Wed Aug 19 2026

Logo

સ્પ્રે છાંટીને અર્ધબેભાન અવસ્થામાં સગીરા સાથે દુષ્કર્મ: ત્રણ વર્ષે આરોપી પકડાયો...

2026-02-23 19:26:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયંદરમાં સ્પ્રે છાંટીને 15 વર્ષની સગીરાને અર્ધબેભાન કર્યા પછી તેની સાથે કથિત દુષ્કર્મ કરવાના કેસમાં ફરાર આરોપી ત્રણ વર્ષે ભિવંડીથી પકડાયો હતો.કાશીમીરાની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ ઈમરાન સુબરાતી ખાન ઉર્ફે બાદલ તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને ભાયંદર પોલીસ સ્ટેશનના તાબામાં સોંપાયો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 7 નવેમ્બર, 2022ના રોજ ભાયંદરમાં બની હતી. સગીરા ઘરમાં એકલી હતી ત્યારે આરોપી તેના ઘરમાં ઘૂસ્યો હતો. આરોપીએ સગીરાના ચહેરા પર કોઈ સ્પ્રે છાંટ્યું હતું, જેને કારણે તે અર્ધબેભાન અવસ્થામાં સરી પડી હતી. પછી આરોપીએ એકથી વધુ વાર સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.આ પ્રકરણે ભાયંદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીનું નામ બાદલ હોવાનું તે સમયે સગીરાએ પોલીસને કહ્યું હતું. જોકે પોલીસે શોધ હાથ ધર્યા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી.

તાજેતરમાં આરોપીને શોધી કાઢવાનો આદેશ વરિષ્ઠ અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચને આપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસની ટીમ આરોપીના વતન ઉત્તર પ્રદેશ પણ ગઈ હતી, પરંતુ તે હાથ લાગ્યો નહોતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાથી તે કોઈ એક સ્થળે રહેતો નહોતો. આરોપી અમદાવાદ, નાશિક, થાણે, ભિવંડી એ પરિસરમાં ટ્રક ચલાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ભિવંડીમાં એમેઝોન વૅર હાઉસના પાર્કિંગ યાર્ડમાં છટકું ગોઠવી રાખ્યું હતું. 20 ફેબ્રુઆરીએ પાર્કિંગ યાર્ડમાં પહોંચેલા આરોપીને પોલીસે તાબામાં લીધો હતો.