Mon Oct 05 2026

Logo

મેલ મેટર્સઃ શું પુરુષને મા કે પત્ની એવા ઑપ્શન આપીને વિમાસણમાં મૂકી શકાય?

2026-09-17 09:44:00
Author: Ankit Desai
મેલ મેટર્સઃ શું પુરુષને મા કે પત્ની એવા ઑપ્શન આપીને વિમાસણમાં મૂકી શકાય?

અંકિત દેસાઈ

ભારતીય પરિવારની વ્યવસ્થામાં અને ખાસ કરીને પુરુષના જીવનમાં બે સ્ત્રીનું સ્થાન સૌથી વધુ મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક હોય છે: એક તેને જન્મ આપનારી મા અને બીજી તેની સાથે જીવન વિતાવવા આવનારી પત્ની. દુ:ખની વાત એ છે કે આપણી સામાજિક માનસિકતામાં અને ઘણીવાર ઘરની ચાર દીવાલો વચ્ચે આ બે પવિત્ર સંબંધોને સામસામે ઊભા કરી દેવાની એક અણસમજુ પરંપરા ચાલી આવી છે. 

ઘણીવાર પત્નીઓ હસતાં-રમતાં, મજાક-મજાકમાં કે પછી કોઈ સામાન્ય બોલાચાલી દરમિયાન પોતાના પતિને એક અતિશય અસંવેદનશીલ સવાલ પૂછી બેસે છે: `હું કે તારી મા? તારે બેમાંથી એકને પસંદ કરવી હોય તો કોને કરશે?' પ્રથમ દૃષ્ટિએ આ સવાલ એક સામાન્ય ચર્ચા કે રમૂજ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં આ પ્રશ્ન પુરુષના મન પર એક ભારે દબાણ અને અસહ્ય વિમાસણ ઊભી કરે છે.

સૌથી પહેલાં તો એ સમજવું અત્યંત જરૂરી છે કે મા અને પત્નીએ બંનેના વજૂદ, બંનેના સંબંધની પ્રકૃતિ અને જીવનમાં બંનેની અહેમિયત સાવ જુદી જુદી હોય છે. એક પુરુષના અસ્તિત્વમાં આ બંને સ્ત્રી અલગ-અલગ તબક્કે આવે છે અને પોતાના વિશિષ્ટ સ્થાને વિરાજમાન થાય છે. આ બે સંબંધ વચ્ચે કોઈ સ્પર્ધા હોઈ જ ન શકે અને જ્યાં સ્પર્ધાનો કોઈ અવકાશ જ નથી, ત્યાં એકની પસંદગી કરવાનો વિકલ્પ આપવો એ જ સૈદ્ધાંતિક રીતે ગેરવાજબી અને અતાર્કિક છે.

મા એ ભૂતકાળ અને વર્તમાનનું એવું સરનામું છે જેણે પુરુષને આ દુનિયામાં લાવવા માટે શારીરિક વેદના સહન કરી છે, તેને પોતાના લોહીથી સિંચ્યો છે અને પોતાનાં સુખોનો ભોગ આપીને એક નાદાન બાળકમાંથી એક સમજદાર પુરુષ બનાવ્યો છે. માનો પ્રેમ નિ:સ્વાર્થ, વાત્સલ્યસભર અને નિરપેક્ષ હોય છે. તે બાળકના ઉછેર, તેની સુરક્ષા અને તેના સંસ્કારોનું પ્રતીક છે.   

બીજી તરફ, પત્ની એ પુરુષના વર્તમાન અને ભવિષ્યની સાથી છે. તે પોતાનું જન્મસ્થળ, પોતાનો પરિવાર અને પોતાની અટક છોડીને એક નવા ઘરને અપનાવવા આવે છે. તે પુરુષની સુખ-દુ:ખની ભાગીદાર છે, તેની સપનાઓની સહયાત્રી છે અને નવી પેઢીને જન્મ આપીને વંશવેલો આગળ ધપાવનારી સખી છે.

હવે વિચાર કરો કે આ બે અલગ-અલગ વિભાવનાઓની સરખામણી કેવી રીતે શક્ય બને? શું કોઈ વૃક્ષને તેનાં મૂળિયાં અને તેના ફળ વચ્ચે પસંદગી કરવાનું કહી શકાય? મૂળિયાં વિના વૃક્ષનું કોઈ અસ્તિત્વ નથી હોતું અને ફળ કે ફૂલ વિના તે વૃક્ષ અધૂરું રહી જાય છે. બસ, પુરુષના જીવનમાં મા એ તેનાં મૂળિયાં છે અને પત્ની એ તેનું ખીલતું ફળ કે ભવિષ્ય છે. આ બંનેમાંથી એક પણ તત્ત્વ વિના પુરુષનું જીવન પરિપૂર્ણ બની શકતું નથી.

જ્યારે પત્ની મજાકમાં પણ `હું કે તારી મા?' એવો ઑપ્શન આપે ત્યારે તે અજાણતાં જ પુરુષના મનોજગતમાં એક મોટો આઘાત સર્જે છે. પુરુષ જ્યારે આવા પ્રશ્નનો સામનો કરે છે ત્યારે તે એક ધર્મના સંકટમાં મુકાઈ જાય છે. જો તે માની બાજુ લે તો પત્નીને લાગે છે કે તેના પ્રેમ અને સમર્પણની કોઈ કિમત નથી અને જો તે પત્નીની વાતને સમર્થન આપે તો તેને પોતાની જાત પર એક અપરાધભાવ થાય છે કે જે માએ તેને મોટો કર્યો તેનો તે અનાદર કરી રહ્યો છે. આ પરિસ્થિતિ પુરુષ માટે `આગળ કૂવો ને પાછળ ખાઈ' જેવી બની જાય છે.

