Fri Jul 24 2026

Logo

અકોલા-કલાબુરગી દેશના સૌથી ગરમ શહેર, રાજકોટ પણ લિસ્ટમાં

2026-04-15 08:48:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ગરમી ઝડપથી વધી રહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં સતત વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશના અનેક રાજ્યોમાં હીટવેવ જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારાની ચેતવણી આપી છે.  અકોલા અને કલાબુરગી દેશના સૌથી ગરમ શહેર રહ્યા હતા. રાજકોટનો પણ દેશના સૌથી ગરમ શહેરની યાદીમાં સમાવેશ થયો હતો.

કેટલું નોંધાયું તાપમાન

વિદર્ભના અકોલામાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં મહત્તમ  તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધારે હતું. કલાબુરગીમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરાવતીમાં 43.8 ડિગ્રી, વ્દામાં 43.5 ડિગ્રી, અદિલાબાદમાં 43.3 ડિગ્રી, સોલાપુરમાં 43.2 ડિગ્રી, અનંતાપુરમાં 43.1 ડિગ્રી, કુર્નુલમાં 42.8 ડિગ્રી, બાંદામાં 42.6 ડિગ્રી, ગઢચિરોલીમાં 42.6 ડિગ્રી, જલગાંવમાં 42.5 ડિગ્રી, નાગપુરમાં 42.2 ડિગ્રી,  નર્મદાપુરમમાં 42.1 ડિગ્રી, પરભાનીમાં 42.1 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી તાપામાન નોંધાયું હતું.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે વાતાવરણ અકળાવનારું રહેશે.  રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે. 18 એપ્રિલ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી

હવામાન વિભાગે 15-19 એપ્રિલ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ રાજસ્થાન, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, ઉત્તર કર્ણાટક, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશમાં હીટવેવની ચેતવણી આપી છે.

આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

આ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની સંભાવના છે. 15-17 એપ્રિલ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. 15-18 એપ્રિલ સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ છે. આ દરમિયાન 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.