ચેન્નઈઃ તમિલનાડુમાં આ મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં જો ભાજપ સત્તા પર આવશે તો દરેક મહિલાને દર મહિને 2000 રૂપિયા આપશે. તેમજ પરિવારદીઠ એક વખત 10,000 રૂપિયાની આર્થિક મદદ કરવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત 3 ફ્રિ એલપીજી સિલિન્ડર આપવાનો વાયદો પણ કર્યો હતો. ભાજપ તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK) સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે.
શું કર્યા મોટા વાયદા
- દર વર્ષે પોંગલ, તમિલ નવું વર્ષ અને દીવાળીના અવસર પર 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવામાં આવશે
- ભગવાન મુરુગનના સમ્માનમાં થાઈસૂપમને રાજ્ય પર્વ જાહેર કરાશે
- તિરુપરનકુંદ્રમ પડાડ પર કાર્તિકઈ દીપ પ્રજવલિત કરવાની પરંપરાને પુનર્જીવીત કરાશે
- તમિલનાડુમાં રેલ નેટવર્ક સુધારવાનો વાયદો, યોગ્ય ભાવે જમીન સંપાદન કરવામાં આવશે
- બસ, સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં 100 ટકા બ્લાઈંડ સ્પોટ મુક્ત સીસીટીવી
- નિર્ભયા રાહત ફંડનો મહત્તમ ઉપયોગ મહિલાઓ સામે ગુનાખોરી રોકવા કરાશે
- મહિલાના નેતૃત્વ હેઠળની સહકારી સમિતિ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સશક્ત કરાશે
- મહિલાઓને ઈ સ્કૂટર ખરીદવા માટે 25,000 રૂપિયાની સબ્સિડી
- જલ્લીકટ્ટુના સાંઢ પાળનારાને દર મહિને 2000 રૂપિયાની સહાયતા અને જો કોઈ સ્પર્ધકનું મોત થાય તો 10 લાખ રૂપિયાના વળતરની જોગવાઈ
- પ્રથમ વખત મકાન ખરીદતી મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટીમાં 3 ટકાની છૂટ
- ઘરવખરી માટે રૂ.10,000ની સહાય અને રૂ, 8,000ના કૂપન અપાશે
ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ જે પી નડ્ડાએ DMK સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું, તમિલનાડુમાં નશીલા પદાર્થો સાથે જોડાયેલા ગુનાઓમાં 51 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત તેમણે ડીએમકે પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો પણ આરોપ લગાવ્યો હતો. જેપી નડ્ડાએ જણાવ્યું કે, તમિલનાડુના સાંસ્કૃતિક વારસા પર દરેક ભારતીયને ગૌરવ છે, પરંતુ આજે સાંસ્કૃતિક રાજ્ય ગુનાખોરીનું કેન્દ્ર બની રહ્યું છે.