- રમેશ પુરોહિત
અગમ પાલનપુરી
બનાસકાંઠાનું પાલનપુર નગર ગુલાબોની મહેક, ફૂલગુલાબી કવિતાની ટેક, રત્નની દીપમાળા સમા શાયરોનું તેજ અને કોહિનૂર જેવા રત્નપારખુ ઉદ્યોગપતિઓનું માદરે વતન. આ પાલનપુરની ધરતીએ આપણને જેનો જોટો ન જડે એવા પ્રતિભાવંત, મૂલ્યવાન કવિરત્નો આપ્યા છે. ગઝલ હસ્તીની અંબાડીમાં બિરાજમાન શૂન્ય પાલનપુરીની આ સલ્તનતમાં બીજા ઘણા મોખરાના નામો છે. તેમાં ‘અગમ’ પાલનપુરીનું નામ અગ્રગણ્ય છે.
ભાઈ અગમનો જન્મ 10 ડિસેમ્બર, 1943ના રોજ પાલનપુરના કમાલપુરામાં થયો હતો. હુસૈનખાન ઉમરખાન પઠાણ તેમનું મૂળ નામ છે. 1962માં મેટ્રિક પાસ કરી અને આગળ અભ્યાસ માટે પ્રયત્નો કર્યા પણ સફળ ન થવાથી અમદાવાદથી પાછા પાલનપુર આવી ગયા. પિતાજી પાસેથી ઘડિયાળ રિપેરિંગનું કામ શીખ્યા. 1984માં પિતાજીના મૃત્યુ પછી ઘડિયાળ રિપેરિંગનું કામ ચાલુ રાખ્યું. એમને કિડનીની જીવલેણ બીમારી થઈ અને ગઝલ ગગનમાં ઝળહળતો એક સિતારો 6 જુલાઈ, 2008ના રોજ અસ્ત પામ્યો.
ગુજરાતી ગઝલમાં પોતાની કેડી કંડારીને ભાષા વૈવિધ્ય, છંદ જાળવણી, આધુનિક ચેતના અને એક શબ્દી રદીફ પરની મુસલ્સલ ગઝલોની હિફાજત કરીને અમૂલ્ય પ્રદાન કર્યું છે.
‘અગમ’ 150 ગઝલોનો સંગ્રહ ‘અચરજ’ ઈ. સ. 1986માં આપે છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં આપણા નામવંતા અને માનવંતા મૂર્ધન્ય શાયર ‘શૂન્ય’ પાલનપુરીએ ‘અગમ’ના અનેક પાસાંઓની વિદ્ધતાપૂર્ણ છણાવટ કરી છે. આવી પ્રસ્તાવનાઓ હવે ભાગ્યે જ લખાય છે એથી હું તેના થોડાક અંશો શૂન્યભાઈએ આલેખ્યા છે તે પ્રમાણે એક ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખીને આપું છું.
‘અગમ’ નામી મૂલ્યવાન રત્ન
હુંય દમયંતીપણું... દુર્ભાગ્યનું!
મૃત... સજીવન થઈ સરું છું હાથમાં.
ભાગ્યમાં નક્કી હશે મોતી ‘અગમ’,
આંસુઓ ઝીલ્યા કરું છું હાથમાં
એમનો એક શેર અને એક ‘મક્તા’ એમની સર્જનશક્તિની ઝલક દેખાડવા માટે પૂરતા છે. વાત દુર્ભાગ્યની છે અને આંસુની છે. પરંતુ એમાં રોદણાં નથી. "દુર્ભાગ્યનું દમયંતીપણું” શબ્દપ્રયોગ એ હકીકતની ચાડી ખાય છે કે કવિ સૂંઠના ગાંગડે ગાંધી બનેલા નથી. એમની પાસે ઊંડું અધ્યનન છે. અર્થપ્રચૂર નાવીન્યથી વિભૂષિત ભાષા છે. દુ:ખ દર્દની જડતાને ચૈતન્યમાં ફેરવવાની સ્વભાવ સહજ ચમત્કૃતિ છે. દમયંતી દુ:ખી છે એ એક દુર્ભાગ્ય છે. મૃત માછલું સજીવન થાય એ વિરલ સદ્ભાગ્ય છે. બેનું મનોવાંછિત સંયોજન અગમની સર્જનશક્તિ નો ઉત્કૃષ્ટ નમૂનો છે.
