અમદાવાદઃ શહેરમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા વાડજ જંકશન પર રૂ.127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફ્લાયઓવર અને મકરબા ખાતે રૂ.98.60 કરોડના ખર્ચે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને બ્રિજ કાર્યરત થવાથી શહેરના લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. વાડજ ફ્લાયઓવર શરૂ થવાથી અંદાજે 2 લાખ લોકોને, જ્યારે મકરબા બ્રિજથી 1.5 લાખ વાહનચાલકોને ફાયદો થશે. આ સાથે, મુખ્યમંત્રી AMCના રૂ583.85 કરોડના વિકાસકામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
વાડજ જંકશન પરનો ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી રોજના આશરે બે લાખ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ બ્રિજ વાય-શેપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેના મુખ્ય બે છેડા અખબારનગર અને ગાંધીઆશ્રમ તરફ ઉતરે છે. અંદાજે 735 મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ તરફ અવરજવર કરતા વાહનચાલકોને સુવિધા મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત ₹127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ ફોર-લેન ફ્લાયઓવર બ્રિજથી વાડજ જંકશન પરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય તથા ઈંધણની બચત થવાની સાથોસાથ વાહનચાલકોને સુગમ અને ઝડપી વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે.#SevaSankalpAbhiyan pic.twitter.com/CfllG6jSPn
— CMO Gujarat (@CMOGuj) September 24, 2026
મકરબા રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-24 અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. 98.60કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રાફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજ અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ અને એસ.જી. હાઈવેની કનેક્ટિવિટી પૂરી પાડશે, જેના કારણે મકરબા, સરખેજ અને કોર્પોરેટ રોડ જેવા વિસ્તારોને લાભ મળશે. આ બ્રિજથી શહેરના આશરે કુલ ૧.૫૦ લાખ વાહનચાલકોને ફાયદો થવાનો અંદાજ છે.
આ ઉપરાંત થલતેજ – ૩૨૯ EWS આવાસો, અમદાવાદના ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. ૧૯.૭૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૫ નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ, ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે બનાવાયેલ ૧૦ નંગ બોટ વિથ એન્જિન, શાહીબાગમાં ૧૦૮ આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.