Thu Jun 18 2026

Logo

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાની કોર્ટે આપ્યો ટ્રમ્પને તોતિંગ ઝટકો, અબજો ડૉલર કરવા પડશે પરત, જાણો ભારત પર શું થશે અસર

Wasington D.C.   2026-03-05 15:26:00
Author: Mayurkumar Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાની કોર્ટે ટ્રમ્પને તોતિંગ ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરકાયદે ગણાવીને કંપનીઓને 175 અબજ ડૉલર પરત કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હતો. જેના કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની કોર્ટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ પર સવાલ ઉભા કર્યા છે.

એક રિપોર્ટ મુજબ, કોર્ટે વ્યાજની સાથે રિફંડ આપવા પણ જણાવ્યું છે. અમેરિકામાં જ્યારે કોઈ સામાનની આયાત થાય છે ત્યારે ઈમ્પોર્ટર શરૂઆતમાં અંદાજિત ટેરિફ જમા કરાવે છે.  આશરે 314 દિવસ બાદ ફાઈનલ ટેરિફ નક્કી થાય છે.  પહેલા યુનાઈટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે આ ટેરિફને ગેરબંધારણીય ગણાવ્યા હતા અને હવે યુનાઈટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે કંપનીઓને મોટી રાહત આપતા વસૂલવામાં આવેલી ફી પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદાથી અમેરિકન સરકાર પર અબજો ડોલર પરત કરવાનું દબાણ વધ્યું છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એક નવી ચર્ચા છેડાઈ છે.

આ સમગ્ર મામલો ગયા વર્ષે લાદવામાં આવેલા કહેવાતા 'લિબરેશન ડે ટેરિફ' સાથે જોડાયેલો છે. તે સમયે ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન, મેક્સિકો અને કેનેડા સહિત અનેક દેશોમાંથી આવતી પ્રોડક્ટ્સ પર 10% થી લઈને 50% સુધીનો ટેરિફ ઝીંકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ પગલું ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ  હેઠળ લેવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે 6 વિરુદ્ધ 3 ના બહુમતી સાથે ચુકાદો આપતા કહ્યું કે, આ કાયદો રાષ્ટ્રપતિને આટલા વ્યાપક સ્તરે ટેરિફ લાદવાની સત્તા આપતો નથી. ત્યારબાદ આ મામલો આંતરરાષ્ટ્રીય વ્યાપાર અદાલતમાં પહોંચ્યો, જ્યાં આયાતકારોને રાહત મળી છે.

કંપનીઓને મળી શકે છે 175 અબજ ડોલરનું રિફંડ

અદાલતના આદેશ બાદ અમેરિકન સરકારને આશરે 175 અબજ ડોલર જેટલી માતબર રકમ પરત કરવી પડી શકે છે. આ નાણાં તે કંપનીઓ પાસેથી વસૂલવામાં આવ્યા હતા જેમણે આ ટેરિફ હેઠળ શુલ્ક ચૂકવ્યો હતો. જાણીતી લોજિસ્ટિક્સ કંપની FedEx સહિત અનેક આયાતકારોએ રિફંડ માટે અદાલતના દ્વાર ખટખટાવવાનું શરૂ કરી દીધું છે. જોકે રિફંડની પ્રક્રિયા હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આટલા મોટા પાયે નાણાં પરત કરવા અમેરિકન તિજોરી પર ભારે બોજ સાબિત થઈ શકે છે.

ભારત પર શું થશે અસર

ભારત પર પહેલાંથી જ 25% લિબરેશન ડે ટેરિફ ગાવવાાં આવ્યો હતો. બાદમાં રશિયન ઓયલ ખરીદવાના કારણે વધારાનો 25% ટેરિફ લગાવાયો હતો. જોકે તાજેતરમાં જ અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ફ્રેમ વર્ક કરાર હેઠળ ટેરિફ ઘટાડીને 18% કરવાની વાત કરાઈ હતી. કોર્ટના ચુકાદા છતાં તમામ ટેરિફ નાબૂદ કરાયો નહોતો. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં આવતા સામાન પર 15% નવો ગ્લોબલ લેવી લગાવશે.

આ ઉપરાંત ટ્રમ્પે દાવો કર્યો કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર તેની કોઈ અસર નહીં થાય અને ભારતે ચૂકવણી કરવી જ પડશે. જ્યારે અમેરિકાએ કંઈ પણ ચૂકવવું નહીં પડે. જોકે સૌથી મોટો સવાલ છે કે જે કંપનીઓ પાસેથી ટેરિફ વસૂલવામાં આવ્યો હતો તેમને રિફંડ ક્યારે અને કેવી રીતે મળશે? કોર્ટે રિફંડ આપવા માટે કોઈ ગાઈડલાઈન્સ જાહેર કરી નથી.