સરખામણી કે વિકલ્પ આપવાની આ ટેવ પાછળ ઘણીવાર સ્ત્રીની અસુરક્ષાની ભાવોના અથવા સત્તાની ખેંચતાણ છુપાયેલી હોય છે. પત્ની જ્યારે નવા ઘરમાં આવે છે ત્યારે તે ઇચ્છે છે કે પતિના જીવનમાં તેનું સ્થાન અગ્રક્રમે હોય. આ ઇચ્છા સ્વાભાવિક અને વ્યાજબી છે, પરંતુ તે સ્થાન મેળવવા માટે માના સ્થાનને નાનું સાબિત કરવું કે તેને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવો એ તાર્કિક નથી. પ્રેમ એ કોઈ મર્યાદિત જથ્થો નથી કે જો પતિ પોતાની માને પ્રેમ કરશે તો પત્ની માટે પ્રેમ ઓછો થઈ જશે. હૃદયમાં દરેક સંબંધ માટે અલગ-અલગ ખાનાંઓ હોય છે અને એક સાચો પુરુષ બંને સંબંધને પોતપોતાની જગ્યાએ પૂરો આદર અને સ્નેહ આપી શકે છે.

જ્યારે મજાકમાં પણ `હું કે તારી મા?' જેવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે ત્યારે તે સંબંધોની પવિત્રતાને ઓછી કરે છે અને ઘરમાં એક અદૃશ્ય તણાવ ઊભો કરે છે. પતિ-પત્નીના સંબંધનો પાયો પરસ્પર સમજણ, આદર અને એકબીજાના ભૂતકાળ તથા સંબંધોને સ્વીકારવા પર ટકેલો છે. જો પત્ની ખરેખર પોતાના પતિને પ્રેમ કરતી હોય તો તેણે એ વાત સમજવી જોઈએ કે જે પુરુષ પોતાની જન્મદાત્રી માનો આદર નથી કરી શકતો કે તેનો સંગાથ છોડી દે તો તે ભવિષ્યમાં પોતાની પત્ની પ્રત્યે પણ વફાદાર રહેશે તેની શું ખાતરી? મા પ્રત્યેનો પ્રેમ એ પુરુષની સંવેદનશીલતા અને કૃતજ્ઞતાનું પ્રમાણ છે, કોઈ પત્ની પ્રત્યેની ઉપેક્ષા નથી.

એ જ રીતે પુરુષે પણ આ બંને સંબંધ વચ્ચે યોગ્ય સમતુલન જાળવવાની કળા શીખવી પડે છે. તેણે માના પ્રેમમાં અંધ થઈને પત્ની પર થતા અન્યાયને નજરઅંદાજ ન કરવો જોઈએ કે પછી પત્નીના મોહમાં પડીને માના ઉપકારોને ભૂલી ન જવા જોઈએ. હા, જ્યારે પ્રશ્ન પસંદગીનો આવે ત્યારે ઘરમાં એવું વાતાવરણ નિર્માણ થવું જોઈએ જ્યાં આવી પસંદગી કરવાની નોબત જ ન આવે.

સમાજ તરીકે અને એક પરિવાર તરીકે આપણે એ સમજવાની જરૂર છે કે મા અને પત્ની એ બે સામસામે ઊભા રહેલા પ્રતિસ્પર્ધીઓ નથી, પરંતુ એક જ ઘરના બે મજબૂત સ્તંભો છે. પત્નીએ એ સમજવું પડશે કે પતિના હૃદયમાં માનું સ્થાન આદર અને ફરજનું છે, જ્યારે પત્નીનું સ્થાન સહચાર અને પ્રેમનું છે. આ બંને લાગણી સાવ ભિન્ન છે અને તેમની વચ્ચે તુલના થઈ જ ન શકે.

છેવટે તો પુરુષને આવા અસહજ વિકલ્પો આપીને વિમાસણમાં મૂકવો એ સંબંધોની પરિપક્વતા નથી. મજાકની પણ એક સીમા હોય છે અને જે મજાક સામેવાળા વ્યક્તિને માનસિક પીડા કે અસમંજસમાં મૂકે તે રમૂજ નહીં પણ એક વણનોતરી સમસ્યા બની જાય છે. તેથી દરેક પત્નીએ આ આદતમાંથી બહાર આવીને પતિના જીવનમાં માના સ્થાનનો સ્વીકાર કરવો જોઈએ અને પતિએ પણ પત્નીને એવો વિશ્વાસ અપાવવો જોઈએ કે માના અસ્તિત્વથી પત્નીના પ્રેમ કે સ્થાનમાં ક્યારેય ઘટાડો નહીં થાય. જ્યારે આ સમજણ સ્થાપિત થશે ત્યારે જ ઘરમાં સાચો પ્રેમ, શાંતિ અને સમરસતા જળવાઈ રહેશે.