કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 2)
નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ
ઉંમર: 60 વર્ષ
અમદાવાદ એક જમાનામાં કદરદાનોનું નગર હતું. ડો. વિક્રમ સારાભાઈના પિતા શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં, ‘રીટ્રીટ’માં સંગીત અને સાહિત્યની સભાઓ યોજાતી. કેટલાય કલાકારો, બુદ્ધિજીવીઓ, ગાંધીજી, નહેરુજી જેવા નેતાઓ પણ ત્યાં આવતા. એવું જ એક બીજું ઘર હતું કસ્તુરભાઈ લાલભાઈ. ચીમનદાસ, નગીનદાસ, ચિનુભાઈ રણછોડલાલ, મંગળદાસ ગિરધરદાસ જેવા અનેક પરિવારોમાં નાનકડી અંગત બેઠકો યોજાતી. શહેરના જાણીતા લોકોને નિમંત્રણ આપવામાં આવતું. મેં અમદાવાદમાં ઘણા કાર્યક્રમો કર્યા છે.
આવા જાણીતા શેઠના બંગલામાં પૂરા આદરથી ઉતારો આપવામાં આવતો. અમારા ખાન-પાન, નાની નાની જરૂરિયાતનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવતો. અમદાવાદની સાંજની મહેફિલો ખૂબ યાદગાર અને ઉત્તમ મહેફિલો હતી. મને અમદાવાદ માટે ખાસ લગાવ છે, કદાચ એટલે જ અમદાવાદના કાર્યક્રમ માટે હું ‘ના’ ન પાડી શકી. મારા ડોક્ટરે મને કહ્યું હતું કે, ઊંચું નહીં ગાતા... હવે, બેગમ અખ્તરના દાદરા કે ઠુમરીમાં, ગઝલ ગાયકીમાં જો તાર સપ્તક ન હોય તો બેગમનો અવાજ શરમાઈ જાય! મેં કહ્યું હતું, ‘મહેફિલ તય હો ચૂકી હૈ. બેગમ અખ્તરને આજ તક કભી તય કી હુઈ મહેફિલ રદ નહીં કી.
અગર લોગ આયેંગે તો મૈં ગાઉંગી.’ કોને ખબર હતી કે એ મારી આખરી મહેફિલ બની રહેશે! એ સાંજે મેં ગાવાનું શરૂ કર્યું. પછી ફરમાઈશો આવતી ગઈ ને હું ગાતી ગઈ. એ કાર્યક્રમની છેલ્લી ગઝલ મેં ગાઈ, ઐ મહોબ્બત તેરે અંજામ પે રોના આયા શકીલ બદાયૂંનીએ લખેલી એ ગઝલ પછી મહેફિલમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. સહુ જાણે એ ગઝલના અલ્ફાઝ અને મારી અદાયગીના ભાવમિશ્રણમાં એવા ખોવાયા કે તાળી પાડવાનું પણ ભૂલી ગયા. મને પણ ડૂમો ભરાઈ ગયો હતો.
છાતીમાં હળવો દુ:ખાવો શરૂ થયો હતો. એટલે મેં પણ હાથ જોડીને સ્મિત સાથે કહ્યું, ‘આજ બસ, ઈતના હી.’ આટલું કહેતાં જ જાણે કોઈ જાદુગરનો તિલસ્મ તૂટ્યો હોય એમ સહુએ તાળીઓ પાડી. એ સાંજે મારી તબિયત થોડી નાસાઝ હતી. હું મારા ઉતારા પર ગઈ ત્યારે મેં છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ અમદાવાદની ભૂમિ મારા મોતની જગ્યા અને તારીખ તય કરી ચૂકી હતી...
આગા શાહીદ અલીએ મારા મૃત્યુ પછી લખ્યું, ‘બેગમ અખ્તર કી યાદ મેં...’
क्या अब भी छेड़ती है तुम्हारी उंगलियाँ क्षुधित भैरवी,
या मिट्टी हुए जाते कफन पर ही ठिठक जाती हैं?
अँधेरे, गन्दे अभिलेखागारों में सुबकती है,
तुम्हारी लत की मारी मृत्यु की पोषक विधवा गज़ल...
