બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અનેક લોકપ્રિય ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં પોતાના અભિનય અને કોમિક ટાઈમિંગથી દર્શકોના દિલ જીતનારા જાણીતા ચરિત્ર અભિનેતા મુશ્તાક ખાન (Mushtaq Khan) નું 56 વર્ષની વયે કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે નિધન થયું છે. તેમના અકાળે અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનના નિધન બાદ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે જોડાયેલો એક અત્યંત ભાવુક કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે, જેમાં બિગ બીએ મુશ્તાક ખાનને મુંબઈ જેવા માયાનગરમાં પોતાનું પ્રથમ ઘર ખરીદવા માટે મોટી આર્થિક મદદ કરી હતી.
મુશ્તાક ખાન છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ તબિયત વધુ લથડતાં 56 વર્ષની નાની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના નિધનના સમાચાર સામે આવતાં જ બોલીવૂડ કલાકારો, દિગ્દર્શકો અને સહ-કલાકારોએ સોશિયલ મીડિયા પર ઊંડો શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
જોકે, આ બધા વચ્ચે મુશ્તાક ખાનના એક જૂના ઈન્ટરવ્યુમાં કહેલી વાત પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. એક ઈન્ટરવ્યુમાં ભાવુક થઈને ખુદ મુશ્કાત ખાને ખુલાસો કર્યો હતો કે જ્યારે તેઓ મુંબઈમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમની પાસે ઘર ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા.
બિગ બીએ મુશ્કેલ સમયમાં જ્યારે મુશ્તાક ખાનની આ પરિસ્થિતિની જાણ થઈ, ત્યારે તેમણે કોઈપણ ખચકાટ વિના તેમને આર્થિક ટેકો આપ્યો હતો. બિગ બીની આ નિઃસ્વાર્થ મદદના કારણે જ મુશ્તાક ખાન સપનાના શહેર મુંબઈમાં પોતાનું પ્રથમ ઘર ખરીદી શક્યા હતા. મુશ્તાક ખાન જીવનભર અમિતાભ બચ્ચનના આ ઉપકારને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતા હતા.
વાત કરીએ મુશ્તાક ખાનના ફિલ્મી કરિયરની તો તેમણે પોતાના કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો જેવી કે 'વેલકમ', 'હમ હૈં રાહી પ્યાર કે', 'જોડી નંબર 1' સહિતની હિટ ફિલ્મોમાં સહાયક અને હાસ્ય કલાકાર તરીકે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમના સ્વાભાવિક સંવાદો અને હાસ્ય અભિનયને કારણે દર્શકો તેમને હંમેશાં આદરપૂર્વક યાદ રાખશે.