મુંબઈ: ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં આંદોલન કરવા શિવાજી પાર્ક પહોંચેલા સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરોને જ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો. શિવાજી પાર્કમાં સીજેપી કાર્યકરો પોતાની વાત રજૂ કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ સીજેપી કાર્યકરોને બોલવા પણ દીધા નહોતા.
સીજેપી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે 2 ઓક્ટોબરે મુંબઈથી જેલભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધી જયંતીના દિવસે શિવાજી પાર્કથી આંદોલનની શરૂઆત કરવાની યોજના હતી. સીજેપી દ્વારા આ આંદોલનને આગળ દેશના અન્ય શહેરોમાં લઈ જવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ સીજેપીના કાર્યકરોને શિવાજી પાર્કમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પંચના વિરોધમાં આવેલા સીજેપીના વિરોધમાં જ સ્થાનિકોએ નારા લગાવ્યા હતા. સીજેપી કાર્યકરો પોતાની વાત લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિરોધ કરી રહેલા લોકોએ તેમને બોલવા જ દીધા નહતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
शिवाजी पार्क में सीजेपी के संभावित आंदोलन को स्थानीय लोगों ने विरोध किया है। हालांकि, सीजेपी को परमिशन नहीं मिला है। जेल भरो आंदोलन करने की घोषणा सीजेपी ने की है। #cjp #protest #shivajipark #mumbai #eci pic.twitter.com/SYlDvbOHBZ
— Chetna Raja (@ChetnaRaja) September 29, 2026
બીજી તરફ બીજી ઓક્ટોબરના પ્રસ્તાવિત કાર્યક્રમને લઈને મુંબઈ પોલીસે પણ સીજેપીને શિવાજી પાર્કમાં કાર્યક્રમ માટે મંજૂરી આપી નથી. પોલીસના જણાવ્યા મુજબ, શિવાજી પાર્કમાં સાર્વજનિક સભાઓ યોજવા માટેની મંજૂરી આપવાની સત્તા પોલીસ પાસે નથી. આ મામલે બોમ્બે હાઈ કોર્ટના અગાઉના આદેશો અને મહારાષ્ટ્ર સરકારના સંબંધિત આદેશોનો પણ હવાલો આપવામાં આવ્યો છે.
પોલીસે સીજેપીને કાર્યક્રમ માટે વૈકલ્પિક સ્થળ પસંદ કરવાની સલાહ આપી છે. આ કાર્યક્રમ માટે સામાજિક કાર્યકર અજિંક્ય શિંદેએ 26 સપ્ટેમ્બરે અરજી કરી હતી. પોલીસ દ્વારા તેમને મુંબઈમાં અન્ય સ્થળ પસંદ કરીને જરૂરી મંજૂરી માટે અરજી કરવા જણાવાયું છે. વૈકલ્પિક સ્થળ માટે અરજી કરવામાં આવશે તો નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેના પર નિર્ણય લેવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
પોલીસે શિવાજી પાર્કમાં કાર્યક્રમ સામે અન્ય કારણો પણ દર્શાવ્યા છે. શિવાજી પાર્ક શાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હોવાથી મોટા કાર્યક્રમથી ધ્વનિ પ્રદૂષણ થઈ શકે છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાથી ટ્રાફિક પર અસર થવાની અને આસપાસની હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ સહિતના ઈમરજન્સી વાહનોની અવરજવરમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી.
સીજેપીના નેતા અભિજીત દીપકેએ 2 ઓક્ટોબરે જેલ ભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. સીજેપીનો વિરોધ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા ઉપરાંત એસઆઈઆર પ્રક્રિયા સહિત ચૂંટણી પંચના કામકાજને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો સાથે જોડાયેલો છે.
બીજી તરફ, ચૂંટણી પંચે આંતરિક મતભેદોના દાવાને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે એસઆઈઆર સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો સંપૂર્ણ કમિશન દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.
આમ, બીજી ઓક્ટોબરના આંદોલન પહેલાં જ સીજેપીને શિવાજી પાર્કમાં સ્થાનિકોના વિરોધ અને પોલીસની મંજૂરી ન મળવાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી શું આ વખતે કોકરોચને નવા વિરોધ પ્રદર્શનમાં સફળતા મળશે કે વિરોધ બાદ ખાલી હાથ.ઘરભેગું થવું પડશે તે જોવું રસપ્રદ રહેશે.