Tue Oct 06 2026

Logo

આજથી શરૂ થતી ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળ રદ્દ, કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે, જાણો શું છે કારણ....

2026-09-28 07:41:00
Author: Vimal Prajapati
આજથી શરૂ થતી ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળ રદ્દ, કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે, જાણો શું છે કારણ....

નવી દિલ્હીઃ આજથી બેંક કર્મચારીઓ ત્રણ દિવસ સુધી હડતાળ પર ઉતરવાના હતા. બેંકોમાં 5 દિવસ કામકાજની માંગણી સાથે ત્રણ દિવસની જે બેંક હડતાળ થવાની હતી તે ટળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મોડી રાત્રે ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે બેઠક થઈ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, તારીખ 28, 29 અને 30 સપ્ટેમ્બર સુધી જે દેશવ્યાપી હડતાળ થવાની હતી તે નહીં થાય અને બેંકના કામ રાબેતા મુજબ ચાલુ રહેશે.

રવિવારે રાત્રે 9:30 વાગ્યે IBA અને UFBU વચ્ચે બેઠક યોજાઈ 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, UFBUના પરિપત્ર ક્રમાંક 2026/31 મુજબ, રવિવારે રાત્રે 9:30 વાગ્યે IBA અને UFBU વચ્ચે બેઠક યોજાઈ હતી. ચર્ચા-વિચારણા બાદ બંને પક્ષો વચ્ચે સહમતિ સધાતા હડતાલ પાછી ખેંચી લેવામાં આવી હતી. બેઠકમાં થયેલ ચર્ચા પ્રમાણે જો હડતાળ થાય તો ત્રણ દિવસની હડતાળ અને આગળના શનિ-રવિ એમ પાંચ દિવસ બેંકો બંધ રહે. આમ સળંગ પાંચ દિવસ સુધી બેંકિંગ કામગીરી ખોરવાઈ જવાથી મોટી સમસ્યા ઊભી થઈ હતી. જેના કારણે સામાન્ય જનતા તેમના આવશ્યક કાર્યો પૂર્ણ કરી શકે તે માટે બેંકો રવિવારે પણ ખુલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ હડતાળને રદ્દ કરી દેવામાં આવી છે. 

આ મુદ્દાઓને લઈને બેઠકમાં સહમતિ બની

તમામ શનિવારને સત્તાવાર રજા જાહેર કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે IBA અને UFBUનો સમાવેશ કરતી એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ તમામ હિતધારકો ખાસ કરીને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. તે પછી યુનિયનોના વાંધાઓનું નિરાકરણ લાવવા માટે સ્કેલ IV અને તેથી ઉપરના સ્તરના અધિકારીઓ માટેની 'પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ' (PLI) યોજનામાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. જ્યારે 8 માર્ચ, 2024ની બેઠકની નોંધમાં સૂચિબદ્ધ અન્ય તમામ બાકી મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે વાટાઘાટો ચાલુ રહેશે.

 

જાહેર કરવામાં આવેલા પરિપત્ર પર C.H. વેંકટાચલમ (AIBEA), રૂપમ રોય (AIBOC), L. ચંદ્રશેખર (NCBE), સંજય ખાન (AIBOA), દેબાશિષ બસુ ચૌધરી (BEFI), પ્રેમ મક્કર (INBOC) અને O.P. શર્મા (INBEF) સહિતના યુનિયન નેતાઓની સહીઓ છે. ટૂંક સમયમાં એક વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. અત્યારે  પરિપત્ર પ્રમાણે બેંકની કામગીરી ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે થયેલી બેઠકમાં રજાઓની માંગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે.