Sat May 02 2026

Logo

વિશેષઃ ચૈત્ર નવરાત્રી: આસ્થા ને આધ્યાત્મિકતાનો પર્વ

2026-03-23 15:11:23
Author: આર. સી. શર્મા
Article Image

આર. સી. શર્મા

ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ માત્ર એક પર્વ નથી, પરંતુ નવજાગરણ, શક્તિ, ઉપાસના અને જીવનના નવા સંકલ્પોના પ્રારંભનો પ્રતીક છે. હિન્દુ પંચાગ મુજબ નવરાત્રીના ચૈત્ર માસની શુકલ પક્ષની પ્રતિપદાથી શરૂઆત થાય છે. નવા સમય અને નવી ઊર્જાનો આરંભ ગણવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ ચૈત્ર નવરાત્રી આદિ શક્તિ મા દુર્ગાની ઉપાસનાનો મહાન અવસર છે. 

આ નવ દિવસ માતાના નવ અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસોમાં દૈવી શક્તિઓ પૃથ્વી પર વિશેષરૂપે સકિ્રય થાય છે. એથી ભક્તોની સાધનાનું ફળ જલદી મળે છે. દેશભરના મંદિરો અને ઘરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં શક્તિને સૃષ્ટિની મૂળ ઊર્જા માનવામાં આવે છે અને દેવી દુર્ગા એ શક્તિનું પ્રતીક છે.

પૌરાણિક કથા પ્રમાણે જ્યારે મહિષાસુર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરીને તેમને ખૂબ પીડા આપી હતી. ત્યારે દેવતાઓની પોકાર પર સંયુક્ત દિવ્ય શક્તિ મા દુર્ગા પ્રગટ થયા. માતાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કરી દસમા દિવસે તેનો વધ કર્યો હતો. નવ દિવસ માતાના નવ રૂપની પૂજા-આરાધના કરવામાં આવે છે. ભક્તો માતાની ઉપાસના કરી મંત્રોનો જાપ કરે છે. 

ભારતીય પરંપરામાં માન્યતા છે કે બ્રહ્માજીએ આ દિવસથી સૃષ્ટિના સર્જનની શરૂઆત કરી હતી. આ જ કારણ છે કે આ દિવસને નવા આરંભ સાથે જોડાવામાં આવે છે. એ ભારતીય સંસ્કૃતિ ચક્રની શરૂઆતનું પ્રતીક છે.

ચૈત્ર નવરાત્રી શરીર અને મનની શુદ્ધતાનો પણ પર્વ છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને એનું વિશેષ મહત્ત્વ છે. ઉપવાસનો અર્થ માત્ર ભોજનનો ત્યાગ પૂરતો જ નથી, પરંતુ આત્મસંયમ અને નિયંત્રણને પણ દર્શાવે છે. સાત્વિક ભોજન ગ્રહણ કરવામાં આવે છે. વધુ સમય પૂજા-પાઠ કરવામાં આવે છે. એનાથી મનની એકાગ્રતા વધે છે અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે. ઋષિ-મુનીઓએ પણ આ સાધના માટે આ દિવસને વિશેષ ગણાવ્યો છે. 

આ દિવસથી ઋતુ પરિવર્તન થવા માંડે છે. ઠંડી પૂરી થઈને ગરમીનો આરંભ થાય છે. શરીરને આ નવી ઋતુમાં ઢળવાનું હોય છે. એથી એ દિવસે કરેલો ઉપવાસ તન અને મનને તંદુરસ્તી આપે છે. 

ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાના શક્તિપીઠોની મુલાકાત લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. વિંધ્યાચલ, નૈના દેવી, જ્વાલામુખી, કામાખ્યા અને વૈષ્ણો દેવી જેવા શક્તિપીઠોમાં ચૈત્ર નવરાત્રીમાં અનેક ભકતો ઊમટે છે. મંદિરોમાં અખંડ જ્યોત અને દુર્ગા સપ્તશતીનો પાઠ, ભજન-કિર્તન કરવામાં આવે છે. એનાથી સમગ્ર પરિસર આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ જાય છે. 

એથી ચૈત્ર નવરાત્રીનું ખૂબ જ ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. અંધકાર પર પ્રકાશ, બુરાઈ પર અચ્છાઈની જીત સમાન આ નવરાત્રી છે.

મા દુર્ગાની કથા આપણને શીખવે છે કે જ્યારે સમાજમાં અન્યાય અને અત્યાચાર વધી જાય છે. ત્યારે મનુષ્યની અંદર રહેલી શક્તિઓમાંથી એક અપાર શક્તિનો ઉદય થાય છે. એટલે જ મા દુર્ગા પ્રગટ થયા હતા. 

ચૈત્ર નવરાત્રી આપણને યાદ અપાવે છે કે જીવનમાં ઊર્જા અને સકારાત્મકતાનો સ્તોત્ર આપણી આસ્થા અને ધ્યાનમાં કેન્દ્રિત છે. એથી આ નવરાત્રી ભક્તિ અને સાધનાની સાથે જ આત્મશુદ્ધિનો પણ મહાપર્વ છે.