Wed Oct 07 2026

Logo

લોહી જ બન્યું લોહીનું તરસ્યું! ચુડામાં પ્રેમસંબંધ અને જમીન વિવાદમાં પરિવારે જ યુવકનું ગળું દબાવી લટકાવી દીધો

2026-10-07 18:24:45
Author: Mayur Patel
લોહી જ બન્યું લોહીનું તરસ્યું! ચુડામાં પ્રેમસંબંધ અને જમીન વિવાદમાં પરિવારે જ યુવકનું ગળું દબાવી લટકાવી દીધો

સુરેન્દ્રનગરઃ ચુડા તાલુકાના કોરડા ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી મહેશભાઈ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરાની લાશના શંકાસ્પદ મોતનો ચોંકાવનારો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચુડા પોલીસે ઉકેલી કાઢ્યો હતો. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ સમગ્ર ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, મહેશભાઈની ગળું દબાવી હત્યા કર્યા બાદ પરિવારજનોએ આત્મહત્યાનો સ્વાંગ રચી લાશને ગળેફાંસો આપ્યો હતો. આ ચકચારી હત્યા પ્રકરણમાં મૃતકના પરિવારના જ છ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક મહેશભાઈને દારૂ પીવાની ટેવ હતી અને દારૂના નશામાં તે ઘરના પરિવારજનો સાથે બોલાચાલી તથા ગાળાગાળી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ રાજકોટ ખાતે રહેતી એક મહિલા સાથે મહેશભાઈને પ્રેમસંબંધ હતો. આ મહિલા અન્ય જ્ઞાતિની હોવાથી પરિવારજનોને આ સંબંધ પસંદ નહોતો. એટલું જ નહીં, મહેશભાઈ પોતાના ભાગે આવતી ખેતીની જમીન પણ પ્રેમિકાને આપી દેશે તેવી પરિવારજનોને શંકા હતી. આ બાબતોને લઈને પરિવારજનોમાં રોષ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું  હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ રોષના પગલે આરોપીઓએ ભેગા મળી મહેશભાઈને પકડી લીધો હતો. તેને આડેધડ ઢીકાપાટુનો માર મારી ઘરના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌએ ભેગા મળી તેનું ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનો ખુલાસો થયો હતો.

હત્યાને આત્મહત્યામાં ખપાવવા પરિવારજનોએ રચ્યો આખો પ્લાન

મહેશભાઈની હત્યા કર્યા બાદ પરિવારજનોએ સમગ્ર ઘટનાને આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસ મુજબ, મૃતકના ગળે દોરડું બાંધી તેને રૂમની છતના નાકુચા સાથે લટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોને મહેશભાઈએ પોતાના રૂમમાં જાતે જ ગળેફાંસો ખાધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ ભેગા મળી લાશને નીચે ઉતારી તે જ દિવસે ગામમાં અંતિમવિધિ પણ કરી નાખી હતી અને સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી નહોતી.

ચોક્કસ બાતમીએ સમગ્ર રહસ્ય ખોલ્યું

મામલો શંકાસ્પદ જણાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચુડા પોલીસની અલગ-અલગ ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે મૃતકના પરિવારના શંકાસ્પદ સભ્યોને પોલીસ હસ્તક લેવામાં આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન તેઓ ભાંગી પડ્યા હતા અને પોલીસ સમક્ષ બનાવ અંગે કબૂલાત કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

હત્યાના ગુનામાં પોલીસે મૃતકના ભાઈ સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા, કુટુંબી ભાઈ ઘનશ્યામભાઈ ભુપતભાઈ રોજાસરા, ભત્રીજા નિલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા, માતા મધુબેન લાખાભાઈ રોજાસરા તેમજ ભાભીઓ સુરતીબેન ઘનશ્યામભાઈ રોજાસરા અને હેતલબેન સુરેશભાઈ રોજાસરાની ધરપકડ કરી  હતી.

ચુડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો

પરિવારના છ સભ્યોને હસ્તગત કર્યા બાદ તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચુડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતી. બનાવને આત્મહત્યાનો રંગ આપી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હોવાની બાબત પણ પોલીસ તપાસમાં સામે આવી હતી..