Thu May 28 2026

Logo

અમે બધાં જ બાળકોને સાથે લઈને અનેક દેશોનો પ્રવાસ કર્યો...

2026-03-05 08:31:00
Author: Mumbaisamachar Team
Article Image

કથા કોલાજઃ

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 4)
નામ: એન્જેલિના જોલી
સમય: 2026
સ્થળ: લોસ ફેલિઝ, લોસ એન્જલિસ, કેલિફોર્નિયા
ઉંમર: 50 વર્ષ

એક બોયફ્રેન્ડ, બે લગ્ન, ડ્રગ્સ, પિતા સાથેના સંબંધોનો વિવાદ અને બંને લગ્નોમાં મળેલી નિષ્ફળતાએ મને જીવનથી વિમુખ કરી નાખી હતી. ‘મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ’ના સેટ પર હું પહેલીવાર બ્રાડ પીટને મળી ત્યારે એમના વ્યક્તિત્વથી અંજાઈ ગઈ એ મારે સ્વીકારવું પડે. કોલેજમાં જર્નાલિઝમ ભણવા ગયેલા વિલિયમ બ્રાડલી પીટને અભિનયમાં રસ પડી ગયો, એટલે ડિગ્રી પૂરી થાય એ પહેલાં એ લોસ એન્જલિસ આવી ગયા. અત્યાર સુધીમાં હોલિવૂડના સૌથી હેન્ડસમ કહી શકાય એવા અભિનેતાઓમાં એમનું નામ ટોપ પર છે. 

શરૂઆતમાં એમણે નાની-મોટી ફિલ્મો કરી પરંતુ એમની પહેલી સફળ ફિલ્મ ‘થેલ્મા એન્ડ લુઈસ’થી અચાનક સ્ટાર થઈ ગયા. એ પછીની એમની ફિલ્મો ‘ફાઈટ ક્લબ’, ‘ટ્રોય’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ’ જેમાં એમણે ડબલ રોલ કરીને લોકોને ચોંકાવી દીધા. 2003માં હું જ્યારે એમને મળી ત્યારે એ બહુ મોટા સ્ટાર હતા. એમના લગ્ન જેનીફર એનિસ્ટન સાથે થયાં હતાં. એ વખતે એમના લગ્ન પણ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, બ્રેડ એ લગ્નને ટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એવું એ કહેતા રહ્યા. 

એનિસ્ટન સાથેના લગ્નમાં કદાચ સમજદારી ખતમ થઈ ગઈ હતી. જેને કારણે બંને જણાએ એક-બે વાર જાહેરમાં તમાશો ઊભો કર્યો. બ્રેડ કદાચ થાક્યા હતા, પરંતુ એમનો ઉછેર અને લગ્ન પરત્વેનું કમિટમેન્ટ મજબૂત હતું, એટલે એ ઝડપથી આ લગ્ન તોડવા તૈયાર નહોતા, પરંતુ અમે જે ક્ષણે મળ્યા એ જ ક્ષણે જાણે એકબીજા તરફ આકર્ષાઈ ગયા. એ ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી લોકોને ખૂબ ગમી. 2005ની સૌથી હીટ ફિલ્મોમાંની એક ‘મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથે’ લગભગ 500 મિલિયનનો બિઝનેસ કર્યો.

એ ફિલ્મ પછી બ્રેડ સાથેના મારા સંબંધો વિશે મીડિયામાં અવાર-નવાર સમાચાર છપાવા લાગ્યા. એ ગાળામાં બ્રેડ કદાચ એનિસ્ટન સાથેના સંબંધોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી ચૂક્યા હતા. એમની ડિવોર્સ થયા એ પછી અમે અમારા સંબંધને મીડિયા અને પ્રશંસકો સામે સ્વીકારી લીધો. લોકોએ અમને ‘બ્રેન્જેલિના’ નામથી એક કપલ તરીકે વધાવી લીધા. જોકે, અમે લગ્ન કરવાનો નિર્ણય તો પછી કર્યો. લગભગ નવ વર્ષ સાથે રહ્યા પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. 

2005થી 2014 સુધી અમારો સંબંધ ખૂબ સારી રીતે ચાલ્યો. અમે સાથે મળીને સામાજિક અને માનવીય કાર્યો કરતાં રહ્યાં. હું જ્યારે કમ્બોડિયામાં ટોમ રાઈડરનું શૂટિંગ કરતી હતી ત્યારે મને પહેલી વાર આ વિશ્વવ્યાપી માનવીય સંકટની જાણ થઈ. એક દેશમાંથી બીજા દેશમાં શરણ અને આશ્રય શોધી રહેલા હજ્જારો લોકોની સ્થિતિ શું છે, એ જ્યારે જાણ્યું ત્યારે મને માનવીય જીવનનું મૂલ્ય સમજાયું. આ પ્રકારના શરણાર્થીઓની સાચી સ્થિતિ જાણવા માટે મેં અનેક શરણાર્થી શિબિરની મુલાકાત લીધી. કમ્બોડિયા, અફઘાન અને બાંગ્લાદેશી શરણાર્થીઓ માટે એક મિલિયન દાનની જાહેરાત કરીને યુએનએચસીઆર સાથે જીવનભર કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરી. 

