Wed Sep 02 2026

Logo

અમરેલીમાં પિતા-પુત્રીના આપઘાત કેસમાં વળાંક, સુસાઈડ નોટના આધારે 7 સામે ગુનો દાખલ...

2026-03-01 21:51:00
Author: Devayat Khatana
અમરેલીમાં પિતા-પુત્રીના આપઘાત કેસમાં વળાંક, સુસાઈડ નોટના આધારે 7 સામે ગુનો દાખલ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: અમરેલી જિલ્લાના ગિરિયા નજીક ચાર દિવસ પૂર્વે કૂવામાંથી મળી આવેલા પિતા દીપકભાઈ રામાણી અને તેમની ૧૨ વર્ષીય પુત્રી રિવાના મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક દ્વારા લખાયેલી સુસાઈડ નોટના આધારે અમરેલી તાલુકા પોલીસે મૃતકની પત્ની હેતલબેન સોજીત્રા સહિત કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

પોલીસ ફરિયાદ અનુસાર, લગ્નના ટૂંકા ગાળામાં જ પત્ની પિયર જતી રહી હતી અને ત્યારબાદ સાસરિયાઓ દ્વારા દીપકભાઈને ખોટા કેસમાં ફસાવવાની તથા નોકરીમાંથી કઢાવી મુકવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો, જેનાથી કંટાળીને પિતા-પુત્રીએ વાડીના કૂવામાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે ફાયર વિભાગની મદદથી ૫૦ ફૂટ ઊંડા કૂવામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, કારણ કે એવી વિગત સામે આવી છે કે મૃતકે સુસાઈડ નોટ સાથે પોતાનો મોબાઈલ પણ કૂવામાં ફેંકી દીધો હતો. જોકે, ઊંડા પાણીને કારણે હજુ સુધી મોબાઈલ મળી આવ્યો નહતો, પરંતુ પોલીસને શંકા છે કે આ મોબાઈલમાંથી ઘટનાને લગતા મહત્વના પુરાવા મળી શકે તેમ છે. હાલમાં હિતેશભાઈ રામાણીની ફરિયાદના આધારે પોલીસે હેતલબેન વેકરીયા, રવજીભાઈ સોજીત્રા અને અન્ય પાંચ શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ આદરી છે.