Fri Apr 17 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ યુદ્ધની હિંસામાં હિંમતવાન હીરોઇન...

2026-03-20 09:18:00
Author: Sanjay Chel
Article Image

સંજય છેલ 

યુદ્ધમાં ગોળીઓ ફક્ત શરીરને નથી વીંધતી, ઘણીવાર એ આત્માને પણ ઘાયલ કરે છે.
પ્રકાશમાં ઊભેલા ચહેરા પર સૌની નજર હોય છે, પણ એ પ્રકાશની પાછળ સંતાયેલા અંધકારને કોઈ નથી જોતું.

કલાકારનું કામ ફક્ત મનોરંજન કરવાનું નથી, ક્યારેક માણસને તૂટવાથી બચાવવાનું પણ હોય છે.

કોઇ ટેલેંટેડ સુંદર સેક્સી અભિનેત્રી કરિયરની ટોચ પર પરણી જાય કે ફિલ્મ લાઇન છોડીને બિઝનેસ વૂમન બની જાય કે પછી ગુમનામીના અંધકારમાં ખોવાઈ જાય એવું બધું તો સાંભળ્યું છે- જોયું પણ  છે પણ કોઇ હીરોઇન બધું જ છોડીને મોતના મુખમાં સામે ચાલીને જાય ખરી?
હા, જઈ શકે. જો એ હીરોઈન પાસે માત્ર સુંદર શરીર ન હોય પણ એની અંદર આત્મા પણ જાગતો હોય.

વાત જરા જૂની છે, પણ આજના માહોલમાં એની વેદના આજેય તાજી લાગશે.
જેમ આજકાલ ઇરાન-ઇઝરાયલ-અમેરિકાના વૈરભર્યા વોરનું વાતાવરણ છે એ જ રીતે ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય હતો. દુનિયા ભય, અનિશ્ચિતતા ને વિનાશ વચ્ચે સતત ઝઝૂમતી હતી. શહેરો  બોમ્બથી નષ્ટ થઇ રહ્યા હતા, પરિવારો વિખૂટા પડી રહ્યા હતા ને લાખો સૈનિકો અજાણ્યા દેશોમાં જીવન-મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા. આવા સમયમાં એક બીજો મોરચો પણ હતો, જે દેશ-દુનિયાના નકશામાં દેખાતો નહોતો. એ મોરચે ગીત હતું- હાસ્ય હતું ને થાકેલા મરણ પથારીએ પડેલા માણસને પણ થોડી ક્ષણો માટે જીવંત બનાવી દે તેવી માનવતાભરી હૂંફ હતી  અને આ મોરચે એક નામ વારંવાર ગાજતું: કેરોલ લેન્ડિસ.

આ કેરોલ, ફક્ત હોલિવૂડની એક સામાન્ય અભિનેત્રી નહોતી. એ તો યુદ્ધના માહોલમાં માનવીય સંવેદનાનો ચહેરો હતી. જ્યારે થાકેલા સૈનિકો કેમ્પમાં ભેગા થતા ત્યારે એમની સામે ઊભી રહીને ગીતો ગાતી, નૃત્ય કરતી અને હસતી-હસાવતી. અનેકવાર આસપાસ બોમ્બિંગનો ખતરો હોવા છતાં કેરોલના કાર્યક્રમો અટકતા નહોતા. યુદ્ધનાં ધૂમિલ માહોલમાં પણ આ નાની નાની પળો ઘવાયેલા સૈનિકો માટે જીવવાની આશા બની રહેતી.

કેરોલે પોતાના જીવનના અને કેરિયરના ટોપના બેસ્ટ એવા સોનેરી વર્ષો આવી સેવા માટે અર્પી દીધેલા. કેરોલે હજારો માઇલ્સની મુસાફરી કરી, અનેક સૈનિક કેમ્પોની મુલાકાત લીધી ને પોતાના જીવ કે તબિયતની પરવા કર્યા વિના સતત કામ કર્યે રાખ્યું. મલેરિયા, ડિસેન્ટ્રી અને ન્યૂમોનિયા જેવી બીમારીઓનો સામનો કર્યો. બહારથી તો તે હસતી રહી, પણ અંદરથી એના તન ને મન બંને થાકી રહ્યાં  હતાં, પણ એ સૈનિકો ભેગી ખુદનાં દર્દ સાથે પણ લડતી રહી, સેવા કરતી રહી.

કેરોલની જિંદગી પણ એક મજેદાર કથા છે. અતિ ગરીબ કુટુંબમાં જન્મેલી એક યુવતી, જે જીવનમાં કંઈક બનવાની ખ્વાહિશ રાખતી હતી. માત્ર 15 વર્ષની ઉંમરે કેરોલે ખુદને એક શિલ્પીની જેમ ભદ્દી છોકરીમાંથી નવેસરથી ઘડી ને સુંદર સ્ત્રી બની. પોતાનું નામ બદલ્યું-ઓળખ બદલી ને સપનાનો પીછો કરતાં કરતાં હોલિવૂડ તરફ નીકળી પડી. શરૂઆતમાં ખૂબ ઓછું કામ-નામ-દામ મળ્યા.નાના-નાના રોલ્સ,નાની ઓળખ ને ખૂબ બધાં અપમાન અને અવગણનાઓ.... પણ કેરોલ હારી નહીં, થંભી નહીં. પેલા યુદ્ધના સૈનિકોની જેમ જ કેરોલ પણ એક યોદ્ધા હતી, હોલિવૂડનાં પુરુષપ્રધાન જગતમાં અવિરત લડનારી.

