Mon May 11 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ચીનનું મોટું નિવેદન, કહ્યું તમામ પક્ષો સાથે વાતચીત ચાલુ

Beijing   2026-04-02 18:33:18
Author: Chandrakant Kanoja
Article Image

બેઇજિંગ : અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ યુદ્ધની શરુઆતથી જ ઈરાને વૈશ્વિક ઉર્જા માટે મહત્વના એવા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. જેના લીધે અનેક દેશોના ઉર્જા સંકટ સર્જાયું છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટને ખોલાવવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાથ ઊંચા કરી દીધા છે. તેવા સમયે હવે ચીને આ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને ખોલાવવા અંગે તમામ પક્ષો સાથે વાતચીત કરી રહ્યું છે.  

હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારમાં યુદ્ધવિરામની અપેક્ષા 

આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારમાં  શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ  તેમજ શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના થાય તેવી આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષા છે. તેમજ  બધા પક્ષોએ આ દિશામાં કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ચીન તમામ પક્ષો સાથે વાતચીત અને સંકલન જાળવી રહ્યું છે.

સંઘર્ષમાં વધારો કોઈ પણ પક્ષના હિતમાં નહિ 

તેમણે વધુમાં  જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજનું પરિવહન અટકવાનું મૂળ કારણ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે કરવામાં આવેલી ગેરકાયદ લશ્કરી કાર્યવાહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સુરક્ષા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ દુશ્મનાવટનો અંત લાવવાનો છે. માઓએ ટિપ્પણી કરી હતી કે, "લશ્કરી માધ્યમો મૂળભૂત રીતે આ મુદ્દાને હલ કરી શકતા નથી  અને સંઘર્ષમાં વધારો કોઈ પણ પક્ષના હિતમાં નથી. 

પાંચ મુદ્દાના પ્રસ્તાવને પ્રોત્સાહન આપવા સંમત થયા

ઉલ્લેખનીય છે કે, ચીન અને પાકિસ્તાન આ અઠવાડિયે પાંચ મુદ્દાના પ્રસ્તાવને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા, જેમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ વાટાઘાટો શરૂ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ ટ્રાફિકની સુરક્ષાની ખાતરી આપવાનો સમાવેશ થાય છે. આ અગાઉ અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવાની જવાબદારી અમેરિકાની નથી અને અમેરિકાને આ બાબતે  કોઈ લેવાદેવા નથી.