‘દાદાસાહેબ ફાળકે અવૉર્ડ’ના તાજા વિજેતા અનંત નાગે હાલની ફિલ્મોના કથળી ગયેલા સ્તરને કારણે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું છે
હેમા શાસ્ત્રી
પહેલી હિન્દી ફિલ્મ ‘અંકુર’માં શબાના આઝમી અને અનંત નાગ, અનંગ નાગ, ટીવી સિરિયલ ‘માલગુડી ડેઝ’માં
એકવીસમી સદીના ત્રીજા દાયકામાં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડંકા વધુ વાગી રહ્યા છે. આ દાયકાના પહેલા છ વર્ષના હિસાબકિતાબમાં સાઉથની ચાર ભાષા (તમિળ, તેલુગુ, ક્ધનડ અને મલયાલમ)ની ફિલ્મો અને કલાકારો હિન્દી ફિલ્મો અને ફિલ્મ સ્તરની સરખામણીએ કેટલાક ડગલાં આગળ રહ્યા છે.
તાજેતરમાં ‘દાદાસાહેબ ફાળકે અવૉર્ડ’થી સન્માનિત અભિનેતા અનંત નાગને હિન્દી ફિલ્મ રસિકો શ્યામ બેનેગલની ફિલ્મોના એક્ટર તરીકે વધુ ઓળખતા હશે, પણ એમણે મહત્તમ કામ ક્ધનડ ચિત્રપટમાં કર્યું છે. પચાસ વર્ષથી અભિનય કરી રહેલા અનંત નાગે 300 ફિલ્મો કરી છે, જેમાંથી 250 ક્ધનડ ભાષાની છે. આર.કે. નારાયણની વાર્તાઓ પર આધારિત નાના ભાઈ શંકર નાગ દિગ્દર્શિત દૂરદર્શન ધારાવાહિક ‘માલગુડી ડેઝ’માં મહત્ત્વની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યા હતા. આ સિરિયલમાં તેમણે સાકાર કરેલા વિવિધ પાત્રોથી તેમનું નામ કર્ણાટકની બહાર અનેક જગ્યાએ જાણીતું બની ગયું હતું.
ક્ધનડ ચિત્રપટ સૃષ્ટિમાં દેશનો આ સર્વોચ્ચ અવૉર્ડ મેળવનાર અનંત નાગ બીજી વ્યક્તિ છે. આ પહેલા 1995માં ડૉ. રાજકુમાર (આપણા જાની નહીં)ને આ સન્માન મળ્યું હતું. હા, 2008માં આ સન્માન મેળવનારા સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તિ (ગુરુ દત્તની, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ વગેરેમાં કરામત દેખાડનારા કસબી) ક્ધનડભાષી હતા, પણ તેમને આ અવૉર્ડ હિન્દી સિનેમામાં યોગદાન પેટે મળ્યો હતો. આમ ક્ધનડ સિનેમા માટે દાદાસાહેબ ફાળકે પારિતોષિક મેળવનાર અનંત નાગ બીજી જ વ્યક્તિ છે.
આટલી બહોળી કારકિર્દી ધરાવતા અભિનેતાને 78 વર્ષની ઉંમરે પણ કામ કરવાના અભરખા છે અને એમને તગડી ઓફરો સુધ્ધાં આવે છે, પણ... પણ અનંત નાગ આજકાલ જે પ્રકારની ફિલ્મો બની રહી છે એનાથી નારાજ છે, વ્યથિત છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું છે કે ‘મને હિન્દી અને ક્ધનડ ફિલ્મોની ઓફર આવતી રહે છે. સ્ક્રિપ્ટ વાંચી નિર્ણય લઈશ એમ ચોખ્ખું કહી દઉં છું. તમે કદાચ માનશો નહીં, પણ છેલ્લા ત્રણ વર્ષમાં 100થી વધુ સ્ક્રિપ્ટ હું વાંચી ગયો છું, પણ એમાંથી એકપણ મને ગમી નથી. એટલે એક્ટિંગને અલવિદા કરી દીધી છે. હાલની વાર્તાઓનું સ્તર ખૂબ નીચું ગયું છે. નવી પેઢીના દિગ્દર્શકોની વિચારસરણી અલગ છે. સિનેમામાં હિંસાનો અતિરેક અને એક્શન ફિલ્મોની ભરમારને કારણે ખાસ કરીને મહિલા પ્રેક્ષકો સિનેમાથી છેટું રાખી રહ્યા છે. આજકાલ ક્ધટેન્ટ કરતાં બોક્સ ઓફિસ કલેક્શન અને કમાણી પર વધુ ધ્યાન આપવામાં આવે છે.’
આમ તો ત્રણ વર્ષમાં 100 ફિલ્મની વાત ગળે ઉતરે એવી નથી, પણ અનંત નાગ ખોટું બોલે એવા નથી. કદાચ અભિનેતા એમ કહેવા માગતા હશે કે ઘણી બધી સ્ક્રિપ્ટ વાંચી, પણ એકેય ન ગમી અને 100નો આંકડો ઘણી ઑફર માટે એક વિશેષણ હશે. ‘કેજીએફ: ચેપ્ટર વન’માં મહત્ત્વની ભૂમિકા કરનાર અભિનેતાએ ‘કેજીએફ: ચેપ્ટર ટુ’ માટે ના પાડી દીધી. કારણ કે એકસરખા રોલ કરવામાં કોઈ દિલચસ્પી નથી. એક્ટરની આ હૈયાવરાળ સમજવી હોય તો અભિનય ક્ષેત્રમાં એમનો ઉછેર કઈ રીતે થયો એ જાણવું જોઈએ.