ધીમે ધીમે હોલિવૂડમાં કેરોલને સફળતા મળી, પણ એ સફળતા અધૂરી હતી. કેરોલને ફિલ્મોમાં નામ મળ્યું, પણ પ્રતિભા કરતાં એના રૂપના વધુ વખાણ થયા. કેરોલને અભિનય માટે નહીં પણ ચહેરા ને સેક્સી ફિગરથી ઓળખવામાં આવી. કેરોલ ખુદને વધુ ને વધુ એક્ટ્રેસ તરીકે સાબિત કરવા માગતી હતી, કશુંક અલગ બનવા માગતી હતી, પણ એવી તક એને ઓછી મળી. એમ છતાંય કેરોલે પોતાને  કુશળ અભિનેત્રી તરીકે પુરવાર કરી.

પછી કેરોલને જીવનમાં હોલિવૂડનાં જાણીતા હીરો રેક્સ હેરીસન સાથે સાચો પ્રેમ પણ થયો. (આ રેકસ હેરીસન એટલે હિંદી-અંગ્રેજીમાં જેણે 1978માં હોલિવૂડના ગુજરાતી નિર્દેશક કૃષ્ણા શાહની  ‘શાલિમાર’

ફિલ્મ કરેલી.) કેરોલનો આ એક એવો પ્રેમસંબંધ હતો, જેમાં એની લાગણી વધુ હતી પણ સામેના પક્ષે ગંભીરતા ઓછી હતી. ભાવુક કેરોલે પોતાની કરિયર ને જીવનના નિર્ણયો એ પ્રેમસંબંધની આસપાસ લીધાં પણ અંતે એ સંબંધ અચાનક જ તૂટી ગયો. પ્રેમ જ્યારે એકતરફી બને, ત્યારે એ બોજ બની જાય છે. કેરોલ  એ બોજ નીચે કચડાઇ ગઇ.

1948ના એક આથમતા દિવસે લોસ એંજેલસની ગલીઓમાં રોજ જેવી જ એક સાંજ પડી. એ સાંજે હંમેશની જેમ હોલીવૂડની પાર્ટી ચાલતી રહી હતી. મિત્રો, વાતો, સંગીત, મોજમજા અને શબાબ-શરાબની મહેફિલ, પણ એ પાર્ટીના શોર પછી ધીમે ધીમે કેરોલની આસપાસ અને અંદર એકાંત ઊતરી રહ્યું હતું. એ રાત્રે કેરોલની અંદર કંઈક તૂટી રહ્યું હતું અને બીજે દિવસે સવારે તો એક જીવન અચાનક ખતમ થઈ ગયું. 

કેરોલ લેન્ડિસ માત્ર 29 વર્ષની હતી. પ્રેમભગ્ન કેરોલે હતાશામાં ખૂબ બધી ઊંઘની ગોળીઓ લઇને આત્મહત્યા કરી. કેરોલના મૃત્યુને લોકો અધૂરી પ્રેમકથાની જેમ વાગોળતા રહ્યા. કેરોલનું મોત અખબારોમાં હેડલાઇન બન્યું. હોલીવૂડમાં જાત જાતની અફવાઓ ઊડ-ફેલાઈ પણ એક વાત ધીમે ધીમે લોકચર્ચામાંથી ગાયબ થઈ ગઈ કે કેરોલ નામની સ્ત્રી કોણ હતી અને જેણે આ જાલિમ જગત અને જંગમાં જાન જોખમે મૂકીને યોગદાન આપેલું.

‘એ સ્ત્રી, જેણે યુદ્ધનાં મેદાનમાં સૈનિકોને હિંમત આપી.’
‘એ સ્ત્રી, જેણે પોતાના દુ:ખને છુપાવીને બીજાને હસાવ્યા.’
‘એ સ્ત્રી, જેને દુનિયાએ પૂરે પૂરી ક્યારેય ઓળખી નહીં.’

કેરોલ લેન્ડિસ વિશે ઘણીવાર કહેવામાં આવે છે કે એ બહુ મોટી હીરોઇન બની શકી હોત, પણ કદાચ આ વાત અધૂરી કે ખોટી છે. કેરોલ મહાન અભિનેત્રી હતી જ ને રહેશે પણ, ફક્ત દુનિયાએ કેરોલની મહત્તાને ઓળખી નહીં. યુદ્ધનાં અવાજો સમય જતાં શાંત થઈ જાય છે, ફિલ્મોની ઝાકઝમાળ પણ ધીમે ધીમે ઝાંખી પડી જાય છે. પણ કેટલીક વાર્તાઓ એવી હોય છે, જે ઇતિહાસમાં ગુમનામ થઈને સદાય ગૂંજતી-ગાજતી  રહે છે.
કેરોલ લેન્ડિસ-બસ, એવી જ એક વાર્તા છે.