Wed Jun 10 2026

Logo

બોરીવલીના જ્વેલર્સને બિશ્નોઈ ગૅન્ગને નામે ખંડણી માટે ધમકાવનારા પકડાયા...

2026-02-25 20:10:36
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીના જ્વેલર્સને 30 લાખ રૂપિયાની ખંડણી ન આપે તો એનસીપીના નેતા બાબા સિદ્દીકી જેવા હાલ કરવાની ધમકી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગને નામે આપનારા ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

બોરીવલી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રિયાઝુદ્દીન મોહમ્મદ બશીર (29), મોહમ્મદ ફૈયાઝ મોહમ્મદ કય્યુમ મન્સૂરી ઉર્ફે સદ્દામ (27), મોહમ્મદ અશરફુલ કાદરી મોહમ્મદ હાસીમ અન્સારી (36) અને મોહમ્મદ અરબાઝ અન્સારી મોહમ્મદ ઈઝહાર અન્સારી (27) તરીકે થઈ હતી. આરોપીઓ ઝારખંડ રાજ્યના વાસેપુરના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપીઓએ બિશ્નોઈ ગૅન્ગને નામે ધમકી આપી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં બિશ્ર્નોઈ ગૅન્ગ સાથે તેમને કોઈ સાઠગાંઠ ન હોવાનું જણાયું હતું. આરોપીઓ આ જ પ્રકારે ખંડણી માટે ધમકી આપવાના વિલેપાર્લે અને ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓને પકડી પાડવા માટે જ્વેલર્સ સાથે મળીને એક યોજના બનાવવામાં આવી હતી. ખંડણીની રકમ ઑનલાઈન ટ્રાન્સફર કરવાનું શક્ય ન હોવાથી તેના બદલામાં સોનાના સિક્કા આપવાની તૈયારી ફરિયાદી તરફથી દાખવવામાં આવી હતી. ફરિયાદીની વાતોમાં આવી આરોપી સિક્કા સ્વીકારવા તૈયાર થયા હતા.

સોનાના સિક્કા લેવા આરોપી માહિમમાં નક્કી કરેલા એક સ્થળે આવવાના હતા, જ્યાં પોલીસે પહેલેથી છટકું ગોઠવી રાખ્યું હતું. સોનાના સિક્કા લેવા આવેલા આરોપી રિયાઝુદ્દીનને પોલીસે પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી બાન્દ્રા અને જોગેશ્ર્વરીથી તેના ત્રણ સાથીને તાબામાં લેવાયા હતા. ફોન પર ધમકી આપનારા શખસની પોલીસ શોધ ચલાવી રહી છે.

બોરીવલીના એલ. ટી. રોડ પર આવેલા જ્વેલરીના શોરૂમના મોબાઈલ નંબર પર સૌપ્રથમ 18 ફેબ્રુઆરીએ ઈન્ટરનૅશનલ નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં 30 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 24 કલાકમાં બિશ્ર્નોઈ ગૅન્ગને આ રકમ ચૂકવવામાં ન આવે તો બાબા સિદ્દીકીની જેમ ગોળીએ દેવાની ધમકી મેસેજમાં અપાઈ હતી. એ સિવાય પરિવારને પણ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. પછી આરોપીએ વૉટ્સઍપ કૉલ અને મેસેજથી ચર્ચા કરી ખંડણીની રકમ ચાર લાખ સ્વીકારવાની તૈયારી દાખવી હતી.