ભુજઃ ભુજ શહેરના નવી રાવલવાડી વિસ્તારમાં આવેલા હરસિદ્ધિનગરમાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં, ઉશ્કેરાયેલા એક યુવકે છરીના આડેધડ ઘા ઝીંકીને પ્રૌઢની હત્યાનો પ્રયાસ કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બચાવવા વચ્ચે પડેલા ભાઈને પણ છરી વાગતાં ઈજા પહોંચી હતી. એલસીબીની ટીમે બનાવના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
બનાવ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નવી રાવલવાડીમાં રડાર કોલોની પાસે રહેતા રિક્ષાચાલક ભાવુભા વિશનજી રાઠોડે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, તેમના નાના ભાઈ હિંમતસિંહે પાડોશમાં રહેતા શિવમ સોલંકીને પોતાના પુત્રને ગાળો આપવા અંગે પૂછપરછ કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા શિવમે ભેંઠમાંથી છરી કાઢી હિંમતસિંહ પર મારી નાખવાના ઈરાદે પાંસળી, કમર અને પીઠના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
આરોપી શિવમ ભાવેશ સોલંકીની અટકાયત કરવામાં આવી
ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદી ભાવુભાએ છરી પકડી લેતાં તેમની હથેળીમાં પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હત્યાના પ્રયાસ અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન, સ્થાનિક ગુનાશોધક શાખાએ ત્વરિત કાર્યવાહી કરીને 22 વર્ષીય આરોપી શિવમ ભાવેશ સોલંકીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે એ-ડિવિઝન પોલીસના હવાલે કર્યો છે.