બકેટ હોય છે જે ઍપ્સ કે વેબસાઇટને રન કરવા જગ્યા આપે છે. 

 

આ સ્ક્રીન પર ન દેખાતી વસ્તુ સાચવવા સર્વરની જરૂર પડે. આ સર્વરથી કેટલાક ડેટા પહેલાં ક્લાઉડ પર શિફ્ટ કરાતા, હવે સર્વર જ ક્લાઉડ બની જતાં અથવા ક્લાઉડ બેઝ સર્વર આવતાં થોડી રાહત થઈ છે, પણ આની પાછળ થતો ખર્ચ અબજોમાં છે. ક્લાઉડ સુધી આ ઇન્ટરનેટની સામગ્રી કેવી રીતે અને ક્યારે પહોંચી ગઈ એની ખબર જ ન પડી,  પણ ક્લાઉડ સર્વિસ વર્ષ 2000માં પહેલીવાર શરૂ થઈ હતી. શરૂ કરનાર કંપની ગૂગલ ન હતી પણ `એઝુરે' નામની એક નાની આઇટી એજન્સી હતી.

 

વર્ષ 2019 અને 2020માં જ્યારે કોરોનાકાળ શરૂ થયો ત્યારે ભૌતિક રીતે દેખાતી વસ્તુઓ પર વાઇરસના જોખમને ધ્યાને લેતાં ફાઇલ એક્સેસ કરવી પડકારજનક થયું. રિમોટ વર્કના કારણે ઓફિસને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાની ફરજ પડી. આ માટે એક મોટી ડિજિટલ જગ્યાની જરૂરિયાત ઊભી થઈ. એટલે જ વર્ષ 2020થી ક્લાઉડ સંપૂર્ણ રીતે સક્રિય થયું અને સૌની નજરમાં આવ્યું, ખાટલે મોટી ખોટ એ હતી કે આટલી મોટી જગ્યાને વાપરવા માટે પણ મૅનેજમેન્ટ તો જોઈએને?

આડેધડ ડેટા રાખી દેવાથી વસ્તુ શોધ્યે ન જડે એવું થાય. આવું ન થાય એટલા માટે ક્લાઉડનાં પણ અલ્ગોરીધમ આવ્યાં, એક્સેસ લેનારી જે તે વ્યક્તિએ તેને પોતાની રીતે પણ સેટ કર્યાં. આ પછી એક વ્યવસ્થિત ફૉર્મેટ બન્યું અને તે આજે મોબાઇલ ઍપ્સથી લઈને વેબસાઇટ સુધી લાગુ થયું. બસ, એમાં નામમાં ફેરફાર થતા રહ્યા. આ સમયગાળાનાં પાક્કા ત્રણ વર્ષ પછી ક્લાઉડ સુધી પહોંચવા અને એક્સેસ માટે સરળ, સ્પષ્ટ, દરેક સુધી પહોંચે એવું, ફાવે એવું તથા પોસાય એવું ફીચર આવ્યું ક્લાઉડ કૉમ્પ્યુટિગ. નાની અમથી ઍપ્લિકેશનની આખી સિરીઝ થરૂ થઈ, જેમાં એકવાર લૉગઇન કર્યા બાદ બધું જ કરી શકો. અપલોડ, ડાઉનલોડ, એડિટ, સર્વર સ્પેસ, સ્પેસ મૅનેજમેન્ટ, ફૉર્મેટિગ, સરળતા એવી ઊભી થઈ ગઈ કે ફોટા કે વીડિયોને ડાયરેક્ટ જ ક્લાઉડમાં સેવ કરવા સરળ બન્યા. 

ક્લાઉડ સ્પેસ આપતી કંપનીઓએ શરૂઆતમાં બધું ફ્રી આપ્યું, પછી એમાં પણ ડેટાનો ભરાવો વધ્યો એટલે કંપનીને એમાં નફો દેખાયો, પછી ચાર્જિસ શરૂ થયા અને પૈસા આપીને જેમ જમીન ખરીદાય એમ આ સ્પેસ ખરીદવી પડી. ઓછા અને નબળા ઇન્ટરનેટ ક્નેક્શનમાં પણ ઝટ ખૂલી જતી અને એક્સેસ થતી આ ક્લાઉડ સ્પેસમાં અનેક ફીચર્સ ઉમેરાયાં.મેગાજીબી, પીક્લાઉડ, માઇક્રોસૉફ્ટ વનડ્રાઇવ અને જિયો ક્લાઉડ અમુક માત્રામાં ડેટા સેવ કરવા ફ્રી સ્પેસ આપે છે. આ દિશામાં મોબાઇલ કંપનીઓનું પણ રોકાણ વધતાં તે ગ્રાહકોને સુવિધા આપી,  પણ આના પણ માપદંડ અને સમયઅવધી હોય છે. `ક્લુમીનો'  જેવી કંપની સુરક્ષાની દૃષ્ટિએ ઉત્તમ હોવાનું મનાય છે.        

 

આઉટ ઑફ બૉક્સ

 

વૉટ્સઍપ જેવી જ ભારતીય ઍપ્લિકેશન `અરાટાઈ' ક્લાઉડ સ્પેસ આપે છે. મોબાઇલનો ડેટા સ્ટોર કરવા ફ્રીમાં બેસ્ટ ઑપ્શન તરીકે યુઝ કરી શકાય.