નાગોયા: ભારતીય પુરુષ અને મહિલા ટીમો સોમવારે એશિયન ગેમ્સ સ્ક્વોશ સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્રીજા ક્રમની ભારતીય મહિલા ટીમે જાપાનને એક મેચમાં 2-1થી હરાવ્યું હતું.
ભારતની ટોચની ખેલાડી અનાહત સિંહને વિશ્વની છઠ્ઠા ક્રમની ખેલાડી સાતોમી વાતાનબે સામે પાંચ ગેમ સુધી ચાલેલી મેચમાં હારી ગઈ હતી. વિશ્વ રેન્કિંમાં 17મા ક્રમાંકિત અનાહતે અગાઉ વ્યક્તિગત સેમિફાઇનલમાં સાતોમીને હરાવી હતી અને બાદમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય મહિલા ટીમે ચીનને 3-0થી હરાવ્યું હતું. અનુભવી જોશના ચિનપ્પાએ ભારતને જાપાન સામે 1-0ની લીડ અપાવી હતી. તેણીએ એરિસા સાનોને 11-1, 11-8, 11-9થી હરાવી હતી. ત્યાર બાદ અનાહતે ત્રણ દિવસમાં બીજી વખત સાતોમીનો સામનો કર્યો હતો.
આ વખતે જાપાની ખેલાડીએ ભારતીય ખેલાડીને 43 મિનિટમાં 11-8, 8-11, 7-11, 11-8, 11-9 થી હરાવીને જીત મેળવી હતી. નિર્ણાયક મેચમાં તન્વી ખન્નાએ અકારી મિડોરિકાવા સામે કઠિન પડકારનો સામનો કરવો પડ્યો. તન્વીએ 12-10, 11-9, 4-11, 12-10થી જીત મેળવી, ભારતને 2-1 થી વિજય અપાવ્યો અને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરુષ ટીમે દક્ષિણ કોરિયાને 3-0 થી હરાવીને અંતિમ-8માં પ્રવેશ મેળવ્યો હતો. શરૂઆતની સિંગલ્સ મેચમાં વેલાવન સેન્થિલકુમારે જુયોંગ નાને 11-6, 11-4, 11-7 થી હરાવ્યો હતો ત્યાર બાદ સિંગલ્સમાં સિલ્વર મેડલ વિજેતા અભય સિંહે સરળતાથી જિયોંગમિન રયૂને 11-4, 11-7, 11-1 થી હરાવીને ભારતને મેચમાં નિર્ણાયક લીડ અપાવી હતી.
અગાઉ ભારતીય પુરુષ ટીમે પુલ-એમાં ચીનને 3-0થી હરાવીને પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી, જ્યારે મહિલા ટીમે પુલ-સીમાં ચીનને 2-1 થી હાર આપી હતી.