અરવિંદ વેકરિયા
‘છોરી છેલછબીલી’ નામકરણ બાદ હિન્દુજા થિયેટરમાં જ બે ગ્રાંડ રિહર્સલ પતાવ્યાં અને નાટકની જોરદાર રજૂઆત પણ કરી.
લોકોનો સુંદર પ્રતિસાદ મળ્યો. મને આનંદ તો થયો પણ મન અંદરથી કોચવાતું હતું કે સામાજિક નાટકોની ઑફર મને કેમ નહીં મળતી હોય? આ નાટકમાં મોનિકા પટેલને, માત્ર વર્તણૂકમાં ‘બિન્દાસ’ રજૂ કરી હતી, ‘માણસ માત્ર...’ની અંજલિની જેમ ‘ખુલ્લમ ખુલ્લા’ નહોતી રજૂ કરી. નાટક બનાવતી વખતે ‘સામાજિક’ નાટક બનાવવાની વાત મનમાં ઘૂમરાતી હતી. કદાચ એ જ કારણે ‘બોલ્ડ’ બનાવ્યું, પણ મર્યાદામાં. હા, થોડા દ્વિઅર્થી સંવાદોથી વધુ કંઈ નહોતું.
છતાં કહેવાવાળા નીકળી પડ્યા કે ‘નાટક સારું છે પણ હવે આમાંથી બહાર નીકળ.’ ખરેખર આ નાટક ‘એવું’ હતું જ નહીં. શું છે કે આ વિઘ્નસંતોષીઓ વિપક્ષના નેતા જેવા હોય છે, તમે ગમે તેટલું સારું કરો એ નિંદા જ કરશે. હવે જેની ‘હથોટી’ મારે મેળવવી નહોતી એમાં નાટકની સફળતાએ મને જાણે માસ્ટરી અપાવી દીધી એમાં મારો શું વાંક!! મારું માનવું છે કે આમ તો દરેક માણસ હોશિયાર જ હોય છે.
બધાના વિષય અલગ હોય છે. મારે માટે પણ એવું જ થઈ ગયું. આ લાઈનવાળાને કોણ સમજાવે? આમેય સમાજ એક એવું બજાર છે જ્યાં સલાહો થોકબંધ અને સહયોગ વ્યાજ પર મળે છે. નાટક બની ગયું, બહોળો પ્રતિસાદ પણ મળ્યો. હવે આવી વાતોને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવા સિવાય બીજું શું કરી શકાય? મેં પણ એ જ કર્યું કારણ સાથી કલાકારોમાં સફળતાનો ઉત્સાહ પણ ટકાવી રાખવાનો હતો. આવી સલાહોની કોઈ ‘આડઅસર’ ન થવી જોઈએ.
એ જ ઉત્સાહથી ‘છોરી...’ ચાલતું રહ્યું. એક તો નિર્માતા જાણીતા હતા એટલે પ્રોડક્શનમાં કોઈ કસર નહોતી. થિયેટર મળશે કે નહીં એની જરા પણ ચિંતા ન રહેતી. સડસડાટ નાટકના પચ્ચીસ શો પણ પૂરા થઈ ગયા. ઉજવણી માટે બધા કલાકારોએ શિરડીના સાંઈબાબાનાં દર્શન કરવાનું નક્કી કર્યું. ત્યારે હજુ આજની જેમ પ્રાઇવેટ કે લક્ઝરી બસ શરૂ નહોતી થઈ. માત્ર એક એસ.ટી. બસ રાત્રે બોરીવલીથી ઊપડતી.
એક દિવસ નક્કી કરી બધા મારે ઘરે મળ્યા. પત્ની ભારતીએ બધાને જમાડી રવાના કર્યા. બધા નાટકની સફળતા માણી રહ્યા હતા. શેખર શુક્લાને ત્રેવડી ભૂમિકા ભજવવા મળી એટલે વધુ ખુશ હતો. એને પણ નાટક વિશે વાતો મળી હતી અને થોડો ઉશ્કેરાયેલો પણ હતો. મને કહે, ‘આ લોકોને આપણી સફળતા પચતી નથી. હવે તો હું કૉલર ઊંચા રાખીને ચાલીશ અને વાતે-વાતે ‘હાઉસ ફૂલ’નાં બોર્ડ ઝુલાવતા આપણા નાટકની વાત માંડીશ... પૂછશે નહીં તો પણ ઊભા રાખીને કહીશ.’
