ઉમેશ ત્રિવેદી
શર્મિલા ટાગોર પછી પ્રિટી ઝિંટા બોલિવૂડની એકમાત્ર અભિનેત્રી છે, જેના ગાલે ખંજન પડે છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે અને તે ખંજનને કારણે તે ‘ડિમ્પલ ગર્લ’ તરીકે પણ ઓળખાય છે.
31મી જાન્યુઆરી 1975ના હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લામાં હિન્દુ કુટુંબમાં તેનો જન્મ થયો છે. તેના પિતા દુગાનંદ ઝિંટા ભારતીય લશ્કરના અધિકારી હતા. પ્રિટીને બે ભાઈ છે, દીપાંકર તેના કરતાં એક વર્ષ મોટો છે અને મનીષ તેના કરતાં એક વર્ષ નાનો છે. દીપાંકર પણ ભારતીય લશ્કરમાં અધિકારી છે, જ્યારે મનીષ કેલિફોર્નિયામાં રહે છે. તેના પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું હતું અને એ જ અકસ્માતમાં તેની માતાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને બે વર્ષ પથારીમાં જ રહેવું પડ્યું હતું.
સિમલાની કૉન્વેન્ટ ઑફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો છે. ત્યાર પછી સિમલાની જ સેન્ટ બેડે’સ કૉલેજમાં અભ્યાસ કર્યો છે, જ્યાંથી તેણે ડિગ્રી મેળવી છે અને ત્યાર બાદ તે ક્રિમિનલ સાયકોલૉજીમાં પોસ્ટ ગ્રૅજયુએટ થઈ છે. આ સમય દરમિયાન તેણે મોડેલિંગમાં ઝુકાવ્યું હતું. અને તેની સૌથી પહેલી કમર્શિયલ ઍડ ‘પર્ક ચૉકલેટ’ની હતી. ત્યાર બાદ તેણે બીજી અનેક કમર્શિયલ ઍડ કરી હતી.
1998માં તે મુંબઈ તેની એક મિત્ર સાથે આવી હતી. તેની આ મિત્ર ઑડિશન આપવા આવી હતી. તે સમયે પ્રિટી દિગ્દર્શક શેખર કપૂરને મળી હતી. શેખર કપૂરે પ્રિટીએ અભિનેત્રી બનવું જોઈએ એમ કહ્યું હતું. શેખર કપૂર ત્યારે હૃતિક રોશન સાથે ‘તારા રમ પમ’ની તૈયારી કરી રહ્યા હતા. તેમાં તેણે પ્રિટી ઝિંટાની હીરોઇન તરીકે પસંદગી કરી હતી. જોકે ત્યાર પછી આ ફિલ્મ અભેરાઈએ ચઢાવી દેવામાં આવી હતી. પ્રિટીની શરૂઆત તેના કારણે અટકી પડી હતી. ત્યાર પછી શેખર કપૂરે જ પ્રિટીને મણિરત્નમ પાસે મોકલી અને તેને પહેલી ફિલ્મ મળી, જેમાં તેની ભૂમિકા માત્ર 20 મિનિટ પૂરતી જ હતી.
આ ફિલ્મ હતી શાહરૂખ ખાન સાથેની ‘દિલ સે’. પ્રિટી ઝિંટાની ફિલ્મમાં પસંદગી થઈ તેના કારણે તેની મિત્રોએ તેની મજાક ઉડાવી હતી કે હવે તારે સફેદ સાડી પહેરીને વરસાદમાં નાચવાની શરૂઆત કરવી પડશે. ચીલાચાલુ કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં હીરોઇનને ફાળે મોટેભાગે આવી જ ભૂમિકા આવતી હોય છે. જોકે મિત્રોની આ મજાકને કારણે જ કેટલીક ફિલ્મોમાં પ્રિટીએ સાવ અલગ જ કહી શકાય એવી ભૂમિકાઓ કરી હતી. તેમાં ‘ક્યા કહેના’ (સિંગલ મધરની ભૂમિકા) અને ‘ચોરી-ચોરી ચૂપકે ચૂપકે’ (સરોગેટ મધરની ભૂમિકા) ભજવી હતી.
પ્રિટી ઝિંટાએ પોતાની અભિનય કારકિર્દી દરમિયાન લગભગ બધા જ સુપરહીટ હીરો સાથે ભૂમિકા કરી છે. તેમાંય ફિલ્મ ઉદ્યોગના ચારેય ખાન શાહરૂખ, આમિર, સલમાન અને સૈફ, સન્ની દેઓલ-બૉબી દેઓલ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, હૃતિક રોશન, અક્ષયકુમાર, અજય દેવગણ, અર્જુન રામપાલ, અનિલ કપૂર, ગોવિંદાનો સમાવેશ થાય છે.
અભિનેત્રી તરીકેની કારકિર્દી દરમિયાન તેણે ત્રણેક વાર લાંબો ‘બ્રેક’ લીધો છે અને દર વખતે તે ‘ડબલ જોશ’થી પાછી ફરી છે. પહેલો બ્રેક તેણે 2009માં લીધો ત્યારે તે ચાર વર્ષે પાછી ફરી હતી, બીજો બ્રેક તેણે 2014માં લીધો, ત્યારે પણ તે ચાર વર્ષે પાછી ફરી. 2018માં જોકે તેને ‘કમબૅક’ એટલું ફળ્યું નહોતું. 2018માં પછી તેણે ફરી એકવાર ‘બ્રેક’ લીધો જે આઠ વર્ષ લાંબો હતો અને 2026ની 15 ઑગસ્ટે તે ‘કમબૅક’ કરી રહી છે અને તે પણ આમિર ખાન નિર્મિત અને સન્ની દેઓલ અભિનીત ફિલ્મ ‘બટવારા-1947’થી. તેનું આ ‘કમબૅક’ જોરદાર સાબિત થવાની શક્યતા વધુ છે.
