બ્રાઝિલને ન જીતવા દીધું એને પગલે મોરોક્કોમાં ફૂટબૉલપ્રેમીઓ રસ્તા પર નાચ્યા
વૅનકુવર/ન્યૂ જર્સીઃ ઑસ્ટ્રેલિયા છ વખત વન-ડેનો અને એક વખત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું છે તેમ જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પણ જીત્યું છે, પણ એ આઠમાંથી એકેય વિજેતાપદ વખતે ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટપ્રેમીઓનું નહીં જોવા મળ્યું હોય એવું સેલિબ્રેશન રવિવારે સવારે ફૂટબૉલપ્રેમીઓએ કર્યું હતું. કારણ એ હતું કે ઑસ્ટ્રેલિયાની ફૂટબૉલ ટીમે વૅનકુવરમાં ફિફા વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મૅચમાં તુર્કીને 2-0થી હરાવી દીધું હતું. તુર્કીની ચડિયાતી ટીમને ઑસ્ટ્રેલિયાએ આસાનીથી હરાવ્યું એ બદલ તુર્કી-તરફી ફૂટબૉલપ્રેમીઓ સ્તબ્ધ હતા અને સોશ્યલ મીડિયામાં તેમણે નિરાશા વ્યક્ત કરી હતી.
Melbourne erupts as Australia fans go wild after a massive World Cup win.🇦🇺 pic.twitter.com/50rtB6gRzA
— Winna F.C. | Football Time (@WinnaFC) June 14, 2026
`સૉકરૂઝ' તરીકે ઓળખાતા ઑસ્ટ્રેલિયા વતી બેમાં એક ગોલ નેસ્ટોરી ઇરૅનકુન્ડાએ 27મી મિનિટમાં અને કૉનોર મેટકેલ્ફેએ 75મી મિનિટમાં કર્યો હતો. આ બન્ને ગોલ વખતે ઑસ્ટ્રેલિયામાં અભૂતપૂર્વ માહોલ હતો અને 90 મિનિટની આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ તુર્કીને એકેય ગોલ કરવા દીધા વગર શાનદાર જીતી મેળવી લીધી એ સાથે ટોળાના ટોળા રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. બધાએ એકમેકને આ વિજય બદલ ગૌરવ સાથે અભિનંદન આપ્યા હતા.
#FIFA: #IsmaelSaibari opens the scoring for #Morocco with this strike in the 21st minute. pic.twitter.com/KEHTYCu7Yj
— TWIRWANEHO MOISE 🇨🇩 (@TwirwanehoMoise) June 13, 2026
20 વર્ષનો નેસ્ટોરી યંગેસ્ટ ગોલ સ્કોરર
20 વર્ષનો નેસ્ટોરી ઇરૅનકુન્ડા ફૂટબૉલ વર્લ્ડ કપમાં ગોલ કરનાર ઑસ્ટ્રેલિયાનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. તેણે દૂરથી પૉલ ઑકોન-એન્ગ્સ્ટલર તરફથી મોકલવામાં આવેલો બૉલ તુર્કીની સંરક્ષણની દીવાલ ભેદીને નેટમાં મોકલી દીધો હતો. ઑસ્ટ્રેલિયાની ટીમ અન્ડર-ડૉગ તરીકે રમી હતી અને તેમણે તુર્કીની બળુકી ટીમને સમજદારી અને તાકાતથી નમાવી દીધી.
Morocco 🇲🇦 😍 pic.twitter.com/vGhbosag7r
— Andxion Football Zone (@Andxion_) June 13, 2026
મોરોક્કોનો બ્રાઝિલને ડ્રૉનો આંચકો
એક સમય હતો જ્યારે ફિફા રૅન્કિંગમાં બ્રાઝિલ (Brazil)ની ઘણા સમય સુધી બોલબાલા હતી, પણ થોડા વર્ષોથી એની ખ્યાતિ ઓછી થઈ ગઈ છે અને રવિવારે (ભારતીય સમય મુજબ પરોઢિયે) વર્લ્ડ કપમાં એવું જ જોવા મળ્યું જેમાં બ્રાઝિલને એક ક્રમ ઊતરતા મોરોક્કોએ જીતવા નહોતું દીધું. બન્ને દેશની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. 21મી મિનિટમાં મોરોક્કોને ઇસ્માઇલ સૈબારીએ 1-0થી સરસાઈ અપાવી ત્યાર પછી માત્ર 11 મિનિટ બાદ વિનિસિયસ જુનિયરે બ્રાઝિલને સ્કોર 1-1થી બરાબરીમાં લાવી આપ્યો હતો. જોકે ત્યાર પછી મોરોક્કો (Morocco)ની મજબૂત સંરક્ષણ દીવાલે બ્રાઝિલને આગળ નહોતું વધવા દીધું અને મૅચ છેવટે ડ્રૉમાં ગઈ હતી. આ પરિણામ આવતાં જ મોરોક્કોમાં વિજયી વાતાવરણ છવાઈ ગયું હતું અને લોકો માર્ગો પર આવીને ખૂબ નાચ્યા હતા. બીજી તરફ, બ્રાઝિલમાં કૉપાકૅબાના બીચ પર હજારો લોકો ભેગા થયા હતા અને જાયન્ટ સ્ક્રીન પર મૅચ જોઈ હતી. જોકે બ્રાઝિલ પોતાની ખ્યાતિ મુજબ જીતી ન શક્યું એ બદલ લોકો હતાશ હતા.