બીડ: રાજ્યના બીડ જિલ્લામાં ટેક્નિકલ ખામીને કારણે ખાનગી બસ ઊંધી વળી જતાં તેમાં પ્રવાસ કરી રહેલા 20 જણ ઘાયલ થયા હતા.
પોલીસના કહેવા મુજબ જિલ્લાના આષ્ટી તહેસીલમાં અહિલ્યાનગર-પાથર્ડી હાઇવે પર મરાઠવાદદી નજીક ગુરુવારે મળસકે આ અકસ્માત થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વામી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની આ બસ હતી અને તે પુણેથી વાયા અહિલ્યાનગર-પાથર્ડી થઇને નાંદેડ જઇ રહી હતી ત્યારે મળસકે ્રત્રણ વાગ્યાની આસપાસ તેને અકસ્માત નડ્યો હતો.
ટેક્નિકલ ખામી સર્જાયા બાદ ડ્રાઇવર બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે બસ ઊંધી વળતાં તેમાં હાજર 20 પ્રવાસી ઘાયલ થયા હતા, એમ અંભોરા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વિક્રમ હિંગેએ જણાવ્યું હતું.
દરમિયાન અકસ્માતની જાણ થતાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓની મદદથી ઘાયલ પ્રવાસીઓને બસમાં બહાર કાઢ્યા હતા.
મોટા ભાગના પ્રવાસીઓને નજીવી ઇજા પહોંચી હતી. તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં અહિલ્યાનગર ખાતેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
(પીટીઆઇ)