Sun Sep 06 2026

Logo

હિમંતા બિસ્વા સરમાના પત્ની પાસે 'ત્રણ પાસપોર્ટ'? કોંગ્રેસના દાવા પર CMએ કહ્યું 'કાયદેસરની કાર્યવાહી કરીશ'

2026-04-05 20:47:22
Author: Mumbai Samachar Team
હિમંતા બિસ્વા સરમાના પત્ની પાસે 'ત્રણ પાસપોર્ટ'? કોંગ્રેસના દાવા પર CMએ કહ્યું 'કાયદેસરની કાર્યવાહી કરીશ'

આસામના રાજકીય ફલક પર અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમના પરિવાર પર વિદેશી સંપત્તિ અને બહુવિધ પાસપોર્ટ રાખવા જેવા ગંભીર આરોપો લગાવીને રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે. બીજી તરફ, મુખ્યમંત્રીએ આ તમામ દાવાઓને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે. આ આક્ષેપબાજીને કારણે આગામી સમયમાં આસામમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે કાયદાકીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકાર પરિષદમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુઈયા શર્મા પાસે યુએઈ, એન્ટિગુઆ-બાર્બુડા અને ઇજિપ્ત એમ ત્રણ અલગ-અલગ દેશોના પાસપોર્ટ છે. આ ઉપરાંત, દુબઈમાં તેમની બે મિલકતો હોવાનો અને અમેરિકાના વ્યોમિંગમાં અબજો ડોલરના બજેટવાળી શેલ કંપનીઓ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના મતે, ચૂંટણી સોગંદનામામાં આ મિલકતોની જાણકારી છુપાવવામાં આવી છે.

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે ટેક્સ બચાવવા અને મિલકતો છુપાવવા માટે વિદેશમાં કંપનીઓ બનાવવામાં આવી છે, જેનું કુલ ભંડોળ અંદાજે ₹52,000 કરોડ જેટલું છે. આ મામલાની ગંભીરતાને જોતા કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ પાસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસની માંગ કરી છે. એટલું જ નહીં, માહિતી છુપાવવા બદલ ચૂંટણી પંચ મુખ્યમંત્રીનું નામાંકન રદ કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આને કોંગ્રેસની હતાશા ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે આ તમામ આરોપો રાજકીય દ્વેષથી પ્રેરિત અને ખોટા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 48 કલાકમાં પવન ખેડા વિરુદ્ધ ફોજદારી અને સિવિલ માનહાનિનો કેસ દાખલ કરશે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આવા હીન કક્ષાના હુમલા કરી રહી છે અને હવે તેનો ફેંસલો અદાલતમાં જ આવશે.