1948માં કર્ણાટકમાં જન્મેલા અંનત નાગને શિક્ષણ પલ્લે નહોતું પડતું. શાળા ભણતર દરમિયાન એનસીસી (નેશનલ કેડેટ કોર્પ) અને એસીસી (ઓકઝીલરી કેડેટ કોર્પ) સાથે સક્રિય રહ્યા. કલાસરૂમ કરતાં મેદાનની પ્રવૃત્તિમાં વધુ આનંદ આવતો હતો. કિશોરાવસ્થામાં 1962 અને 1965ના બે યુદ્ધ જોયા અને દેશભક્તિના જુવાળમાં લશ્કરમાં જોડાવાનું નક્કી કર્યું. કમનસીબે આર્મીએ ઓછા વજનને કારણે ના પાડી અને નબળી દૃષ્ટિનું કારણ આપી એર ફોર્સ તરફથી જાકારો મળ્યો. જે દિશામાં આગળ વધવાની ઈચ્છા હતી એના દરવાજા જ બંધ થઈ ગયા. ફિલ્મો તરફ પોતે કઈ રીતે વળ્યા એ વિશે એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ એક માર્મિક વાત કરતા જણાવ્યું કે ‘એ દિવસોમાં ભણવામાં ઢ હોય એવા વિદ્યાર્થીઓને શિક્ષકો જ કહેતા કે જા ફિલ્મોમાં કામ કર. બીજું કંઈ ન કરી શકે એ ફિલ્મોમાં નસીબ અજમાવે એવું દાઢમાં કહેવાતું હશે.’ ભણવા માટે રીતસર મુંબઈ ધકેલવામાં આવેલા અનંત નાગ મુંબઈ - મહારાષ્ટ્રની આધુનિક રંગભૂમિ ચળવળના સંપર્કમાં આવ્યા. આ સંપર્ક અને સંસર્ગને કારણે અભિનેતાને મરાઠી, હિન્દી, કોંકણી અને ક્ધનડ નાટકોમાં કામ કરવાની તક મળી. સત્યદેવ દુબે, ગિરીશ કર્નાડ અને અમોલ પાલેકરના સાંનિધ્યમાં અભિનયનો એકડો ઘૂંટાયો.
આ સંગત અનંત નાગને શ્યામ બેનેગલ સુધી દોરી ગઈ. એડવર્ટાઈઝિંગ ક્ષેત્રમાંથી ચલચિત્ર ક્ષેત્રમાં ઝંપલાવવા ઉત્સુક બેનેગલએ તેમની પહેલી ફિલ્મ ‘અંકુર’ માટે માત્ર એક ક્ધનડ ફિલ્મનો અનુભવ ધરાવતા આ અભિનેતાને સાઈન કરી લીધા. રસપ્રદ વાત એ છે કે બેનેગલએ ‘સિડલિંગ’ એવું અંગ્રેજી નામ રાખ્યું હતું અને યોગ્ય હિન્દી ટાઈટલની શોધમાં હતા. એને માટે એક હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. અનંત નાગને હિન્દીમાં ફાવટ હોવાથી ‘અંકુર’ નામ સૂચવ્યું અને ઈનામ મેળવ્યું. ડિરેક્ટર - એક્ટર વચ્ચે એવો તાલમેલ બેસી ગયો કે બેનેગલની છ ફિલ્મમાં અભિનેતાની હાજરી હતી - ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘કોન્ડુરા’ અને ‘કલિયુગ’. આ ફિલ્મોમાં અનંત નાગ ટિપિકલ વિલન નહોતા પણ એમણે ભજવેલા પાત્ર નઠારા હતા એટલે તેમણે બેનેગલને એકવાર હસતા હસતા કહ્યું પણ હતું કે ‘તમે મને વિલન બનાવી દીધો.’
સિત્તેરના દાયકામાં ક્ધનડ ફિલ્મોમાં પણ તે જોવા મળ્યા. ક્ધનડ ભાષામાં અલગ જ પ્રકારની ‘ન્યુ વેવ’ ફિલ્મો બનતી હતી. ત્યાં એ આર્ટ ફિલ્મો તરીકે ઓળખાતી હતી. શરૂઆતમાં 30 - 35 આર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. કલાત્મક સંતોષ એક વાત છે અને પૈસાની જરૂરિયાત બીજી વાત છે. આર્ટ ફિલ્મોની સરખામણીમાં કમર્શિયલ ફિલ્મોમાં ઘણા વધારે પૈસા મળતા હોવાથી એવી ફિલ્મો સ્વીકારવાનું શરૂ કર્યું. આર્ટ ફિલ્મોથી પીઠ નહોતી ફેરવી લીધી. જ્યારે તક મળી, આર્ટ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. ક્ધનડ ઉપરાંત તેલુગુ ને મલયાલમ ફિલ્મો પણ કરી. હિન્દી ઉપરાંત અમોલ પાલેકર સાથે એક મરાઠી ચિત્રપટ કરવાનો પણ લ્હાવો લીધો.
આવા માહોલમાં ઉછરેલા અભિનેતાને આજની ફિલ્મો, એની વાર્તા - રજૂઆત માફક ન આવે એ સમજી શકાય એવી વાત