‘મક્તા’માં પરોક્ષ ઉપમાં છે જે આંસુઓને મૂલ્યવાન મોતી રૂપે જુએ છે. એ જ ભાવનો બીજો શેર છે:
"પાંપણો પર ઝૂલનારા આંસુ ઝુમ્મર લાગશે,
જોઈ લો મારા નયન દુ:ખમાંય સુંદર લાગશે.”
‘ભાઈ અગમ એક મજાના કવિ છે. એને અંગે બીજા ગમે તેવું બોલે કે લખે, અલ્પોકિત કરે કે અતિશયોક્તિ કરે, એમાંથી પ્રતિભામાં કંઈ વધઘટ નહીં થાય, કારણ કે એમની સાચી ઓળખ તો તેમના પોતાના જ શેરો આપશે.’
‘અચરજ’ના પ્રકાશનને ઠીક ઠીક સમય પછી અગમ ‘અઢળક’ (2003) ‘અવનવ’ (2005), અરવાખુશ (2006) અને ‘અખિલાઈ’ (2007) જેવા કાવ્યસંગ્રહો આપે છે. જેમાં ગઝલો, નઝમો, ગીતો અને મુક્તકો સમાવાયા છે. જેમાં વ્યંગ, કટાક્ષ, ઉપહાસ, ઠઠ્ઠામશ્કરીથી સભર દ્વિભાષી લોકબોલીમાં લખાયેલો સંગ્રહ ‘અરવાખુશ’ તેમનું મહત્ત્વનું પુસ્તક છે.
આપણા વિવેચક રમણલાલ જોશીએ ‘અચરજ’ પુસ્તકમાં લખ્યું છે કે ‘એમની ગઝલોમાંથી પસાર થતાં એક સાચા કવિનો અવાજ સંભળાયો. જગતની વિવિધ પરિસ્થિતિઓમાંથી કવિ ચિત્ત પસાર થાય છે. મધુર અને કટુ અનુભવોમાંથી એ પસાર થાય છે, ક્યાંક ચિત્કાર પાડી ઊઠે છે, ક્યાંક આનંદનું ગાન ગાય છે, ક્યારેક મૂંઝવણ અને વેદના અનુભવે છે. આ બધું હોવા છતાં એક મિજાજ છે, કવિ તરીકેનો મિજાજ. એ જ એને ટકાવી રાખે છે. સર્વત્ર એક સંવેદનશીલ હૃદયના ભાવોની અભિવ્યક્તિ જોવા મળે છે. જાણે એમની આત્મકથા ગઝલનું રૂપ ધારણ કરીને ન આવી હોય.’
અગમ પાલનપુરી મહેફિલના માણસ હતા. રાત જામતી જતી હોય અને એક પછી એક લલકારતા શેરો શ્રોતાઓની આંખમાંથી ઊંઘ ઊડાડી એના નયનમાં કાંઈક નવો જ સળવળાટ ઊતરી આવે છે:
ભીડથી મારે ઘરોબો છે ‘અગમ’
ભીડ ભરચક આ નગરમાં ઘર કરું
* *
ઝુલ્ફ થઈ સત્કાર મુજને પુષ્પ સમ
રાતનો દી’ ઊઘડયો છે બારણે!
રંગરંગી છું, ‘અગમ’ સુસ્વાગતમ્
બાગ તોરણિયે ચડયો છે બારણે.
