Mon Oct 05 2026

Logo

મુંબઈનું પ્રખ્યાત કેફે મોન્ડેગર મુશ્કેલીમાં: FDA દ્વારા ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ

2026-09-15 21:34:28
Author: Mumbai Samachar Team
મુંબઈનું પ્રખ્યાત કેફે મોન્ડેગર મુશ્કેલીમાં: FDA દ્વારા ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ

મુંબઈ: મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલું જાણીતું અને ઐતિહાસિક કેફે મોન્ડેગર મુશ્કેલીમાં મુકાયું છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા 12 સપ્ટેમ્બરના  કરવામાં આવેલી તપાસ બાદ કેફેનું ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાયું હતું. તપાસ દરમિયાન એફડીએના અધિકારીઓને કેફેમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત અનેક ખામીઓ જોવા મળી હતી. અધિકારીઓ દ્વારા ખાસ કરીને ખાદ્ય પદાર્થોના યોગ્ય તાપમાન નિયંત્રણનો અભાવ, અપૂરતી ડ્રેનેજ વ્યવસ્થા તેમ જ સફાઈ અને એકંદર સ્વચ્છતા અંગેની સમસ્યાઓ નોંધવામાં આવી હતી.

એફડીએ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ખાદ્ય વ્યવસાયોમાં જરૂરી સલામતી અને સ્વચ્છતાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ચાલી રહેલા અમલ અભિયાનનો એક ભાગ છે. ખાદ્ય સંસ્થાઓ માટે નિર્ધારિત સલામતી અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. લાઈસન્સ સસ્પેન્ડ થયા બાદ કેફેના સંચાલકોને તપાસ દરમિયાન સામે આવેલી ખામીઓ દૂર કરવાની રહેશે. સંબંધિત ખામીઓનું નિરાકરણ કર્યા બાદ અને જરૂરી નિયમોનું પાલન સુનિશ્ચિત થયા પછી જ ફૂડ લાઇસન્સ પુનઃસ્થાપિત થઈ શકશે.

કોલાબાનું કેફે મોન્ડેગર મુંબઈના જાણીતા અને લોકપ્રિય કેફેમાંનું એક છે. તેની સામે એફડીએ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ હવે કેફે સંચાલકો દ્વારા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોને પૂર્ણ કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ તેના પર નજર રહેશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ એફડીએ ખાદ્ય પદાર્થોની અનિયમિતતા વિરુદ્ધ સતત કાર્યવાહીઓ કરી રહ્યું છે. તેવામાં આ પ્રસિદ્ધ આઈકોનિક કેફે પર થયેલી કાર્યવાહીથી મુંબઈગરાના આરોગ્ય સાથે મોટા કેફે પણ કેટલા ચેડાં કરી રહ્યું છે તે સામે આવ્યું છે.