બોલો, તમે શું કહો છો? - જૂઈ પાર્થ
આજનો દિવસ પ્રથા માટે ખાસ હતો. આજે એ એના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્નનાં સૂત્રે બંધાવાની હતી. પ્રથા અને સંકેત નાનપણથી એકબીજાને ઓળખતા હતા. નાનપણનો એમનો પ્રેમ લગ્ન સુધી કેવી રીતે પહોંચી ગયો એનો એમને પણ ખ્યાલ ના આવ્યો. સગાવહાલા અને મિત્રોની ઉપસ્થિતિમાં એ લોકો ધામધૂમથી લગ્ન કરવાના હતા. માંડવો બંધાઈ ગયો હતો, જાન આવવાની તૈયારીમાં જ હતી. પ્રથા ખૂબ ખુશ હતી. છ મહિનાની તૈયારી બાદ આજે એને પોતાને ગમે એવો પરફેક્ટ લૂક મળ્યો હતો. પાનેતર, મહેંદી, ઘરેણાં, ચોરીની ડિઝાઇન, હેર-મેકઅપની ઝીણામાં ઝીણી તકેદારી રાખીને એણે બધું જ પોતાની પસંદનું કરાવ્યું હતું. કહે છે ને કે લગ્નનાં દિવસે દુલ્હનનું રૂપ નિખરી ઊઠે છે અને આખા માંડવામાં દુલ્હન સૌથી સુંદર દેખાતી સ્ત્રી હોય છે. પ્રથા પણ આજે પરી જેવી દેખાઈ રહી હતી.
આમેય પ્રથા પહેલેથી પોતાનાં દેખાવ પ્રત્યે સજાગ હતી. નાનપણથી એનું વજન સામાન્ય કરતાં સહેજ વધારે હતું. સોસાયટીમાં અને સ્કૂલમાં બધાં એને પ્રથા જાડી પ્રથા જાડી કહીને ચીડવતા. કોલેજમાં આવી ત્યારે એને મન પર બહુ લાગી આવ્યું અને એણે જેમતેમ કરીને ગુસ્સામાં કે ઝનૂનમાં પચીસ કિલો વજન ઊતારી નાખ્યું. જે લોકો પહેલા એને જાડી કહેતા એ જ લોકો એ હવે એને `હાડપિંજર' જેવી કહેવાનું શરૂ કર્યું.
પ્રથાનાં માતા પિતા અને સંકેતે એને લોકો શું કહે એના પર ધ્યાન ન આપવાનું કહ્યું, પણ પ્રથાને લોકો જે કહે એની મન પર અસર થઈ જ જતી. કોઈવાર એ રડી પડતી તો કોઈવાર ઝગડી પડતી, પણ એનાં દિલનાં ઊંડાણમાં શરીરને લગતી બધી જ ટિપ્પણીઓ ઘર કરી ગઈ હતી.
લગ્નનાં થોડા મહિના પહેલાં પ્રથાને થાઈરોઈડ આવ્યો. વજન ફરી પાછું વધવા લાગ્યું. લગ્નનાં બધા પર્ફેક્શનની પાછળ એ કદાચ પોતાના ઈમ્પરફેક્ટ શરીરને સંતાડી દેવા માગતી હતી. અને માટે જ છ મહિનાથી લગ્નનાં દિવસે એ કેવી દેખાશે એનું ચિત્ર એના મનમાં નક્કી હતું.
ચોરીમાં જતા પહેલા પ્રથાનાં બહારગામથી આવેલાં કાકીએ એને જોઈને તરત જ કહ્યું `અરે પ્રથા, તે તો પાછું બરાબર જમાયું છે હોં સગાઈ સદી ગઈ, બહારનું બહુ ખાતી લાગે છે હજી કેટલું વજન વધારીશ?' એક સેક્નડમાં પ્રથાની બધી જ હોંશ ભાંગી પડી, આંખમાં આંસુ આવી ગયા, કાકીને જવાબમાં ખાલી હા પાડી શકી અને ઉદાસ ચહેરે ચોરીમાં ગઈ એનાં જીવનનો સૌથી મહત્ત્વનો દિવસ એક ટિપ્પણીનાં લીધે માનસિક રીતે બરબાદ થઈ ગયો.
આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી. કોઈ જાડું છે તો કોઈ પાતળું, કોઈ લાંબું છે તો કોઈ ઠિગણું, કોઈ ગોરું છે તો કોઈ ઝાંખું તેમ છતાં આપણે એવા સમાજમાં રહીએ જે પોતાનાં વણમાગ્યાં મંતવ્યો, ટિપ્પણીઓ આપ્યા કરતા હોય છે.
મંતવ્યો આપનારા આપીને ભૂલી જાય છે કે પોતે જે કંઈ બોલે છે એની સામેવાળી વ્યક્તિ પર કેટલી નકારાત્મક અસર થતી હશે. બોલનાર બદલાય પણ સાંભળનાર તો એક જ હોય ને! જો નકારાત્મક ટિપ્પણી કોઈ બોડી શેમિંગ કરવાવાળા પર કરે તો એમનાંથી સહન નથી થતું. ત્યારે કવિ દલપતરામની કવિતાનો અંશ યાદ આવે છે કે અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.
શરીરનાં વજન, ઘાટ, ઊંચાઈ વગેરેની પાછળ કેટલાંય પરિબળો જવાબદાર હોય છે. કોઈનાં જાડાપણા પાછળ એમની તબિયત જવાબદાર હોઈ શકે, રંગ અને ઊંચાઈ પાછળ જેનેટિક વારસો તો ઘાટ પાછળ જીવનશૈલી. ઘણીવાર પરફેક્ટ દેખાવું વ્યક્તિનાં હાથમાં નથી હોતું. જેવા દેખાતા હોય એમાં શ્રેષ્ઠ લાગવાનો પ્રયત્ન તો બધા કરતાં જ હશે! શરીર પર નકારાત્મક ટીકા ટિપ્પણી કરવા માટે અંગ્રેજીમાં એક શબ્દ પ્રચલિત થયો છે બોડી શેમિંગ - એટલે કે તમે જેવા છો એવા જોવાનાં બદલે લોકો તમે કેવા હોવા જોઈએનાં દ્રષ્ટિકોણથી તમને ટોકે. આપણે ત્યાં કહે છે ને કે કાણાને કાણો ના કહેવાય, કેમ? કેમ કે આમેય એને એક આંખ ન હોવાની પીડા છે અને ઉપરથી આપણે એને એ જ વાત કહી વધુ દુ:ખી કરીએ.
વાત બોડી શેમિંગ કરતાં પણ સેન્સિટીવીટીની છે. આપણી આસપાસનાં લોકો માટેનાં આદરની છે. બીજા લોકો પ્રત્યે સહિષ્ણુતા દાખવવાની છે જે માણસ તરીકે આપણી ફરજ બને છે. કોઈનાં શરીર પર મજાક કરવાનો કે સલાહ આપવાનો અધિકાર કદાચ કોઈને નથી, અંગત મિત્રો કે સગાને પણ નહીં માટે બોડી શેમિંગ સહન કર્યા કરવું કે પછી સામે જવાબ આપવો કેટલી હદે યોગ્ય કહેવાય?
બોલો, તમે શું કહો છો?