Mon Oct 05 2026

Logo

નવા ટર્મિનલ માટે અમદાવાદ એરપોર્ટ પર ટી-થ્રી ડિમોલિશન શરૂ

2026-09-23 15:28:39
Author: Pooja Shah
નવા ટર્મિનલ માટે અમદાવાદ એરપોર્ટ પર ટી-થ્રી ડિમોલિશન શરૂ

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટી-થ્રી ઈમારતને તોડી પાડવાથી નવી ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ માટે માર્ગ મોકળો થયો છે. એરપોર્ટના વિસ્તરણ માટે આ મહત્વનો તબક્કો માનવામાં આવે છે. એનઆઈટીબી એ તબક્કાવાર પુનર્વિકાસ યોજનાનો એક ભાગ છે જેના દ્વારા એરપોર્ટની મુસાફરોની સંભાળવાની ક્ષમતા વાર્ષિક આશરે 2 કરોડ મુસાફરો સુધી વધારવામાં આવશે, જ્યારે હાલના ટી-1 અને ટી-2 ટર્મિનલ્સ પર આ સંખ્યા લગભગ 1 કરોડ છે. નવું ટર્મિનલ 2029-30 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

પ્રથમ તબક્કો હાલના સ્થાનિક ટર્મિનલને અડીને અને T-થ્રી બાજુ સુધી વિસ્તરિત કરવામાં આવી રહ્યો છે. વિકાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે T-થ્રીનું ડિમોલિશન અને ખોદકામનું કામ ચાલી રહ્યું છે.એનઆઈટીબી એક જ છત નીચે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી કરશે, જેમાં મોટા ચેક-ઇન વિસ્તારો, વધારાની સુરક્ષા ચોકીઓ, વિસ્તૃત લાઉન્જ અને ડિજીયાત્રા સુવિધાઓ હશે. 

એરપોર્ટ ઓપરેટર દ્વારા એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીને રજૂ કરાયેલા અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટનો ખર્ચ ₹3,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે, જોકે અંતમાં ખર્ચના આંકડામાં ફેરફાર થઈ શકે છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એરપોર્ટ વિસ્તરણનો ઉદ્દેશ્ય મુસાફરોની સંખ્યા વધારવા અને અમદાવાદની લાંબા ગાળાની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. શહેર 2030 કોમનવેલ્થની તૈયારી કરી રહ્યું છે ત્યારે પણ આ સુવિધા મહત્વપૂર્ણ બની જાય છે.