ઊડતી વાત - ભરત વૈષ્ણવ
`સાહેબ, અમારા વિસ્તારોમાં ગટરો ઉભરાય છે.ગંદા પાણી ડખોળીને ગામમાં ફરવું પડે છે. ગટરનું પાણી બહુ ગંધ મારે છે.' અરજદાર અમથાલાલે તેમના વિસ્તારની સમસ્યા ધારાસભ્ય ખુશાલભાઇને રજૂ કરી. ધારાસભ્ય ખુશાલ દર મહિનાના બીજા બુધવારે જનતા દરબાર ભરીને લોકોના પ્રશ્નો સાંભળતા. પ્રશ્નો સાંભળતા એટલે સમસ્યાનો નિકાલ હતા કે કે કેમ એવો પણ સવાલ થાય?
`વિધાનસભાની ચૂંટણીમાં તમે મને મત આપ્યો હતો?' ખુશાલે આંખ પટપટાવીને માસૂમ સવાલ પૂછયો. અમથાલાલ જવાબ આપવામાં થોથવાઈ ગયા.
`સાહેબ, સીમમાં રોઝડાનો બહુ ત્રાસ છે. ખેતરોમાં ઘૂસી જઇ ખૂટિયાની જેમ ઊભો પાક ચરી જાય છે. `અરજણ અકોણાએ ધારાસભ્ય ખુશાલને રજૂઆત કરી.
`વિધાનસભાની ચૂંટણીમાં તમે મને મત આપ્યો હતો? ખરીદીચંદે આંખ પટપટાવીને માસૂમ સવાલ પૂછયો. અરજણ અકોણો જવાબ આપવામાં કરમાઇ ગયો.
`સાહેબ, અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે. પાણીની તકલીફને લીધે છોકરાના સંબંધ ક્યાંય ગોઠવાતા નથી. બંદૂકે દેજો પણ ધંધૂકે ન દેતા એવી વાયકા છે. છોકરા તો કુંવારા રહે છે પણ છોકરી પણ કુંવારી રહે છે. આ સામાજિક સમસ્યાનો હલ નહીં આવે તો ગામ પડીને પાધર થશે.' પ્રવીણ પંચાતિયાએ પ્રોબ્લેમ રજૂ કર્યો .ખુશાલના પેટનું પાણી હલ્યું નહીં. માનો કે ખરીદચંદ ટાઢું માટલું ન હોય.
`વિધાનસભાની ચૂંટણીમાં તમે મને મત આપ્યો હતો? ખરીદીચંદે આંખ પટપટાવીને માસૂમ સવાલ પૂછયો. પ્રવીણ પંચાતિયોનો જવાબ ગૂંચવાઈ ગયો.
`સાહેબ, અમારા ગામની હાઇસ્કૂલની છોડીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ છેલ્લા પાંચ વરસથી સાઇકલો મળી નથી.'
સાક્ષર ગામના અરજદાર અનપઢ અંગૂઠાછાપે અંગૂઠો લગાવી રજૂઆત કરી.
`વિધાનસભાની ચૂંટણીમાં તમે મને મત આપ્યો હતો? ખુશાલે આંખ પટપટાવીને માસૂમ સવાલ પૂછયો અને પેલા સાક્ષર ગામના અનપઢ ગામડિયાની નજર નીચી થઇ ગઇ.
એક સમયે ખુશાલ સામાન્ય કાર્યકર તો હતો. પરંતુ, પક્ષનો વફાદાર સૈનિક કે સંનિષ્ઠ કાર્યકર ન હતો. સમય પ્રમાણે વફાદારીનો વાયરો બદલતો હતો. ખુશાલ મૌસમ વિજ્ઞાની હતો. જે તે પક્ષનું કિસ્મત કનેકશન ક્યારે ચમકશે તેની ગંધ પારખવાની ગજબની શક્તિ હતી. પક્ષપલ્ટો કરવામાં તેની કોઇ હરીફાઈ કરી જ શકે નહીં. શાસક પક્ષના હાઇ કમાન્ડે તેની વફાદારી કે સિનિયોરીટી ધ્યાને લઇને ચૂંટણી લડવાની ટિકિટ આપી ન હતી, છતાં ખુશાલે ખણખણતા રૂપિયા આપીને ચૂંટણી ટિકિટ ખરીદેલી. ખરીદચંદ ચૂંટણીમાં ટિકિટ મેળવવાથી જ કોઠાકબાડાબાજી કરીને. પક્ષે ફાળવેલ ચૂંટણી ફંડમાંથી ખર્ચ કરવાને બદલે અડધું ફંડ ઘરભેગું
કરેલું .
