બસ્તર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં દરમિયાન સુરક્ષા દળોને નોંધપાત્ર સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં નક્સલીઓના ગુપ્ત સ્થાનો અને જમીનની અંદર બનાવેલા સ્થળોમાંથી આઠ કિલો સોનું મળી આવ્યું છે. જેમાં મોટી માત્રાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ ઉપરાંત એકે-47 જેવા હથિયારો પણ જપ્ત કરાયા છે.
પ્લાસ્ટિકના ડ્રમ અને વાસણોમાં ભરીને જમીનમાં દાટી દેવામાં આવ્યું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, નક્સલવાદીઓએ જંગલોમાં તેમના હથિયારોની સાથે આ સોનું પણ જમીનમાં દાટી રાખ્યું હતું.આ જથ્થો બીજાપુરના બાસાગુડા અને કુટ્રુ તથા દંતેવાડાના બારસુર જેવા દુર્ગમ વિસ્તારોમાં આવેલા નક્સલવાદીઓના અનેક ગુપ્ત સ્થળોએથી મળી આવ્યો હતો. આ સોનું પ્લાસ્ટિકના ડ્રમ અને વાસણોમાં ભરીને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું.
નોટબંધી બાદ નક્સલીઓએ રોકડને સોનામાં ફેરવ્યું
આ અંગે નક્સલ વિરોધી કામગીરીનું નિરીક્ષણ કરતા અધિક પોલીસ મહાનિર્દેશક વિવેકાનંદના જણાવ્યા અનુસાર, નોટબંધી બાદ નક્સલીઓએ તેમની પાસેની રોકડ રકમને મોટા પાયે સોનામાં ફેરવવાનું શરૂ કર્યું હતું. તેઓ માનતા હતા કે જો ભવિષ્યમાં ફરી ક્યારેક આવો જ આર્થિક આંચકો આવે તો રોકડની સરખામણીએ સોનું વધુ સુરક્ષિત સંપત્તિ સાબિત થશે.આ વ્યૂહરચનાના ભાગરૂપે તેમણે કથિત રીતે સોનાના બિસ્કિટ ખરીદવાનું અને તેને જંગલોમાં આવેલા ગુપ્ત સ્થળોએ છુપાવવાનું શરૂ કર્યું હતું.
રૂપિયા 500 અને 1,000ની જૂની નોટોના બંડલ પણ જપ્ત કર્યા
આ ઓપરેશન દરમિયાન રૂપિયા 500 અને રૂપિયા 1,000ની જૂની નોટોના બંડલ પણ જપ્ત કર્યા હતા. એનો મતલબ એ છે કે નક્સલવાદીઓ નોટબંધી દરમિયાન નિર્ધારિત સમયમર્યાદામાં તેમની પાસે રહેલી તમામ રોકડ રકમ બદલાવી શક્યા ન હતા. જંગલોમાં બનાવેલા વિવિધ ગુપ્ત સ્થળોએ હથિયારો અને અન્ય સામગ્રીની સાથે સોનું પણ છુપાવીને રાખવામાં આવ્યું હતું. આ સ્થળો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે બહારથી તે સરળતાથી શોધી ન શકાય.
પોલીસે શરણાગતિ સ્વીકારેલા નક્સલીઓ પાસેથી માહિતી મેળવી
હાલ, પોલીસ, 'સ્પેશિયલ ઝોનલ કમિટી'ના શરણાગતિ સ્વીકારી ચૂકેલા નક્સલ કમાન્ડરો અને કેડરોની મદદથી આવા જૂના અડ્ડાઓ વિશે માહિતી એકત્ર કરી રહી છે. પાપા રાવ જેવા શરણાગતિ સ્વીકારેલા કેડરો પાસેથી મળેલી માહિતી સુરક્ષા દળો માટે વિશેષ મહત્વની માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ મળી આવેલા સોનાના સ્ત્રોત, તેની ખરીદીમાં સામેલ નેટવર્ક અને નક્સલ સંગઠનના નાણાકીય માળખાને લગતા પાસાઓની પણ તપાસ કરી રહી છે.