Wed Sep 02 2026

Logo

અમરેલીમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે પંપ પર લાંબી કતારોઃ વહીવટી પ્રશાસને કરી મોટી અપીલ

2026-03-06 20:43:51
Author: Devayat Khatana
અમરેલીમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે પંપ પર લાંબી કતારોઃ વહીવટી પ્રશાસને કરી મોટી અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી:
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિને કારણે પેટ્રોલ અને ડીઝલ સહિતની અછત ઊભી થવાના અહેવાલોને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. લોકો પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી.  

પ્રવર્તમાન પરિસ્થિતિના અનુસંધાને અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીએ નાગરિકોને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમણે વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું  કે, અમરેલી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલની અછત નથી અને તમામ પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ ઇંધણનું વિતરણ ચાલુ છે. તેથી નાગરિકોએ અફવાઓના આધારે ગભરાટમાં આવીને પેટ્રોલ-ડીઝલનો જથ્થો વધારે માત્રામાં સંગ્રહ ન કરવો. જિલ્લા પુરવઠા અધિકારીએ નાગરિકોને શાંતિ અને સંયમ રાખી નિયમિત જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ ભરાવવાની અપીલ કરી હતી.