આર. સી. શર્મા
વર્તમાનમાં અયોધ્યાનું રામ મંદિર ભારતનું નવું સાંસ્કૃતિક લેન્ડમાર્ક બની ગયું છે. ખાસ કરીને રામનવમીના અવસરે તો આ રામ જન્મભૂમિ સૌથી વ્યસ્ત સ્થળ બની જાય છે. 26 માર્ચે રામ નવમીના દિવસે 8થી 10 લાખ શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરશે. એ દિવસનાં શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે 11 વાગીને 10 મિનિટથી માંડીને 1 વાગીને 40 મિનિટ સુધી રહેવાનું છે.
રાજા દશરથના ઘેર ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં શ્રીરામનો જન્મ થયો હતો. એથી એ દિવસનું ખૂબ આધ્યાત્મિક મહત્ત્વ છે. રામનવમીના દિવસે ઘેર-ઘેર અને રામ મંદિરોમાં રામ ચરિત માનસનું પઠન કરવામાં આવે છે. મંદિરોમાં વિશેષ પૂજા અને ભજનની સરવાણી વહે છે. અનેક ઠેકાણે રામ ભગવાનની શોભાયાત્રા નીકળે છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની નોમના દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે.
આ દિવસે અયોધ્યાના રામ મંદિરે ભગવાન રામને સૂર્ય તિલક કરવાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં સૂર્યની કિરણો સીધા રામલલાના કપાળે પહોંચે છે. મહારાષ્ટ્રના રામટેક સ્થિત પ્રાચીન રામ મંદિર, તેલંગાણામાં ભદ્રાચલમ સ્થિત દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ રામ મંદિર અને બિહારમાં સીતામઢી સ્થિત માતા સીતાની જન્મભૂમિમાં પણ રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે.
આ દિવસે લોકો સવારે વહેલા સ્નાનાદિથી પરવારીને ઘરમાં રામ દરબારની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરીને કળશ રાખીને ભગવાન રામને ફૂલ અને ફળ ધરાવે છે. રામ ચરિત માનસના બાળકાંડનો પાઠ કરે છે. બપોરે આરતી અને પ્રસાદમાં પંજિરી, ફળ અને પંચામૃત આપવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે રામ નવમીના દિવસે વ્રત રાખવાથી જીવનમાં ધર્મ, સંયમ અને ન્યાયની ભાવના મજબૂત થાય છે.
ભારતના નક્શામાં રામ મંદિર હવે એક વિરાટ લેન્ડમાર્ક બની ગયું છે. આ માત્ર એક પૂજાનું સ્થળ નથી, પરંતુ ભારતીય સભ્યતામાં રામકથા, રામાયણ પરંપરા અને લોક સંસ્કૃતિનું કેન્દ્ર બની ગયું છે. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા આવતા પ્રવાસીઓની સંખ્યામાં બહોળો વધારો થયો છે. વર્ષ 2024-2025માં લગભગ 54 કરોડ શ્રદ્ધાળુઓએ આ મંદિરની મુલાકાત લીધી હતી.
ભગવાન રામની કથા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ નેપાળ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા અને શ્રીલંકામાં પણ ધર્મ અને લોક સંસ્કૃતિના રૂપમાં સ્થાપિત છે. આ જ કારણ છે કે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પણ આવે છે. અયોધ્યા હવે આંતરરાષ્ટ્રીય રામાયણ પર્યટન સર્કિટનું કેન્દ્ર બની ગયું છે.
રામ નવમીના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોના રૂપમાં દીપોત્સવ, રામનવમી ઉત્સવ, રામલીલા અને નાટ્ય પ્રસ્તુતિઓ તથા શાસ્ત્રીય સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે.
આ જ કારણ છે કે રામનવમીના અવસરે ભારત અને હિન્દુઓ માટે અયોધ્યાનું રામ મંદિર સૌથી અગત્યનું કેન્દ્ર બની જાય છે.