सदियों से गालिब, मीर, फैज़ की जो रचनाएँ तुमने सँजोई हुई थी,
मैंने उन्हें लयविहीन राग में बाँधा है|
આજે વિચારું છું તો સમજાય છે કે હું મારા હાથની લકીરોમાં બેપનાહ શોહરત, ઈજ્જત અને બેપનાહ દર્દ લઈને આવી હતી. બંને પલડા ક્યારેક ઉપર-નીચે થતું રહ્યું, પરંતુ બેમાંથી એકપણ ક્યારેય ઓછું ન થયું! હું ખુશનસીબ છું કે મને આટલી બધી ઈજ્જત અફઝાઈ મળી, બાકી એક તવાયફની દીકરી તો તવાયફ બનીને પોતાની જિંદગી પૂરી કરે. એકાદ ‘સાહેબ’ શોધી કાઢે. જેની સેવા અને દિલજોઈ કરીને પોતાની જિંદગી વિતાવી નાખે, પણ મારી મા મુશ્તરીબાઈ જબરદસ્ત ઔરત હતી. એણે કદાચ મારા જન્મ સમયે જ નક્કી કરી લીધું હતું કે એ એની દીકરીને પોતાના જેવી નહીં બલકે જુદી જિંદગી આપશે.
મારા પિતા લખનૌના ઈજ્જતદાર ઘરાનામાંથી હતા. એ નવાબ હતા. એમને માટે આવી એકાદ ઉપપત્ની એ કોઈ શરમની બાબત નહોતી. માટે મારો જન્મ થયો ત્યારે એમણે મારી માને અશરફી અને દાગીના આપ્યાં, પણ પોતાનું નામ ન આપ્યું. હું અબ્બા વગર જ મોટી થઈ. મારે માટે અબ્બાની યાદ એટલી જ છે કે અઠવાડિયામાં એક-બે વાર અમારી કોઠી પર આવતા. મારે માટે કંઈ મિઠાઈ કે રમકડું લાવતા ને પછી મારી મા એને લઈને ઓરડામાં બંધ થઈ જતી... અબ્બુ જતી વખતે મને ગાલે ટપલી મારતા ને કહેતા, ‘ખુશ રહો.’ એ મને ગમતા, પરંતુ મને એમને ‘અબ્બુ’ કહેવાની છૂટ નહોતી.
મારે એમને ‘નવાબ સાહેબ’ કહેવું પડતું. આ કોઈ નવાઈની કે આશ્ચર્યની વાત નહોતી, મારા જેવી અનેક દીકરીઓ હતી જે ફૈઝાબાદના તવાયફોના ઈલાકામાં મોટી થઈ રહી હતી. એ બધીના ‘અબ્બુ’ એમને માટે ‘નવાબ સાહેબ’ હતા! તવાયફની દીકરી તવાયફ જ બને એ આ બજારનો શિરસ્તો હતો, પણ નવાબ સાહેબે મારા શિક્ષણની વ્યવસ્થા કરી. મને ભણાવવા માટે મૌલવી આવતા. જેમણે મને ઊર્દૂ, ગણિત અને અંગ્રેજી ભણાવ્યું.
જોકે, મારી અમ્મીને મારા ઉછેરમાં તકલીફ તો પડતી જ હતી, કારણ કે અમ્મીની ઉંમર ઢળવા લાગી હતી અને નવાબ સાહેબના રસ ધીરે ધીરે બદલાવા લાગ્યા હતા. એ પહેલાં જેટલી આર્થિક સહાય નહોતા કરતા, એટલું જ નહીં હવે પહેલા જેટલું આવતા પણ નહીં. અમ્મીને બે બાજુનું દુ:ખ હતું. પહેલું એ કે એણે મારા ઉછેર માટે હવે આર્થિક વ્યવસ્થા લગભગ જાતે કરવી પડતી હતી અને બીજું એ કે એની ઢળતી ઉંમર સાથે એનો જાદુ ઓસરી રહ્યો હતો, એટલે એને હવે કોઈ બીજો ‘સાહેબ’ પણ મળવાનો નહોતો!
મારી અમ્મીએ ખૂબ મહેનત કરીને મારે માટે ઉત્તમ સંગીતની તાલીમ હાંસીલ કરી. કેટલાય નામી ઉસ્તાદોને એણે અમારે ત્યાં બોલાવ્યા, રાખ્યા, એમની આઓભગત કરી. જેથી મારી તાલીમ ઉત્તમ રીતે થઈ શકે. 1920ની આસપાસ મારી માને ખાતરી થઈ ગઈ કે મારી પાસે કુદરતનું આપેલું ગળું અને શ્રેષ્ઠ તાલીમને કારણે મળેલું અદ્ભુત સંગીત છે. મારા ઉસ્તાદ મોમીન ખાંએ મારી માને સલાહ આપી કે એ મને લઈને કલકત્તા જાય. એ દિવસોમાં સિનેમાની શરૂઆત થઈ હતી. મને ફિલ્મોમાં કામ મળશે એવા આશ્વાસન સાથે મોમીન ખાંએ મારી માને કલકત્તામાં એના ભાઈને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી.
