નવી દિલ્હીઃ 4600 કરોડ રૂપિયાનું બજેટ, 23થી વધુ સુપરહીરો, એક મહાખલનાયક, દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ અને 18 ડિસેમ્બર 2026ની રિલીઝ ડેટ. આ દિવસે કંઈક એવું થશે, જેનું કાઉન્ટડાઉન અત્યારથી જ શરૂ થઈ ગયું છે. અહીં વાત થઈ રહી છે માર્વેલની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'એવેન્જર્સ:ડૂમ્સડે'ની. હોલીવુડની સૌથી મોટી ફ્રેન્ચાઇઝીમાંથી એક આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
માર્વેલ સ્ટુડિયોની આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મે રિલીઝના 100 દિવસ પહેલાં જ 4 કરોડ ડોલર એટલે કે આશરે 380 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એક એક્સ એકાઉન્ટ 'ગ્લોબલ બોક્સ ઓફિસ' અનુસાર આ સિદ્ધિ અગાઉ કોઈ ફિલ્મે હાંસલ કરી નથી. રિલીઝને હજુ સમય છે, પરંતુ ફિલ્મનો ક્રેઝ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.
4600 કરોડનું બજેટ અને નવો રેકોર્ડ
સામાન્ય રીતે મોટી ફિલ્મોની ટિકિટનું વેચાણ રિલીઝના થોડા અઠવાડિયા પહેલાં ઝડપી બને છે. પરંતુ ડૂમ્સડેના કિસ્સામાં પ્રીમિયમ ફોર્મેટના શોની ટિકિટો, ખાસ કરીને ડિઝનીના ઇન્ફિનિટી વિઝન થિયેટર્સ માટેની ટિકિટો જુલાઈથી જ વેચાવા લાગી હતી.
કેટલાક સિનેમાઘરોમાં 17 અને 18 ડિસેમ્બરના શો લગભગ હાઉસફુલ થઈ ચૂક્યા છે. રિલીઝના 100 દિવસ પહેલાં જ દર્શકો દ્વારા ટિકિટ ખરીદવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે માર્વેલની મોટી ઇવેન્ટ ફિલ્મો માટે દર્શકોનો ઉત્સાહ હજુ પણ યથાવત્ છે.
ફિલ્મના બજેટને લઈને પણ સતત ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર, 'એવેન્જર્સ: ડૂમ્સડે'નું મેકિંગ બજેટ આશરે 4600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ખર્ચ માત્ર વિઝયુઅલ ઇફેક્ટ્સ પૂરતો મર્યાદિત નથી. ફિલ્મમાં એવેન્જર્સ, ફેન્ટાસ્ટિક ફોર અને એક્સ-મેન એકસાથે જોવા મળશે. રોબર્ટ ડાઉની જુનિયર ફિલ્મમાં ડોક્ટર ડૂમની ભૂમિકા ભજવી રહ્યા છે. કલાકારોની મોટી ફોજને કારણે પણ ફિલ્મનું બજેટ ઘણું વધી ગયું છે.
ફિલ્મનું દિગ્દર્શન રુસો બ્રધર્સ કરી રહ્યા છે અને આ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની 39મી ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મનો રનટાઇમ આશરે 2 કલાક 45 મિનિટનો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ બાદ 'એવેન્જર્સ: સિક્રેટ વોર્સ' 17 ડિસેમ્બર 2027ના રોજ રિલીઝ થવાની છે.
કેમ મહત્વની છે 'એવેન્જર્સ: ડૂમ્સડે'?
સ્ટુડિયો માટે આ ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પહેલાં માર્વેલની કેટલીક ફિલ્મો દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહોતી અને તેમનો બઝ પણ ખાસ જોવા મળ્યો નહોતો. જોકે, તાજેતરમાં રિલીઝ થયેલી 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે'એ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી છે અને દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતમાં પણ મોટી કમાણીની આશા
ભારતમાં માર્વેલની ફિલ્મોને હંમેશા સારો પ્રતિસાદ મળ્યો છે. ડિસેમ્બરનો સમય, રજાઓ અને આઇમેક્સ સહિતના પ્રીમિયમ શોની માંગને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ ફિલ્મની જોરદાર બુકિંગ થવાની આશા છે. હાલમાં માત્ર અમેરિકાના પ્રી-સેલનો આંકડો સામે આવ્યો છે. ગ્લોબલ પ્રી-સેલના આંકડા સામે આવ્યા બાદ કમાણીનો આ આંકડો અનેક ગણો વધી શકે છે.
4600 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મ હવે માત્ર સુપરહીરોની વાર્તા રહી નથી, પરંતુ બોક્સ ઓફિસના ઇતિહાસમાં નવું પ્રકરણ લખવાનો પ્રયાસ પણ બની ગઈ છે. જોકે, તેની અંતિમ સફળતાનો નિર્ણય 18 ડિસેમ્બરે જ થશે.