Tue Oct 06 2026

Logo

ફ્લાયદુબઈના હીરો કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં મુંબઈગરા ઊમટ્યા, સર્વોચ્ચ સન્માનની કરી માંગ

2026-10-01 18:29:34
Author: Mumbai Samachar Team
ફ્લાયદુબઈના હીરો કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં મુંબઈગરા ઊમટ્યા, સર્વોચ્ચ સન્માનની કરી માંગ

મુંબઈ: ફ્લાયદુબઈ વિમાનમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે અનેક મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં આજે મુંબઈના તિલકનગરમાં તેમના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થયા હતા. હાથમાં તિરંગો અને સ્મિત મચ્છરના ફોટોગ્રાફ્સ સાથે પહોંચેલા લોકોએ તેમના સાહસને બિરદાવ્યું હતું અને તેમના ઝડપથી સાજા થવા માટે પણ પ્રાર્થના કરી હતી.

સ્વસ્તિક હાઈટ્સ કોમ્પ્લેકસની બહાર એકત્ર થયેલા લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. કેટલાક નાગરિકોએ સ્મિત મચ્છરને શૌર્ય ચક્ર જેવા શૌર્ય પુરસ્કાર અથવા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની પણ માંગ કરી હતી

સ્મિતના પડોશી દૌલતભાઈ વોરાએ જણાવ્યું હતું કે તેઓ સ્મિતને બાળપણથી ઓળખે છે અને તેમનો પરિવાર પણ તેમના માટે ખૂબ નજીકનો છે. તેમણે કહ્યું કે સ્મિતના ધૈર્ય અને સમયસૂચકતાએ ગંભીર દુર્ઘટના ટાળવામાં મદદ કરી હતી. તેમણે સ્મિતના માતા-પિતાએ બંને પુત્રોને ખૂબ સારી રીતે ઉછેર્યા હોવાનું જણાવતાં પરિવાર પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

સ્મિતના બાળપણના મિત્ર પ્રતિક ગાંધીએ તેમના વિષે જણાવતા કહ્યું કે તે  મહત્વાકાંક્ષી પરંતુ સરળ અને વિનમ્ર વ્યક્તિ છે. તેમણે જણાવ્યું હતું કે બંને સાથે ક્રિકેટ રમતા હતા અને સ્મિતની કારકિર્દી તથા આગળ વધવાની તેની મહેનતને તેમણે નજીકથી જોઈ હતી. તેમના બાળપણના અન્ય એક મિત્ર અમિત સોનીએ સ્મિતને ખુશમિજાજ અને જીવંત સ્વભાવનો વ્યક્તિ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સ્મિતના સ્વાસ્થ્યને લઈને સૌ ચિંતિત છે અને માત્ર તેમના પરિચિતો જ નહીં, પરંતુ દરેક મુંબઈગરા અને દરેક ભારતીયને તેમના પર ગર્વ છે.

અમિત સોનીએ જણાવ્યું હતું કે સ્મિતના માતા-પિતા સ્વસ્તિક હાઈટ્સમાં રહે છે, જ્યારે સ્મિત, તેમની પત્ની અને બે બાળકો દુબઈમાં રહે છે. તેઓ અવારનવાર મુંબઈ આવતા રહે છે. સોનીએ કહ્યું હતું કે સ્મિત મુંબઈ પરત ફરશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા આ સમગ્ર ઘટનાક્રમ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્મિત મચ્છર ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુક શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે. દૂતાવાસ અને જેદ્દાહ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેઓ સતત તેમના પરિવારના સંપર્કમાં છે અને તેમના પરિવાર સુધી કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્યની દર કલાકની અપડેટ પહોંચાડી રહ્યા છે.