નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવા મુદ્દે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો ન બનાવવા અને યુરેનિયમનો જથ્થો સોંપવા માટે કરારની માંગ કરી રહ્યું છે. આ બધા વચ્ચે આપણે આજે એક એવા દેશની વાત કરીશું જેણે સફળતાપૂર્વક પરમાણુ બોમ્બ બનાવ્યા હતા અને તેનો જાતે જ નાશ પણ કરી નાખ્યો હતો.
1979 માં હિંદ મહાસાગર પર એક રહસ્યમય ફ્લેશ જોવા મળી હતી
આ વાત કે દક્ષિણ આફ્રિકાની જેણે વર્ષ 1970 અને 1980 ના દાયકામાં ગુપ્ત રીતે છ બંદૂક-પ્રકારના પરમાણુ બોમ્બ વિકસાવ્યા હતા. તેમજ તેની બાદ તેનો નાશ પણ કરી દીધો હતો. નેશનલ મ્યુઝિયમ ઓફ ન્યુક્લિયર સાયન્સ એન્ડ હિસ્ટ્રીના અહેવાલ મુજબ વર્ષ 1979 માં હિંદ મહાસાગર પર એક રહસ્યમય ફ્લેશ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે તે સમયે દક્ષિણ આફ્રિકાએ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ ઘટનાને વેલા ઘટના તરીકે ઓળખવામાં આવે છે.
છ ગન-ટાઇપ ફિશન બોમ્બ સફળતાપૂર્વક વિકસાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ જાપાનના હિરોશિમા પર છોડવામાં આવેલા "લિટલ બોય" બોમ્બ જેવા છ ગન-ટાઇપ ફિશન બોમ્બ સફળતાપૂર્વક વિકસાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો સાતમા બોમ્બ પર કામ કરી રહ્યા હતા ત્યારે સરકારે પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો અને હાલના તમામ પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાનો નિર્ણય લીધો.
1991 સુધીમાં બધા પરમાણુ શસ્ત્રો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા
દક્ષિણ આફ્રિકાની સરકારે સોવિયેત યુનિયનની વધતી જતી શક્તિનો સામનો કરવા અને પ્રાદેશિક જોખમોનો સામનો કરવા માટે રક્ષણાત્મક કવચ તરીકે આ શસ્ત્રો વિકસાવ્યા હતા. જો કે, વર્ષ 1989માં દક્ષિણ આફ્રિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ એફ.ડબ્લ્યુ. ડી ક્લાર્કે પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ વર્ષ 1991 સુધીમાં બધા પરમાણુ શસ્ત્રો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ પરમાણુ અપ્રસાર સંધિ હસ્તાક્ષર કર્યા
આ નિર્ણય પાછળના કારણોમાં શીત યુદ્ધનો અંત, સોવિયેત યુનિયનની ઘટતી શક્તિ અને દેશનું લોકશાહી તરફની દિશા સામેલ હતી. આ યુગની દક્ષિણ આફ્રિકાની સરકાર ઇચ્છતી ન હતી કે તેની પરમાણુ ટેકનોલોજી આવનારા શાસનના હાથમાં જાય. તેમજ વર્ષ 1994 માં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)એ પુષ્ટિ કરી કે દક્ષિણ આફ્રિકાએ તેના તમામ પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દીધો છે. આજે, દક્ષિણ આફ્રિકા પરમાણુ અપ્રસાર સંધિ (NPT)પર હસ્તાક્ષર કર્યા છે. તેમજ પરમાણુ શસ્ત્રો સામે એક અગ્રણી વૈશ્વિક અવાજ તરીકે ઊભું છે.