Mon Oct 05 2026

Logo

ગુજરાતના આ વિસ્તારોમાં બને તો બહાર નિકળવાનું ટાળજો, તાપમાન 45 ડીગ્રીને પાર થઈ જશે

2026-04-27 09:23:00
Author: Mayur Patel
ગુજરાતના આ વિસ્તારોમાં બને તો બહાર નિકળવાનું ટાળજો, તાપમાન 45 ડીગ્રીને પાર થઈ જશે

અમદાવાદઃ હવામાન  વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે  રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના  બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.  આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

સ્વાસ્થ્ય માટે સાવચેતી

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે  સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26 એપ્રિલે ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.