Thu Jun 18 2026

Logo

કુવૈતમાં ક્રેશ થયું અમેરિકન ફાઈટર જેટ, ઉગરી ગયેલી મહિલા પાઈલટની વહારે આવ્યો કુવૈતી નાગરિક, કહ્યું તમે સુરક્ષિત છો...

2026-03-03 15:54:39
Author: Darshana Visaria
Article Image

હાલમાં જ્યાં જુઓ ત્યાં ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની જ વાતો અને ચર્ચાઓ થઈ રહી છે. જોકે, આ બધી અફડાતફડી વચ્ચે કુવૈતની ધરતી પર તાજેતરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ ઘટનામાં અમેરિકા એરફોર્સના એક ફાઈટર જેટના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ બનેલી આ ઘટનામાં એક સામાન્ય નાગરિકની બહાદુરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં એક સ્થાનિક વ્યક્તિ પોતાની જીવના જોખમે મહિલા પાઈલટને મદદ કરતો જોવા મળે છે. ચાલો તમને આ આ આખી ઘટના વિશે વિસ્તારથી જણાવીએ... 

શું છે આખી ઈનસાઈડ સ્ટોરી?
કુવૈતમાં તાલીમ દરમિયાન અથવા મિશન પર રહેલા અમેરિકી વાયુસેનાના એક ફાઈટર જેટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. જેટ ક્રેશ થતાની સાથે જ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. પ્લેન ક્રેશ થતા જ પાઈલટ કોકપિટમાં ફસાઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી.

માણસાઈનું ઉત્કૃષ્ટ ઉદાહરણ...
જેવી જ આ દુર્ઘટના બની, આસપાસ રહેલા લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમાંથી એક સ્થાનિક વ્યક્તિએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જ્વલંત વિમાનના કાટમાળ પાસે પહોંચીને અંદર ફસાયેલી મહિલા પાઈલટને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ વ્યક્તિ પાઈલટને મદદ કરી અને તેને સલામત સ્થળે લઈ ગઈ હતી. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં 20 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે એક ફીમેલ પાઈલટ ખુલ્લા રેતાળ વિસ્તારમાં બેઠેલી જોવા મળી રહી છે. એક કુવૈતી નાગરિક તેની પાસે નજીક જઈને ઈંગ્લિશમાં પૂછે છે કે શું તમે ઠીક છો? અમારી મદદ કરવા માટે તમારો આભાર. તમે એકદમ સુરક્ષિત છો. કુવૈતી નાગરિકને જોઈને મહિલા પાઈલટ ઊભી થઈ જાય છે અને આ સમયે તે સતત સ્માઈલ કરતી જોવા મળી રહી છે. 

કેમ વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો
આ વીડિયો માત્ર એક અકસ્માતની તસવીર નથી, પરંતુ તે બે દેશો અને સંસ્કૃતિઓ વચ્ચેના માનવીય સંબંધોનું પ્રતીક બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ અજાણી વ્યક્તિના સાહસના વખાણ કરી રહ્યા છે. નેટિઝન્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે યુદ્ધ અને સૈન્ય કાર્યવાહીના માહોલ વચ્ચે પણ માનવતા સૌથી ઉપર છે.

સૈન્ય કાર્યવાહી અને તપાસ
આ ઘટના બાદ કુવૈત અને અમેરિકી સૈન્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિમાનમાં ખામી કેમ સર્જાઈ તે અંગેના કારણો જાણવા માટે નિષ્ણાતોની ટીમ કામે લાગી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મહિલા પાઈલટ સુરક્ષિત હોવાનું જાણવા મળે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...