એ સમયગાળો ગ્રામોફોનનો પણ હતો. 78આરપીએમની રેકોર્ડ લગભગ 1880ના દશકમાં બજારમાં આવી. યુનાઈટેડ સ્ટેટ્સ ગ્રામોફોન કંપનીએ રેકોર્ડ વેચવાની શરૂઆત કરી. ભારતમાં પહેલી રેકોર્ડ 1902માં બની. જે ગૌહરજાનના અવાજમાં રેકોર્ડ કરવામાં આવી હતી. ગૌહરજાન પણ કલકત્તાની પ્રસિદ્ધ તવાયફ અને શાસ્ત્રીય ગાયક હતી. એ સમયમાં ફક્ત તવાયફો જ જાહેરમાં ગાતી અને એમની પાસે જ શુદ્ધ શાસ્ત્રીય ગાયનનું જ્ઞાન અને અદાયગી હતી. માટે ગ્રામોફોન કંપની એમની સાથે જ કોન્ટ્રાક્ટ કરતી.
એમની રેકોર્ડના અંતમાં એમના અવાજમાં કહેવામાં આવતું, ‘મારું નામ ગૌહરજાન છે.’ આ વાક્ય એટલું પ્રસિદ્ધ થઈ જતું કે જે તવાયફની ગ્રામોફોન રેકોર્ડ બહાર પડતી એ તવાયફને વધુ કદરદાનો અને વધુ મહેફિલો મળવા લાગતી. મલકાજાન (ગૌરહજાનની મા), અલ્હાબાદની જાનકીબાઈ (જેને લોકો છપ્પન છૂરીના નામે ઓળખતા), ઝોહરાબાઈ આગરેવાલી, ઝોહરાબાઈ અંબાલેવાલી, ઈન્દુબાલા, જદ્દનબાઈ (નરગીસની મા), રસુલનબાઈ અને બડી મોતીબાઈ જેવી તવાયફોના અવાજમાં ગ્રામોફોન રેકોર્ડ બહાર પડી હતી.
મારી મા એ સમયમાં ગ્રામોફોન (થાળી વાજુ) લઈ આવી હતી. અમારે ઘરે સાંજના ઘરે નિયમિત આ થાળી વાજા પર રેકોર્ડ વાગતી. મારી મા એક આરામ ખુરશી જેવી રજવાડી બેઠક પર હુક્કો લઈને બેસતી. હુક્કો ગડગડાવતાં એ મને કહેતી, ‘દિલ લગાકર સુન. તુમ્હે ભી ઐસે હી ગાના હૈ. તુમ્હારી આવાઝ ભી અમર હોને કે લીએ હી બની હૈ.’
આ એનું સપનું હતું. એ મને લઈને પહેલાં ગયા અને ત્યાંથી કલકત્તા પહોંચી. સાત વર્ષની ઉંમરે મને જુદા જુદા સંગીત દિગ્દર્શકોની સામે બેસાડવામાં આવતી. તાનપુરો મારાથી એટલો મોટો હતો કે મને તકિયો આપવામાં આવતો. હું પહેલો સૂર છેડતી કે મારી સામે બેઠેલો સંગીત દિગ્દર્શક આભો બની જતો. મારા નાનકડા, બચુકડા શરીરમાંથી જે મજબૂત અને ઘૂંટાયેલો અવાજ નીકળતો એ સાંભળીને સંગીત દિગ્દર્શકોના ડોલતાં માથાં જોઈને મારી મા સમજી જતી કે કામ બની ગયું છે.
સૌથી પહેલાં મને એક બંગાળી સંગીત દિગ્દર્શક ઉસ્તાદ અતા મોહમ્મદ ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ પતિયાલા ઘરાનાના ઉસ્તાદ હતા. જોકે, એ વખતે હું એટલી નાની હતી કે મારું નામ આપવું યોગ્ય લાગ્યું નહીં. લગભગ ચાર વર્ષ સુધી મારા અવાજને વગર નામે જ રેકોર્ડ કરવામાં આવતો રહ્યો.
મારી પહેલી રેકોર્ડ 1931માં એચએમવી (હીઝ માસ્ટર્સ વોઈસ) દ્વારા બહાર પડી. જેમાં મારું નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી હતું. મારી પહેલી રેકોર્ડ, દીવાના બનાના હૈ તો દીવાના બના દે... અને બે દાદરા, અને બે બીજી ઠુમરી સાથે બહાર પડી. પહેલાં જ મહિને એનું વેચાણ જોઈને એચએમવીના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અતા મોહમ્મદ ખાનને પણ એનાથી ખાસ્સી નામના મળી.
શોહરત અને અમીરી તરફની સફરનું પહેલું કદમ હું ઉઠાવી ચૂકી હતી. (ક્રમશ:)