Sun Jun 14 2026

Logo

દિલધડક ડ્રો: કૅનેડા પહેલા જ યજમાનપદમાં અણગમતા વિક્રમથી બચી ગયું!

Toronto   2026-06-13 11:15:00
Author: Ajay Motiwala
Article Image

ટોરન્ટો: ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં ફક્ત એક જ વખત એવું બન્યું છે કે યજમાન દેશ ઘરઆંગણે રમાતી આ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જ મૅચ હારી ગયું હોય અને એવું 2022માં કતારના કિસ્સામાં બન્યું હતું, પરંતુ શુક્રવારે (ભારતીય સમય મુજબ મધરાત બાદ) રમાયેલી મૅચમાં કૅનેડા (Canada) આ અણગમતા વિક્રમની બરાબરી કરવાથી બચી ગયું હતું.

મૅચ 1-1થી ડ્રો

કૅનેડામાં પહેલી જ વખત સૉકર વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. અમેરિકા અને મેક્સિકો પણ આ વખતની ટૂર્નામેન્ટમાં સહ યજમાન છે. શુક્રવારે રાત્રે કૅનેડા યુરોપના દેશ બોસ્નિયા ઍન્ડ હરઝેગોવિના સામેના પરાજયથી માંડ માંડ બચ્યું હતું. બંને દેશ વચ્ચેની મૅચ 1-1થી ડ્રોમાં ગઈ હતી.

નોરા ફતેહીના પર્ફોર્મન્સ પછી મૅચનું થ્રિલર

ભારતીય અભિનેત્રી અને મૂળ કૅનેડાની નોરા ફતેહી તથા અન્ય સાથીઓની રંગારંગ અને રોમાંચક ઓપનિંગ સેરેમની બાદ જોરદાર રસાકસી વચ્ચે શરૂ થયેલી મૅચમાં બોસ્નિયાના યોવો લ્યૂકિચે 21મી મિનિટમાં મૅચનો પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર પછી પણ બોસ્નિયાના ડિફેન્ડરોએ સંરક્ષણ દીવાલ મજબૂત બનાવી રાખી હતી એટલે ફર્સ્ટ હાફના અંત સુધી કૅનેડા ગોલ કરીને બરાબરીમાં નહોતું આવી શક્યું.
 

ઐતિહાસિક ગોલ થતાં કૅનેડાના હજારો પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા

સેકન્ડ હાફમાં બંને દેશ વચ્ચેની રસાકસી વધુ તીવ્ર બની હતી જેમાં કૅનેડાની ટીમ વધુ આક્રમક અભિગમ સાથે રમવા લાગી હતી. મૅચની 76 મિનિટમાં કૅનેડાના ફોર્વર્ડ ખેલાડીઓએ બોસ્નિયાની સંરક્ષણ દીવાલ ભેદી હતી અને કૅનેડાને સૌપ્રથમ ગોલ અપાવ્યો હતો. ફૂટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં કૅનેડાનો આ પહેલો ગોલ હતો. ટોરન્ટોના સ્ટેડિયમમાં 43,002માંથી મોટાભાગના પ્રેક્ષકો કૅનેડા-તરફી હતા અને તેઓ એક્સરખા લાલ ડ્રેસમાં સજ્જ હતા. કાઇલ લેરિને 76મી મિનિટમાં ગોલ કરતા જ કૅનેડા-તરફી તમામ પ્રેક્ષકો આનંદના અતિરેકમાં ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને અભિનંદન આપીને ગર્વ અનુભવતા હતા. કૅનેડાના ફૂટબૉલ માટે આ અભૂતપૂર્વ ક્ષણો હતી.

પ્રથમ યજમાનપદ, પહેલો ગોલ, પ્રથમ પોઈન્ટ

કૅનેડાને ઐતિહાસિક ગોલ કાઈલ લેરીને અપાવ્યો હતો. 76મી મિનિટ કૅનેડા ફૂટબૉલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણકે ફૂટબૉલ વિશ્વના 30મા નંબરના દેશ કૅનેડામાં પહેલી જ વખત ફિફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને આ દેશ પાછલી તમામ છ વર્લ્ડ કપ મૅચ હાર્યા પછી પહેલી જ વખત મૅચને ડ્રોમાં લઈ જવામાં સફળ થયો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં કૅનેડાનો આ પહેલો જ ગોલ હતો અને એને પહેલી જ વખત એક પોઈન્ટ મળ્યો છે.

કૅનેડાવાળા ગ્રૂપમાં બીજી કઈ ટીમ?

કૅનેડા અને બોસ્નિયા ‘બી' ગ્રૂપમાં છે અને આ ગ્રૂપની અન્ય બે ટીમમાં સ્વિટઝરલેન્ડ અને કતારનો સમાવેશ છે.