આ કવિની સંવેદનાનો વ્યાપ વિશાળ છે. ગઝલમાં પ્રણય, વિરહ, તલસાટ તો હોવાના જ. ‘અગમ’ પાસે આ ઉપરાંત આરઝૂ, ફનાગીરી, બેફિકરાઈ, આત્મશ્રદ્ધા અને પ્રકૃતિના ગાન છે અને પ્રકૃતિનું સંગીત ઝીલવાના સરવા કાન છે:
મેઘધનુષ્યની વરમાળા લઈ
રજકણ રજકણ વરસી વર્ષા
આ શાયરે જિંદગી બહુ નજદીકથી જોઈ છે. જીવનની અસહ્ય કારમી હકીકતને એમણે ઓળખી છે. એમનો આત્મવિશ્ર્વાસ અને ખુમારી અકબંધ છે એટલે કહે છે કે
દિલ બળે ને તોય ચ્હેરો ખિલખિલે
ભર ઉનાળે પાંગરે તે જિંદગી,
સાવ ખારીલા મરણ-દરિયે ‘અગમ’
સ્વાતિ-બિંદુ થઈ ઠરે તે જિંદગી.
રમણભાઈએ એક સરસ સરખામણી કરી છે જે આ પ્રમાણે છે: ‘નવી પેઢીના કવિઓની કવિતામાં કવિની આંતર-જરૂરિયાતોને અનુલક્ષીને કોઈ એક પાત્ર આવતું હોય છે. દાત. રમેશ પારેખની કવિતામાં ‘સોનલ’, યશવંત ત્રિવેદીની કવિતામાં ‘મિતા’, જયંત પાઠકની કવિતામાં ‘ભલાજી’, સુરેશ જોષીના કાવ્યમાં ‘મૃણાલ’, એમ ‘અગમ’2 પાલનપુરીની ગઝલોમાં ‘મીના’નું પાત્ર આવે છે જેમ કે:
આમ છે ‘મીના જ મીના’ જિંદગી
તોય હું તો ખાસ ‘મીના’ પર મરું
લેશ ‘મીના’ તને નથી જોતો
જોઉં છું સાવ ખ્વાબ, જોવા દે.
નથી ભાન, છે રિક્ત મીના-કટોરા
એમ એ વળઘ્યાં મને ‘મીના’ બની.
અગમ પરંપરાના કવિ છે. આમ તો વધારે આયસના અને ઓછા આમદના કવિ છે. આવા સશક્તા શાયર પાસેથી ગુજરાતી ગઝલને ઘણું મળ્યું છે. તેમની સુવર્ણ રેતીમાંથી રત્નો શોધીને માણીએ.
કેટલા મજબૂત સંબંધો હતા
તોય રોમરોમ સૌ ફૂટી પડ્યા.
* *
શુભ અવસર પર રાત ચડી છે, ઘૂંઘટ ખોલો
ચાંદલિયાની ખોટ પડી છે ઘૂંઘટ ખોલો
* *
ત્યાં પછી કાંટા ન વાગે કોઈને
જ્યાં ઉઘાડા પગ અમારા જઈ ચડે.
* *
ઘર મહીં રડતી મારી પ્રતીક્ષા રાતભર,
બારણે હસતો રહ્યો દીવો તમારા રૂપનો
* *
કેન્દ્ર તારી યાદનું છે એકધારા વાંકમાં
રમ્ય ઉર-આંગણિયે વર્તુળાય છે મેંદીનો રંગ
* *
આ ગઝલ-વૃક્ષનો ખુદા હાફિઝ!
લ્યો ‘અગમ’... નામ કોતરી ચાલ્યો
* *
પૂર્વતૈયારી કરી વરસો લગી, ઓછી પડી
ભવ્ય કૈં એવું અચાનક છે તમારું આગમન
* *
મારું એકાન્ત જન્નત સમું છે ‘અગમ’
જે ન આવે એ ગુનેગાર છે
* *
સ્પર્શની અમરાઈ વચ્ચે આવને
રમ્ય તુજ કોયલપણું ટહુકાવને
સપ્તરંગી સૂર્ય-તડકો દઈ વરું
ઝૂલ્ફ ભીનું મ્હે’ ધનુષ લ્હેરાવને
* *