મેં એને શાંત કરતાં કહ્યું, ‘શેખર, શાંત થઈ જા ભાઈ. જો બહુ મોટા થવાની કોશિશ ન કરવી. મોટા થવાથી તો માતા પણ કેડેથી નીચે ઉતારી દે છે. જે મળ્યું છે એને આનંદથી માણીએ.’ સાથી કલાકારો પણ સંમત થવા સાથે તાળીઓ પાડી. બોરીવલીથી બસ પકડી શિરડી જઈ દર્શન કરી હેમખેમ આવી ફરી પ્રયોગો ભજવવા માંડ્યા.
હવે હું સાવ ‘ફ્રી’ હતો. મારી અંદરનો કલાકાર હવે ઉધામા લઈ રહ્યો હતો. પત્ની ભારતીએ પણ કહ્યું કે ‘હવે જરા ડિરેક્શનમાં બ્રેક મારી અભિનયના દરવાજા ખોલો.’ મન તો મને પણ થતું હતું પણ રોલ મળવો જોઈએ ને !
એક દિવસ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ ઉપર નાટકનું રેકૉર્ડિંગ હતું. યાદ છે ત્યાં સુધી કિરીટ બારોટ કે દુર્ગાબેન એ વિભાગ સંભાળતાં. હું રેકૉર્ડિંગમાં પહોંચ્યો. સાથી કલાકારમાં અમારાં ‘બહુરુપી’ના મામા-દીનું ત્રિવેદી પણ હતાં. મને કહે ‘રેકોર્ડિંગ પછી મારી સાથે આવજે’ કારણ પૂછ્યું તો કહે ‘જતીન કાણકિયાએ તને ખાસ યાદ કર્યો છે, નવા નાટક માટે.’ જતીન સાથે મેં ત્રણ-ચાર ગુજરાતી સિરિયલ્સ કરેલી. ત્યારે ખબર નહીં, પણ મને પૂછ્યા કરતો કે કૅમેરાની સામે જોવાનું કે ડાબે-જમણે? મારી મજાક કરતો હશે કે ખરેખર નહીં જાણતો હોય. કદાચ આ સિરિયલોને કારણે અમારું બાન્ડિંગ સારું હતું.
રેકૉર્ડિંગ પૂરું થયું કે હું મામા-દીનું ત્રિવેદી સાથે નીકળ્યો, હું કંઈ પૂછું એ પહેલાં જાણવાની મારી આતુરતા જોઈ એમણે જ મને સામેથી કહ્યું, ‘આઈ.એન.ટી.માંથી સુરેશ રાજડા એક સરસ નાટક કરી રહ્યા છે. હું, દીપક ઘીવાલાં, રાગિણી, જતીન, ઈલા દોશી, કિરણ ભટ્ટ અને સુરેશ રાજડા પોતે પણ એક ભૂમિકા ભજવી રહ્યાં છે. એમાં રાગિણીના બાપના રોલ માટે વાત નીકળી તો જતીને તારું નામ જણાવ્યું. સુરેશ પાસે મેં આજના રેકૉર્ડિંગ માટે રજા માગી અને જતીનને ખબર પડી કે તું પણ ત્યાં સાથે છે તો મને કહે કે દાદુને કહેજો કે એકવાર સુરેશને મળી લે અને સુરેશે પણ એની વાતને સમર્થન આપ્યું. મળી લે, જો બધું બરાબર બેસી ગયું તો કરી લે, આમ પણ કલાકાર તરીકે તારું નામ વાંચવામાં આવતું નથી...’
જે રાગિણીબેન સાથે મેં ‘બહુરૂપી’ સંસ્થાનું નાટક ‘અભિષેક’માં એમના સસરાનો રોલ ભજવેલો, જો બધું સમુંસૂથરું પાર પડ્યું તો આ નાટકમાં એમના પિતાનું પાત્ર ભજવવા મળશે. આઈ.એન.ટી.નો મોભો ત્યારે અલગ હતો. માતબર સંસ્થા સાથે કામ કરવા મળશે એ વાતે જ હું રોમાંચિત થઈ ગયો. પત્ની ભારતીએ કરેલી ઇચ્છા પૂરી થશે એવું વિચારતો હું દીનુ ત્રિવેદી સાથે ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યો...
પત્ની: ક્યાં છો?
પતિ: દુકાને છું. કેમ શું હતું?
પત્ની: કંઈ નહીં... બાજુવાળી હીના કોઈ સાથે ભાગી ગઈ.