સરકારી જમીન પર શોપિંગ સેન્ટર બનાવવા, સ્પોન્ઝી સ્કિમ ચલાવવા, બોગસ આશ્રમ શાળાઓ ચલાવવી. એકેય એવું કૌભાંડ નહીં હોય જે ખુશાલે ચલાવ્યું ન હોય. લોકો તેની પીઠ પાછળ તેને ખરીદચંદ ખટપટીયો જ કહેતા હતા. `ખુશાલના ચૂંટણી જીતવાની લગભગ નહીંવત્ શક્યતા હતી. કેમ કે અન્ડર કરંટ શાસક પક્ષની વિરૂધ્ધ હતો. ફૌલાદી સટાબજાર પણ સટોડિયા શાસક પક્ષની કારમી હાર થશે તેના પર સટો ખેલી રહ્યા હતા. ખુશાલ તો વેપારી જીવ હતો. પૈસા ફેંકીને પાસા પલટાવવામાં માહિર હતો. તેણે દરેક મતદારની એક કિમત નક્કી કરી. દરેકને તેની કિમત ચૂકવેલ. આ રીતે તેણે પોતાની જીત અંકે કરી.
ખુશાલે રણમાં વહાણ ચલાવવા, નદી ન હોય ત્યાં રિવરફ્રન્ટ બનાવવા, દરેક ઘરને સોનાથી મઢવા કે ગામના રસ્તા સોનાચાંદીના કરવા જેવાં વચનોની લોલીપોપની સાથે જીત મેળવવા નાણાકોથળી ખુલ્લી મૂકીને જીત મેળવી લીધી હતી.
`તમે ચૂંટણીમાં મને મત આપેલ?' જ્યારે કોઇ ગામનો મતદાર તેની મુશ્કેલી અંગે રજૂઆત કરે ત્યારે ખુશાલ સવાલ પૂછે છે.
`હા સાહેબ, અમારો મત તો સાહેબ તમને જ હોય ને! અમે તમારા ચુસ્ત ટેકેદાર અને સમર્થક છીએ.' અરજદારો ખુશાલને આવો મસ્કો પણ લગાવે.
`ખરેખર?' ખુશાલે મતદારોને ફરી પૂછયું.
`સાહેબ, તમે કહો તેના સોગંદ ખાઇને કહેવા તૈયાર છીએ.'.
`જુવો અડબંગ વિધાનસભા બેઠકના મતદારોની સંખ્યા પોણા બે લાખ છે. ચૂંટણીમાં દોઢ લાખ મતદારોએ મતદાન કરેલ. મને નવાણું હજાર મત મળેલ. પરંતુ, તમારા મત મને મળેલ નથી,' ખરીદચંદે ધડાકો કર્યો.
`મતલબ? અમે સમજ્યા નહીં `મતદારોએ પૂછયું.
`મેં એક મતના 25,000 રૂપિયા લેખે 99,000 મતો રૂપિયા 2,47,50,00,000 આપીને ખરીદેલ છે. એનો અર્થ એ થયો કે જનતા જનાર્દન મારી માલિક નથી. પરંતુ, હું જનતા જનાર્દનનો માલિક છું. હવે તમારે કામ કરાવવું હોય તો મને કામ કરાવવા માટે રણકતા રૂપિયા આપવાના રહેશે. જે લોકો રૂપિયા આપીને કામ કરાવવા માગતા હોય તે જ જનતા દરબારમાં રોકાય. બાકીના તમામ કલટી મારીને પતલી ગલીમાં વટી જાય' ખુશાલ ખટપટીયાએ લમણું ફૂટે તેવો જવાબ આપ્યો.
આવતી ચૂંટણીનું શું? ખરીદચંદ ફરીથી ચૂંટણીમાં ઝંપલાવશે? ખરીદચંદ આવતી ચૂંટણીમાં એક મતના લાખ રૂપિયા ચૂકવવા ઓલ રેડી તૈયાર છે. કેમ કે, તેને રૂપિયા વસૂલાત પણ આવડે છે!
એટલે જ ખુશાલ ડંકે કી ચોટ પર એલાન કરે છે કે `હું મતદારોના એક પણ કામ નહીં કરું. અલબત, જે મને નૈવેદ ધરાવે તેના કામ જ થશે!'