2001માં મને યુએનએચસીઆરની સદભાવના રાજદૂત તરીકે પસંદ કરવામાં આવી. એ વર્ષે કોઈ ફિલ્મ ન કરતાં મેં 20થી વધારે દેશોમાં શરણાર્થીઓ અને વિસ્થાપિત લોકોની મુલાકાત કરી. એમને પુન:સ્થાપિત કરવાની એક ઝુંબેશ શરૂૂ કરી. 2002માં થાઈલેન્ડ, ઈક્વાડોર, કોલમ્બિયા, કોસોબો, નામિબિયા જેવા દેશોમાં જઈને મેં કામ કર્યું. 2003માં તાન્ઝાનિયામાં આફ્રિકન દીકરીઓને પુન: પ્રસ્થાપિત કરવા માટે મેં એક મહિનો એમની વચ્ચે રહીને કામ કર્યું. આ બધા સમય દરમિયાન મને સમજાયું કે મારા જીવનનું મિશન ગ્લેમર કે સિનેમા નથી, પરંતુ માનવીય જીવનને બહેતર બનાવવાનું કામ સોંપીને મને અહીં મોકલવામાં આવી છે.

ક્યારેક વિચારું તો સમજાય કે જોલી વોઈટમાંથી મેં મારું નામ કાયદેસર રીતે ‘એન્જેલિના જોલી’ કર્યું, ત્યારે મને કલ્પના પણ નહોતી કે મારે આ દુનિયાના અનેક પીડિત, નિરાશ્રિત લોકો માટે એક ‘એન્જલ’ (ફરિશ્તા) બનીને કામ કરવાનું છે. આનંદની વાત એ છે કે બ્રેડ પણ મારા આ માનવીય કાર્યમાં પૂરેપૂરા સહયોગથી કાર્ય કરવા તૈયાર હતા. એમને પણ આ વિશ્વના તરછોડાયેલા માણસો માટે એટલી જ સહાનુભૂતિ અને સ્નેહ હતા. 2001માં જ્યારે હું કમ્બોડિયામાં શૂટિંગ કરતી હતી ત્યારે એક તરછોડાયેલા બાળક મેડોક્સને દત્તક લીધો.
 
2002માં મેડોક્સ મારા જીવનમાં આવ્યો. ત્યારે મને સમજાયું કે મા બનવાની મારી ઝંખના કેટલી તીવ્ર હતી. એક પછી એક તૂટતા ને બંધાતા સંબંધો  લગ્નો કે પુરુષો સાથેના પ્રણય સંબંધોમાં મને કદીયે સ્થિરતા કેમ નહોતી મળતી એનું કારણ કદાચ એ હતું કે હું માતૃત્વ ઝંખતી હતી. 2002માં જ્યારે હું મેડોક્સને લઈને ઘરે આવી ત્યારે મને લાગ્યું કે, મને મારું સાચું સરનામું મળી ગયું છે! 2003માં જ્યારે હું બ્રેડને મળી ત્યારે મેડોક્સ વિશે મીડિયામાં જાણકારી પ્રસરી ચૂકી હતી. 

બ્રેડ સાથેનો પ્રણય સંબંધ શરૂ થાય એ પહેલાં જ મેં એને કહ્યું હતું, મેડોક્સ મારા જીવનનો અનિવાર્ય હિસ્સો છે. મને નવાઈ લાગી, જ્યારે બ્રેડે કહ્યું કે, એ મારા જીવનનો પણ અનિવાર્ય હિસ્સો રહેશે. પહેલાં મેં એને સિંગલ મધર તરીકે દત્તક લીધો હતો, પરંતુ બ્રેડ સાથે જોડાયા પછી એણે પણ મેડોક્સની જવાબદારી પૂરેપૂરી સ્વીકારી અને એના કાયદેસર પિતા તરીકે પોતાનું નામ જોડ્યું. એ પછી ઝહારાને મેં ઈથોપિયાથી દત્તક લીધી. 

2005માં જન્મેલી નાનકડી ઝહારાના માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. શરણાર્થીઓના કેમ્પમાં બાળકોના અનાથ આશ્રમમાં મેં એને જોઈ ત્યારે મારા મનમાંથી અવાજ આવ્યો, આ મારી દીકરી છે. મેડોક્સને એક બહેનની જરૂર હતી, એટલે અમે ઝહારાને દત્તક લીધી. બ્રેડ પીટ પણ કાયદેસર પિતા તરીકે ઝહારાને દત્તક લેવામાં સહાયરૂપ રહ્યા. 

