Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનની આસપાસ 6100થી વધુ વાહનો પાર્ક થઈ શકશે, 9 પ્લોટમાં બનાવાશે પાર્કિંગ

2026-09-28 13:45:00
Author: Mayur Patel
અમદાવાદમાં મેટ્રો સ્ટેશનની આસપાસ 6100થી વધુ વાહનો પાર્ક થઈ શકશે, 9 પ્લોટમાં બનાવાશે પાર્કિંગ

અમદાવાદઃ પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ આકર્ષક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત મેટ્રો અને બીઆરટીએસ નજીક પાર્કિગ  સુવિધા ઊભી કરવાના હેતુથી નવ મ્યુનિસિપલ પ્લોટની ઓળખ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં પ્લોટ્સની ઓળખ કરી છે, જેમાં કુલ 5903 ટુ-વ્હીલર અને 246 કારના પાર્કિંગની ક્ષમતા હશે. આ પ્લોટ્સને પાર્કિંગ માટે ફાળવવાનો પ્રસ્તાવ ચાલુ સપ્તાહે AMCની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થવાની શક્યતા છે.

  સૂત્રોએ જણાવ્યું કે,  રેવન્યુ-શેરિંગ મોડેલ પર આ નવ પાર્કિંગ સુવિધાઓનું સંચાલન કરવા માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. વાહન પાર્ક કરવા માટે વાહનચાલકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર CCTV કેમેરા લગાવવામાં આવશે, જેનાથી વાહનોની અવરજવરનો ડેટા એકત્રિત કરવામાં પણ મદદ મળશે.

પશ્ચિમ વિસ્તારમાં, ઉત્તર-પશ્ચિમ ઝોનના બે પ્લોટ 14929 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે, જેમાં 2389 ટુ-વ્હીલર અને 99 ફોર-વ્હીલર પાર્ક થઈ શકશે. પશ્ચિમ ઝોનના ત્રણ પ્લોટ 2915 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે, જેમાં 467 ટુ-વ્હીલર અને 20 ફોર-વ્હીલર માટે જગ્યા ઉપલબ્ધ બનશે. પૂર્વ ઝોનમાં 19046 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા ચાર પ્લોટમાં 3047 ટુ-વ્હીલર અને 127 ફોર-વ્હીલર માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થશે.
 
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે. જેના કારણે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો લોકો નોકરી-ધંધા અર્થે શહેરમાં આવી રહ્યા છે. આ સાથે જ, સ્થાનિક નાગરિકોના ખાનગી વાહનોની વધતી સંખ્યાને લીધે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. જાહેર પરિવહનના સ્ટેશનો નજીક પાર્કિંગનો અભાવ પણ મેટ્રો અને BRTS સેવાઓના ઉપયોગમાં મોટો અવરોધ સાબિત થઈ રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા મુસાફરો પોતાના ખાનગી વાહનો લઈને મેટ્રો સ્ટેશને પહોંચે છે, પરંતુ ત્યાં પાર્કિંગની જગ્યા શોધવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળે છે.

પાર્કિંગ માટે જગ્યા શોધવી AMC માટે મોટો પડકાર

AMC જાહેર પરિવહનમાં મુસાફરોની સંખ્યા વધારવા માટે વિવિધ પગલાં વિચારી રહી છે. મેટ્રોના મુસાફરો માટે AMTS ફીડર બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જ્યારે કોમન ટિકિટિંગ સિસ્ટમ પર પણ વિચારણા ચાલી રહી છે. રહેણાંક વિસ્તારો અને મેટ્રો કે BRTS સ્ટેશનો વચ્ચે લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી આપવા માટે ઈ-રિક્ષા સેવાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

    

વસ્ત્રાલ ગામ: વસ્ત્રાલ-રામોલ ટીપી સ્કીમ 124, ફાઇનલ પ્લોટ નં. 114

નિરાંત ચાર રસ્તા: રતનપુરા ગામ, ટીપી 114, ફાઇનલ પ્લોટ નં. 132; અને અનુપમ સ્કૂલ નજીક, ટીપી 106, ફાઇનલ પ્લોટ નં. 159

એપેરલ પાર્ક: મેટ્રો સ્ટેશન નજીક, ટીપી 9 અને 7, ફાઇનલ પ્લોટ નં. 24, 29, 62, 63

થલતેજ ગામ: AMC પ્લોટ, ટીપી 37, ફાઇનલ પ્લોટ નં. 198; અને AMC પ્લોટ, ટીપી 37, ફાઇનલ પ્લોટ નં. 61/1

ગાંધીગ્રામ: ટ્રાફિક પોલીસ ચોકી પાછળનો પ્લોટ

વાડજ: અખબારનગર, ટીપી 28, ફાઇનલ પ્લોટ નં. 150

સાબરમતી: સાબરમતી પોલીસ સ્ટેશન નજીક, ટીપી 23, ફાઇનલ પ્લોટ નં. 86