મુંબઈ: હિન્દી સિનેમાના દિગ્ગજ કોમેડિયન ગોવર્ધન અસરાની ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની અનોખી શૈલી અને હાસ્ય પ્રેક્ષકોના દિલમાં કાયમ જીવંત રહેશે. 20 ઓક્ટોબર 2025ના રોજ 84 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું, પરંતુ અભિનય પ્રત્યેનો તેમનો જુસ્સો છેલ્લી ઘડી સુધી અકબંધ રહ્યો હતો. હવે તેમના ચાહકો માટે એક સારા સમાચાર છે કે, તેઓ ફરી મોટા પડદા પર જોવા મળશે.
પ્રખ્યાત ડાયરેક્ટર પ્રિયદર્શનની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' અસરાની છેલ્લી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2026ના રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મમાં અસરાની ફરી એકવાર પોતાના ફૂલ કોમિક અવતારમાં જોવા મળશે. હોરર અને કોમેડીના આ મિશ્રણમાં ભૂતોની વચ્ચે અસરાની હાજરી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવશે તે નક્કી છે. આ ફિલ્મ દ્વારા તેઓ જતા-જતા પણ દર્શકોના ચહેરા પર સ્મિત રેલવતા જશે. 'ભૂત બંગલા' ઉપરાંત વર્ષ 2026માં તેમની ફિલ્મ 'હૈવાન' પણ રિલીઝ થવાની શક્યતા છે.
અસરાની, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ત્રિપુટીએ ભૂતકાળમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. 'ભૂલ ભુલૈયા', 'ભાગમ ભાગ', 'હેરા ફેરી' અને 'ગરમ મસાલા' જેવી ફિલ્મોમાં આ જોડીએ કમાલ કરી હતી, જ્યાં પણ કોમેડી અને સસ્પેન્સનો મેલ હોય ત્યાં અસરાની અનિવાર્ય બની જતા હતા. પ્રિયદર્શનની ફિલ્મોમાં તેમનો રોલ ભલે નાનો હોય, પણ તે હંમેશા યાદગાર બની રહેતો. તેમની છેલ્લી ફિલ્મમાં પણ આ જ જાદુ જોવા મળશે તેવી આશા છે.
અસરાનીનું નામ લેતા જ 'શોલે' ફિલ્મનો તેમનો આઈકોનિક સંવાદ "હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈં!" યાદ આવી જાય છે. આ સંવાદ અને તેમની વિશિષ્ટ હાસ્ય આજે પણ લોકોની જીભ પર છે. 6 દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે સેંકડો ફિલ્મો કરી, જેમાં ક્યારેક નિર્દોષતા તો ક્યારેક તોફાની અંદાજ જોવા મળ્યો. પટકથા લેખક સલીમ ખાને લખેલો એ જેલરનો રોલ અસરાનીના અભિનયથી હંમેશાં માટે અમર થઈ ગયો છે.