Sat Aug 29 2026

Logo

કાંદિવલીના બે સેન્ટરમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવા બદલ ચાર જણ ઝડપાયા

2026-08-12 18:03:08
Author: Yogesh D. Patel
કાંદિવલીના બે સેન્ટરમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવા બદલ ચાર જણ ઝડપાયા

મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં બે આધાર કાર્ડ સેન્ટરમાં બોગસ દસ્તાવેજો બનાવી આપનારા ચાર જણને દહિસર પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. પોલીસે બંને સ્થળેથી બનાવટી દસ્તાવેજો, કમ્પ્યુટર્સ, પ્રિન્ટર, સ્કૅનર તથા અન્ય મતા જપ્ત કરાઇ હતી.

દહિસર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સૂરજકુમાર રામચંદ્ર યાદવ, ઉપેન્દ્ર કપ્તાન સિંહ, સત્યમ લલન મિશ્રા અને આકાશ ભગવાન પટવા તરીકે થઇ હતી. પોલીસ હવે ઉમેશ યાદવ ઉર્ફે સમીરની શોધ ચલાવી રહી છે.
દહિસર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર નીલેશ સાળુંકેને માહિતી મળી હતી કે દહિસર પૂર્વના બાલાજીનગરમાં બનાવટી દસ્તાવેજો બનાવી આપવામાં આવે છે. આથી પોલીસે ખાતરી કરવા માટે બોગસ ગ્રાહકને બાલાજીનગરમાંની મધુકર ચાલમાં યુએસ એન્ટરપ્રાઇઝીસ ખાતે મોકલ્યો હતો, ત્યાંથી તેને કાંદિવલી પૂર્વના હનુમાનનગરમાં સૅમ ઇન્ફોટેક આધાર સેન્ટરમાં લઇ જવાયો હતો, જ્યાં આધાર કાર્ડ બનાવવા માટે જરૂરી બનાવટી બર્થ સર્ટિફિકેટ તૈયાર કરી આપવામાં આવ્યું હતું. પોલીસે ત્યાર બાદ ઉપરોક્ત સેન્ટરમાં રેઇડ પાડી હતી, જ્યાં બે જણ બનાવટી બર્થ સર્ટિફિકેટ મશીન પર અપલોડ કરતાં મળી આવ્યા હતા, જેમની ઓળખ સૂરજકુમાર યાદવ અને ઉપેન્દ્ર સિંહ તરીકે થઇ હતી. 

દરમિયાન આ પ્રકરણે ગુનો દાખલ કરાયા બાદ આરોપીઓની કરાયેલી પૂછપરછમાં કાંદિવલીના પોઇસર વિસ્તારમાં શિવમ એન્ટરપ્રાઇઝીસ નામે આધાર સેન્ટર વિશે માહિતી મળી હતી. પોલીસની ટીમે ત્યાર બાદ એ સ્થળે કાર્યવાહી કરીને સત્યમ મિશ્રા અને આકાશ પટવાને ઝડપી પાડ્યા હતા અને ત્યાંથી બોગસ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.