Thu Sep 10 2026

Logo

આઝાદીનો અજાણ્યો ઈતિહાસ: 16મી ઓગસ્ટે લાલ કિલ્લે પહોંચ્યો હતો રાષ્ટ્રધ્વજ! 15મી ઓગસ્ટે પાંચ લાખની ભીડ વચ્ચે ક્યાં લહેરાયો હતો ત્રિરંગો?

2026-08-15 14:29:00
Author: Darshana Visaria
આઝાદીનો અજાણ્યો ઈતિહાસ: 16મી ઓગસ્ટે લાલ કિલ્લે પહોંચ્યો હતો રાષ્ટ્રધ્વજ! 15મી ઓગસ્ટે પાંચ લાખની ભીડ વચ્ચે ક્યાં લહેરાયો હતો ત્રિરંગો?

આપણે સૌ દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા થતાં ધ્વજવંદનને જોઈએ છીએ. પરંતુ ભારતના આઝાદીના ઈતિહાસ સાથે જોડાયેલો એક એવો રોચક તથ્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે. 15મી ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવાયો નહોતો!

દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 15મી ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લા પર નહીં, પરંતુ ઈન્ડિયા ગેટ નજીક આવેલા પ્રિન્સેસ પાર્ક ખાતે દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પર પ્રથમ વખત તિરંગો 16મી ઓગસ્ટ, 1947ના રોજ ફરકાવવામાં આવ્યો હતો.

15મી ઓગસ્ટ, 1947: પ્રિન્સેસ પાર્કમાં લાખોની જનમેદની વચ્ચે ધ્વજવંદન:
14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ સંસદ ભવન (કોન્સ્ટિટ્યુશન હોલ) માં 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપ્યા બાદ, 15 ઓગસ્ટની સાંજે દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસે આવેલા પ્રિન્સેસ પાર્ક ખાતે સત્તાવાર જાહેર ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજે 30,000 લોકોની ધારણા હતી, પરંતુ ઉત્સાહ એટલો પ્રચંડ હતો કે ૫ લાખથી વધુ લોકો પ્રિન્સેસ પાર્ક ખાતે ઉમટી પડ્યા હતા.

લોર્ડ માઉન્ટબેટન અને નેહરુ: 
ભીડ એટલી વિશાળ હતી કે નિર્ધારિત પરેડ કે ઔપચારિક કાર્યક્રમ શક્ય બન્યો નહોતો. પંડિત જવાહરલાલ નેહરુ અને લોર્ડ માઉન્ટબેટનની હાજરીમાં લાખો દેશવાસીઓના જયઘોષ વચ્ચે સાંજે ૬ વાગ્યાની આસપાસ આકાશમાં સ્વતંત્ર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ક્ષણે આકાશમાં અદ્ભુત મેઘધનુષ્ય પણ રચાયું હતું, જેને લોકોએ શુભ શુકન માન્યું હતું.

16 ઓગસ્ટ, 1947: લાલ કિલ્લા પર પહેલીવાર લહેરાયો તિરંગો:
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રથમ વખત તિરંગો ફરકાવવાની ઐતિહાસિક ઘટના આઝાદીના બીજા દિવસે એટલે કે 16મી ઓગસ્ટ, 1947ના રોજ સવારે સાડાઆઠ વાગ્યા બની હતી. પંડિત નેહરુએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ દર વર્ષે 15મી ઓગસ્ટે સવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવાની કાયમી પરંપરા શરૂ થઈ હતી.