અમદાવાદઃ શહેરના એરપોર્ટ પરથી 16મી તારીખે 6 કિલો જેટલો ગાંજો ઝડપાયો હતો જ્યારે બે દિવસ બાદ ફરી સોમવારે 9 કિલો જેટલું હેરોઈન કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કુલાલમપુરથી આવેલા પ્રવાસીની બેગનું સ્ક્રિનિંગ થતા એકસ રે ઈમેજમાં કંઈક શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું હતું. મુસાફરના હેન્ડ બેગેજની તપાસ દરમિયાન, અધિકારીઓને ગ્લુટા ગ્રો અને ક્રેકર્સ કોકોનટ ફ્લેવર લેબલવાળા ઘણા પેકેટ મળી આવ્યા હતા. વિગતવાર તપાસ કર્યા પછી, પેકેટોમાં ફૂડ સપ્લિમેન્ટ્સ અને ખાદ્ય પદાર્થોને બદલે શંકાસ્પદ સફેદ પાવડર અને સફેદ દાણાદાર પદાર્થો હોવાનું જાણવા મળ્યું હતું.
શંકાસ્પદ પદાર્થોનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પેકેટ્સમાં હેરોઈન હોવાનું જાણવા મળ્યું હતું. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ કુલ 9.30 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને મુસાફરની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી કસ્ટમના સૂત્રોએ આપી હતી.