અભિનય કારકિર્દીની સાથે જ પ્રિટીની અંગત જિંદગી થોડી વિવાદાસ્પદ પણ રહી છે. શરૂઆતમાં તેનાં મોડેલ માર્ક રોબિન્સન સાથે એક વર્ષ સંબંધ રહ્યા હતા. જોકે, 2001માં બંને છૂટાં પડ્યા ત્યાર પછી પ્રિટી ‘બૉમ્બે ડાઇંગ’ કંપનીના વારસદાર નેસ વાડિયા સાથે સંબંધ ધરાવતી હતી. 2005થી 2009 સુધી નેસ વાડિયા સાથે તેનો પ્રેમસંબંધ હતો. જોકે ત્યારે તે બંને ‘પંજાબ કિંગ્સ ઇલેવન’ના સહમાલિક હતાં.
ધીમે ધીમે તેમના સંબંધમાં ખટાશ આવી ગઈ. 13 જૂન 2014ના તો પ્રિટીએ નેસ વાડિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે નેસે 30મેના દિવસે આઇપીએલની મૅચ દરમિયાન તેની છેડતી કરી હતી અને તેને ધમકાવી હતી. જોકે આ ફરિયાદ પછી 2018માં પરસ્પર સંમતિથી આ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
એ પછી 29 ફેબ્રુઆરી 2016માં પ્રિટી ઝિંટા લોસ એન્જલસમાં અમેરિકન જેન ગુડઇનફને પરણી હતી અને પછી તે મુંબઈ છોડીને લોસ એન્જલ્સ ચાલી ગઈ હતી. જોકે આઇપીએલમાં ટીમની માલિક હોવાથી તે વારંવાર મુંબઈ આવતી રહે છે. 2021માં સરોગસીથી તે એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયાં બાળકોની માતા પણ બની છે.
પ્રિટી એક સારી અભિનેત્રી હોવા ઉપરાંત મીડિયામાં તેની ઇમેજ એક સ્પષ્ટવકતા અને પોતાના વિચારો જાહેરમાં પ્રામાણિકપણે રજૂ કરનારી અભિનેત્રી તરીકેની છે. બોલિવૂડની સુંદર અભિનેત્રી કે બોલિવૂડની શ્રેષ્ઠ પરિધાન ધારણા કરનારી અભિનેત્રી તરીકે તે ખૂબ જ લોકપ્રિય છે.
OTTનું હોટસ્પોટ
2012માં ‘કૉકટેલ’ ફિલ્મ આવી હતી. તેનાં 14 વર્ષ પછી તેનો બીજો ભાગ એટલે કે ‘કૉકટેલ-ટુ’ રજૂ થઈ હતી. હોમી અડજાણિયા દિગ્દર્શિત આ ફિલ્મ 14 ઑગસ્ટે નેટફ્લિક્સ પર જોવા મળશે. આ હિટ ફિલ્મનાં કલાકારો શાહિદ કપૂર, ક્રીતી સેનન અને રશ્મિકા મંદાના છે.
નેટફ્લિક્સ પર જ 13 ઑગસ્ટે ‘વન હન્ડ્રેડ ઑફ સોલીટ્યુડ’નો બીજો ભાગ રજૂ થશે. આ સિવાય અહીં આજે સાત ઑગસ્ટે (શુક્રવારે) દિલજિત દોસાંજ, વેદાંગ રૈના, શર્વરી અને નસીરુદ્દીન શાહ અભિનીત ફિલ્મ ‘મૈ વાપસ આઉંગા’ જોઈ શકાશે.
આ સિવાય, આજે શુક્રવાર સાત ઑગસ્ટે ‘ઑપરેશન સફેદ સાગર’નું પણ પ્રસારણ આ ચૅનલ પર થવાનું છે. જેમાં મુખ્ય કલાકારો જિમી શેરગીલ, સિદ્ધાર્થ, અભય વર્મા અને દિયા મિર્ઝા છે. ફિલ્મના દિગ્દર્શક ઓની સેન છે. આ ફિલ્મ ‘કારગીલ યુદ્ધ’ આધારિત છે.
એમેઝોન પ્રાઇમ: અહીં ત્રણ નવી અંગ્રેજી સિરીઝ શરૂ થઈ રહી છે, જેમાં 13 ઑગસ્ટે ‘ટ્રેઇટર્સ’ની બીજી સીઝન, 12 ઑગસ્ટે ‘રીચર’ની ચોથી સીઝન અને 9 ઑગસ્ટે ‘ધ ઓઝન ઇન ધ વાઇલ્ડ વિથ બીઆર ગ્રીલ્સ’ જોવા મળશે.
જિયો હોટસ્ટાર: આ ચૅનલ પર 7 ઑગસ્ટથી (આજથી) સુપર મારિયો ગેલેક્સી-ઍનિમેશન ફિલ્મનું પ્રસારણ શરૂ થશે.