Sat Apr 18 2026

Logo

BMC બજેટમાં 8 ટકાનો વધારો, પણ આ બાબતે ચિંતા વધારી, જાણો શું છે?

2026-02-25 20:05:57
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખાતી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2026-27 માટે 80,952 કરોડ રૂપિયાનું બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટનું કદ ચાલુ નાણાકીય વર્ષના બજેટ કરતાં 8.77 ટકા વધુ છે. જો કે આ વધારો ગયા વર્ષ કરતાં ઓછો છે. પ્રોજેક્ટ્સના ખર્ચને પહોંચી વળવા માટે આગામી વર્ષમાં અનામત ભંડોળમાંથી બીજા 13,765 કરોડ રૂપિયા ઉપાડવામાં આવશે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા અગાઉના પ્રોજેક્ટના દેવાના બોજ હેઠળ દબાયેલું હોવાનું ચિત્ર ઊભુ થયું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, મુંબઈ મહાનગરપાલિકાએ તેની મૂળભૂત જવાબદારીઓથી આગળ વધીને માળખાગત કાર્યો કરવાનું શરૂ કર્યું છે. જોકે, હવે માળખાગત પ્રોજેક્ટ્સની સંખ્યા અને ખર્ચ એટલી હદે વધી ગયો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટ્સ માટે તેની આવક ઉપરાંત દેવાનો સામનો કરવો પડી રહ્યો છે. 

આનાથી શ્રીમંત મ્યુનિસિપલ કોર્પોરેશનના ખજાના પર બોજો વધ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં મોટા પ્રોજેક્ટ્સને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ દેવું વધીને રૂ. 1.90 લાખ કરોડ થયું હતું. તો નાણાકીય વર્ષ 2024-25માં વધીને 2,32,412 કરોડ થઈ ગયું છે.

નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે 80,952 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. મૂડી ખર્ચ માટે 48,164 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જોકે, નગરપાલિકાની આવકમાં વધારો થયો ન હોવાથી આ બધો ખર્ચ ફિક્સ ડિપોઝિટ અને રિઝર્વ ફંડમાંથી પૂર્ણ કરવામાં આવશે. 

નગરપાલિકાની ફિક્સ ડિપોઝિટ 81,000 કરોડ રૂપિયા સુધીની છે. તેથી, નગરપાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ ફંડનો ઉપયોગ શરૂ કર્યો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં 13,765 કરોડ રૂપિયાની લોન લેશે.

નગરપાલિકા પાસે આવકના ત્રણ મહત્વપૂર્ણ સ્ત્રોત છે - કસ્ટમ ડ્યુટી, મિલકત વેરો અને વિકાસ આયોજન, એટલે કે પુનર્વિકાસથી થતી આવક. તેથી, આગામી વર્ષોમાં મ્યુનિસિપલ વહીવટીતંત્ર માટે આ વિશાળ દેવાને પહોંચી વળવું મુશ્કેલ બનશે તે નિશ્ચિત છે.