Tue Oct 06 2026

Logo

મહારાષ્ટ્ર કોંગ્રેસના સાંસદ ચંદ્રકાંત હંડોરેએ મુખ્ય ચૂંટણી કમિશનર અંગે કરી વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું ધરપકડ કરો

2026-09-27 16:05:18
Author: Devayat Khatana
મહારાષ્ટ્ર કોંગ્રેસના સાંસદ ચંદ્રકાંત હંડોરેએ મુખ્ય ચૂંટણી કમિશનર અંગે કરી વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું ધરપકડ કરો

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલમાં કોંગ્રેસના રાજયસભા સાંસદ ચંદ્રકાંત હંડોરેનું એક નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે. ચૂંટણી પંચ અને SIRને લઈને ચાલી રહેલા વિવાદો પર વાત કરતી વખતે તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. 

તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર પર લોકશાહી ખતમ કરવાનો ગંભીર આરોપ મૂક્યો એટલું જ નહીં, પરંતુ તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા 'મત ચોરી'ના મુદ્દાને સમર્થન આપતા તેમણે ચૂંટણી પ્રક્રિયા સામે લાંબા સમયથી સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે.

ચંદ્રકાંત હંડોરે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને અનુભવી નેતા છે. પોતાના રાજકીય જીવનમાં તેમણે પાયાના સ્તરથી શરૂઆત કરીને મેયરપદથી લઈને પ્રધાન પદ સુધીની મહત્વની જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી છે. તેમણે 12મી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચેમ્બુર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વિલાસરાવ દેશમુખના નેતૃત્વવાળી સરકારે તેમને સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ પ્રધાન તરીકેની જવાબદારી સોંપી હતી. 

તેમના રાજકીય સફરની સૌથી મહત્વની ક્ષણ 2004ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી હતી, જ્યારે તેમણે ચેમ્બુર બેઠક પરથી RPIના ઉમેદવાર અને ગેંગસ્ટર છોટા રાજનના ભાઈ દીપક નિખાળજેને હરાવ્યા હતા. આ વિજયથી મહારાષ્ટ્રની રાજકારણમાં તેમનું વજન ઘણું વધી ગયું હતું. આ ઉપરાંત, તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમજ મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે પણ મહત્વના હોદ્દા પર કામગીરી કરી છે. તેઓ આંબેડકરવાદી સામાજિક-રાજકીય સંઘઠન 'ભીમ શક્તિ'ના સંસ્થાપક અને અધ્યક્ષ પણ છે.

2022ની વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કોંગ્રેસે 2024માં તેમની રાજકીય લાયકાતને ધ્યાનમાં રાખીને તેમને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા અને તેઓ સફળતાપૂર્વક સંસદમાં પહોંચ્યા. પોતાની રાજકીય સિદ્ધિઓ કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આક્રમક અને વિવાદાસ્પદ નિવેદનને કારણે વધુ ચર્ચામાં આવ્યા છે.