અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકામાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. લોર, માણસા, મીઠાપુર અને નાગેશ્રી જેવા ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘર અને ખેતરો સંપર્કવિહોણા બની ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કાલાવડ અને જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે. બુટાવદર, બગધરા, વડાળા, ભોજાબેડી, ધ્રાફા અને શેઠવડાળા જેવા ગામોમાં સારો વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતોમાં વાવણીલાયક માહોલ થતાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે જામજોધપુર પંથકના બુટાવદર, બગધરા, ધ્રાફા, અને વડાળા સહિતના વિસ્તારોમાં પવન સાથે સારો વરસાદ પડ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં જ નોંધાયા છે.
બગસરાના માવ ઝીંઝવા ગામ પાસેથી પસાર થતી જૂની સાતલડી નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘોડાપુર આવ્યું હતું. નદીના પાણી ગાંડાતૂર બનીને વહેવા લાગતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમુક ગામોમાં વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતોએ ખેતીકામની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્યારે અન્ય ખેડૂતો વધુ વરસાદની આશા રાખી રહ્યા છે.
આ વરસાદી કહેરમાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે. માવ ઝીંઝવા ગામે માત્ર આઠ મહિના પહેલા જ બનેલા નવા પુલની સાઈડનું ધોવાણ થઈ ગયું હતું. પ્રથમ સારા વરસાદમાં જ પુલની આવી ખરાબ હાલત થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રસ્તો બંધ થઈ જવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનેલા કામો પ્રથમ વરસાદમાં જ કેમ ધોવાઈ જાય છે.
પાણી ખેતરોમાં ફરી વળ્યા
આ આફત વચ્ચે રાજુલા તાલુકાના ચૌત્રા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની નજીકથી પસાર થતી રાયડી નદીના પ્રવાહ વધી ગયો હતો. નદીમાં અચાનક આવેલા ઘોડાપૂરને કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. આ સમયે ખેતરમાં ચરી રહેલા એક સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને પશુઓને બચાવવા માટે જીવના જોખમે પાણીમાં કૂદી પડ્યા હતા.
પશુઓને બચાવવા ગયેલા ગ્રામજનો ફસાયા
બચાવ કામગીરી દરમિયાન પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકો બકરાને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પશુઓને બચાવવા ગયેલા ગ્રામજનો પણ પોતે ફસાઈ ગયા હતા. પાણીના વહેણમાં તણાઈ રહેલા લોકોને જોઈને અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અંતે, મહામુસીબતે અને લાંબી જહેમત બાદ તેમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.