2007માં વિયેતનામથી પેક્સને દત્તક લીધો. અમારા લગ્ન નહોતા થયા, એટલે વિયેતનામના કાયદા મુજબ બ્રેડ એ વખતે એના પિતા તરીકે નામ લખાવી શકે એમ નહોતા. મેં પેક્સને સિંગલ મધર તરીકે દત્તક લીધો, પરંતુ અમેરિકન નાગરિકત્વ મળ્યા પછી બ્રેડે એને પણ કાયદેસર રીતે સ્વીકાર્યો અને પેક્સના પિતા તરીકે પોતાનું નામ જોડ્યું.

2007 સુધીમાં અમારો સંબંધ ખૂબ જ નિકટનો અને ગાઢ બની ગયો હતો. અમે એકમેકને પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે જીવવા માટે જ સર્જાયા છીએ એવું અમને સમજાવા લાગ્યું હતું. મારા પહેલાં બે લગ્નોમાં મેં સંતાનનો વિચાર નહોતો કર્યો એનું એક કારણ કદાચ એ પણ હતું કે મને મારા બંને પતિઓ સાથે પ્રેમ હતો, પરંતુ મને એ બંને સંબંધ આત્માના સંબંધ નહોતા લાગતા. 

બ્રેડમાં મને એક ‘સોલ મેટ’ દેખાયો. એને પણ જાણે મારી સાથેના સંબંધમાં એક સ્થિરતા અને અધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો. મારા ત્રણેય દત્તક બાળકોનો કાયદેસર પિતા બનીને એણે મારું મન જીતી લીધું. મારા માનવીય અને સામાજિક કાર્યોમાં એ સતત મારી સાથે રહ્યો. જેનાથી મને લાગ્યું કે એ જ મારા જીવનનો સાચો ‘સાથી’ બની શકશે. બ્રેડને પિતા બનવાની ઝંખના તીવ્ર હતી. અંતે, અમે અમારા જૈવિક (બાયોલોજિકલ) સંતાનને જન્મ આપવાનું નક્કી કર્યું. અમારુંં પહેલું સંતાન શિલોહ 2006માં જન્મ્યું.

એ સમયે અમારી લોકપ્રિયતા ચરમસીમા પર હતી. અમેરિકાના કોઈપણ શહેરમાં કે યુરોપમાં પાપારાઝીઓ સતત અમારો પીછો કરતા હતા. હું અને બ્રેડ આ પ્રેગનેન્સીને માણવા માગતા હતા. એકમેક સાથે સમય વિતાવવા માગતા હતા. નામિબિયાના સ્વાકોમુંડ નામના એક દરિયાકિનારાના શહેરમાં અમે વિલા ભાડે લીધું. 

નામિબિયા સરકાર સાથે કરાર કર્યો કે અમને સંપૂર્ણ સુરક્ષા અને ગોપનિયતા આપવામાં આવશે. એ વખતે અમે શિલોહને જન્મ આપવા માટે થોડો સમય નામિબિયા રહ્યાં અને એનો જન્મ ત્યાં જ થયો. અમે બંને જણા અમેરિકન નાગરિક હતા, એટલે શિલોહને નાગરિકત્વ મળશે જ એ વિશે કોઈ શંકા નહોતી. માટે દુનિયાના કોઈપણ દેશમાં એને જન્મ આપી શકાયો હોત, પરંતુ અમે નાના અને શાંત દેશમાં રહેવા માગતા હતાં, જ્યાં ફોટોગ્રાફર્સથી બચવું ન પડે!

શિલોહના જન્મ પછી એના ફર્સ્ટ ફોટોગ્રાફ્સ પીપલ નામના મેગેઝિનને વેચ્યા અને એમાંથી મળેલા કરોડો મિલિયન ડૉલર્સ અમે શરણાર્થીઓના દાનમાં આપી દીધા. બ્રેડ અને હું હંમેશાં પબ્લિસિટીથી દૂર રહ્યાં છીએ. અમે માનવતાવાદી, શાંત અને એકાંદ પસંદ કરતા લોકો છીએ, માટે જ કદાચ અમને એકમેક સાથે આટલો લાંબો સમય વિતાવવાનું અઘરું ન લાગ્યું. 

શિલોહના જન્મ પછી તરત જ એક વર્ષમાં હું ફરીથી પ્રેગનેન્ટ થઈ અને અમે નોક્સ અને વિવિયનને જન્મ આપ્યો. આ ટવીન્સ બાળકો હતા. એમના ફોટા પણ અમે કરોડો રૂપિયામાં વેચ્યા અને એની આવક યુદ્ધમાં અનાથ થયેલાં અનેક બાળકોના ભવિષ્ય માટે દાનમાં આપી દીધી. અમે બધાં જ બાળકોને લઈને અનેક દેશોનો પ્રવાસ કર્યો... ભારત પણ આવ્યાં. હજી અમે લગ્ન નહોતા કર્યાં અને છ બાળકોનાં માતા-પિતા હતાં.   (ક્રમશ:)